Tue Oct 13 2026

Logo

ગુજરાતમાં મોંધવારીનો માર, શાકભાજી બાદ હવે તુવેરદાળ અને સિંગતેલના ભાવમાં વધારો

2026-10-13 21:31:22
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં મોંધવારીનો માર, શાકભાજી બાદ હવે તુવેરદાળ અને સિંગતેલના ભાવમાં વધારો

અમદાવાદ: ગુજરાતમાં એક તરફ તહેવારોની મોસમ શરૂ થઈ છે. ત્યારે બીજી તરફ શાકભાજી બાદ હવે તુવેરદાળ અને સિંગતેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે. આ અંગે મળતી માહિતી મુજબ તુવેરદાળના ભાવમાં કિલોએ 30 રૂપિયાનો વધારો નોંધાયો છે. જેના પગલે રૂપિયા 150 ના ભાવે વેચાતી દાળ રૂપિયા 180 સુધી પહોંચી છે. 

સિંગતેલના ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં રૂપિયા 75નો વધારો

જયારે બીજી તરફ રાજકોટમાં સિંગતેલના ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં રૂપિયા ૭૫નો વધારો નોંધાયો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.તેમજ તેલ અને દાળ જેવી જીવનજરૂરી વસ્તુઓ મોંઘી થતાં ઘરખર્ચમાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત આગામી દિવાળી પર્વ જો ભાવવધારો યથાવત રહેશે તો  સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થશે. 

પામોલીન અને સોયાબીન તેલમાં પણ તેજી

રાજકોટમાં  સિંગતેલના ડબ્બામાં રૂપિયા 75નો વધારો થતાં નવો ભાવ રૂપિયા 2950 થી વધીને રૂપિયા 3050 સુધી પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 25 નો વધારો થતાં ભાવ રૂપિયા 2670   થી રૂપિયા 2700 ની સપાટીએ પહોંચ્યો છે. જ્યારે સનફ્લાવર તેલમાં પણ ડબ્બે રૂપિયા 25 નો વધારો થયો છે. જ્યારે પામોલીન અને સોયાબીન તેલમાં પણ તેજીનો માહોલ છે. તેમજ આગામી દિવસમાં તેમાં હજુ પણ વધારો થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.