Tue Oct 13 2026

Logo

રાજકોટના પડધરીમાં રૂ. 1.10 કરોડના એમ્બરગ્રીસ સાથે 6 શખ્સો ઝડપાયા, 1.020 કિલો જથ્થો કબજે...

2026-10-13 22:01:52
Author: Mumbai Samachar Team
રાજકોટના પડધરીમાં રૂ. 1.10 કરોડના એમ્બરગ્રીસ સાથે 6 શખ્સો ઝડપાયા, 1.020 કિલો જથ્થો કબજે...

રાજકોટ: રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) શાખાએ પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ-જામનગર હાઇવે પર આવેલી માધવ હોટલ પાસે બાતમીના આધારે દરોડો પાડી વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખાતા એમ્બરગ્રીસના જથ્થા સાથે છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે એમ્બરગ્રીસનો 1 કિલો 20 ગ્રામ જથ્થો, નવ મોબાઇલ ફોન અને બે કાર સહિત કુલ રૂ. 1,10,80,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે વધુ તપાસ માટે વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

પદાર્થ એમ્બરગ્રીસ હોવાનું સામે આવતાં પોલીસે જથ્થો કબજે કર્યો 

મળતી વિગતો મુજબ, તા. 12 ઓક્ટોબર, 2026ના રોજ એસઓજીની ટીમ પડધરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે મોરબીના ભાનુભાઈ ઉર્ફે ભાવેશભાઈ ચાવડા અને મેહુલભાઈ જગદીશભાઈ રાઠોડ કારમાં એમ્બરગ્રીસનો જથ્થો લઈને રાજકોટ-પડધરી હાઇવે પર આવેલી માધવ હોટલ પાસે લેતીદેતી માટે આવવાના છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને કાર્યવાહી કરી હતી. વાહનોની તપાસ દરમિયાન પ્લાસ્ટિકની થેલીમાં રાખેલો પદાર્થ એમ્બરગ્રીસ હોવાનું સામે આવતાં પોલીસે જથ્થો કબજે કરી છ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આશરે એક વર્ષ પહેલાં ભાનુભાઈ ચાવડાનો તારાપુર વિસ્તારમાં એક વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. આ વ્યક્તિ પાસે એમ્બરગ્રીસ હોવાની અને તેને વેચવા માટે ગ્રાહકની શોધ ચાલી રહી હોવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાનુભાઈએ મેહુલ રાઠોડને આ અંગે જાણ કરી હતી.

એમ્બરગ્રીસના નમૂનાની આપ-લે કરવામાં આવી હતી

પોલીસના જણાવ્યા અનુસાર, આશરે 10થી 15 દિવસ પહેલાં મેહુલે એક ગ્રાહક તૈયાર હોવાની વાત કરી હતી. ત્યારબાદ એમ્બરગ્રીસના નમૂનાની આપ-લે કરવામાં આવી હતી. નમૂનો સાવનભાઈ ભરતભાઈ જાટ સુધી પહોંચ્યો હતો, જ્યાંથી તે પ્રશાંતભાઈ દિલીપભાઈ જાટ અને ત્યારબાદ ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ કંચવા સુધી પહોંચાડવામાં આવ્યો હતો. નમૂનો યોગ્ય હોવાનું જણાવાયા બાદ જથ્થાની ડિલિવરી માટે રૂ. 25 લાખમાં સોદો નક્કી થયો હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી હતી.

પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં મોરબીના મેહુલભાઈ જગદીશભાઈ રાઠોડ અને ભાનુભાઈ ઉર્ફે ભાવેશભાઈ ચાવડા, મોરબીના વિજયસિંહ નારૂભા ઝાલા, જામનગરના પ્રશાંતભાઈ દિલીપભાઈ જાટ અને સાવનભાઈ ભરતભાઈ જાટ તેમજ જામનગર જિલ્લાના સિક્કા વિસ્તારના ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ કંચવાનો સમાવેશ થાય છે.

એમ્બરગ્રીસનો 1 કિલો 20 ગ્રામ જથ્થો જપ્ત કર્યો 

પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં એમ્બરગ્રીસનો 1 કિલો 20 ગ્રામ જથ્થો, અંદાજિત કિંમત રૂ. 1,01,20,000, નવ મોબાઇલ ફોનની કિંમત રૂ. 90,000, એક કારની કિંમત રૂ. 5 લાખ અને એક ઇકો કારની કિંમત રૂ. 4 લાખનો સમાવેશ થાય છે. આમ, કુલ રૂ. 1,10,80,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એમ્બરગ્રીસના જથ્થાના સ્ત્રોત, તેની ખરીદી-વેચાણની સાંકળ અને તેમાં સંકળાયેલા અન્ય લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.