Tue Oct 13 2026

Logo

ડૉલરમાં માગ ઘટતાં રૂપિયો વધુ 42 પૈસા ઊંચકાયો...

2026-10-13 21:03:04
Author: Ramesh Gohil
ડૉલરમાં માગ ઘટતાં રૂપિયો વધુ 42 પૈસા ઊંચકાયો...

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
તાજેતરમાં રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ રૂપિયામાં થતાં ધોવાણ અને સટ્ટાને ડામવા માટે લીધેલા પગલાંને ટેકે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત ત્રીજા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં વધુ 42 પૈસા ઊંચકાઈને 95.36ની સપાટીએ બંધ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર રિઝર્વ બૅન્કના પગલાંઓને કારણે હાજર બજારમાં ડૉલરની માગ ઘટી હતી અને સટ્ટાના અતિરેક પર અંકુશ આવ્યો છે. વધુમાં તેલ માર્કેટિંગ કંપનીઓ માટે બૅન્કોમાં સમર્પિત ડૉલર વિન્ડો શરૂ કરવામાં આવતા હાજર અને વાયદા બજારમાં સટ્ટાકીય પ્રવૃત્તિ નિયંત્રણમાં આવતા રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.78ના બંધ સામે સુધારાના અન્ડરટોને 95.53ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.53 અને ઉપરમાં 94.96 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 42 પૈસાના સુધારા સાથે 95.36ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 93 પૈસાનો સુધારો આવ્યો હતો અને તે પૂર્વે શુક્રવારે 17 પૈસાનો સુધારો આવ્યો હતો. આમ છેલ્લાં ત્રણ સત્રમાં ડૉલર સામે રૂપિયો 152 પૈસા મજબૂત થયો છે. 

સ્થાનિક બજારમાં ચંચળતા અને સટ્ટાકીય વેપાર અટકાવવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા દ્વારા નિયમનકારી પગલાં લેવામાં આવતાં ટ્રેડરોએ લાંબાગાળાની પોઝિશનો સરભર કરવાની સાથે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં વધ્યા મથાળેથી પીછેહઠ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં વિશ્લેષક દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે છેલ્લાં ત્રણ સત્રમાં ડૉલર સામે રૂપિયામાં બે ટકા સુધીનો સુધારો આવ્યો છે. હાલ ડૉલર સામે રૂપિયામાં 95ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી છે. આ સપાટી તૂટતાં રૂપિયો 94.50 સુધી મજબૂત થાય તેવી શક્યતા નકારી ન શકાય. 

વધુમાં આજે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષમાં ડૉલર સામે રૂપિયામાં નોંધપાત્ર ધોવાણ થયું છે અને રિઝર્વ બૅન્કે રૂપિયામાં ચંચળતા અને સટ્ટાકીય પ્રવૃત્તિ ડામવા તથા રૂપિયાના ધોવાણને અટકાવવા શ્રેણીબદ્ધ પગલાં લીધા છે. જેમાં ખાસ કરીને તેલ કંપનીઓને ડૉલરની ખરીદી માટે ખાસ વિન્ડો શરૂ કરી હોવાથી હાજર બજારમાંથી તેઓની ખરીદી દૂર થશે અને ડેરિવેટીવ્સ કોન્ટ્રાક્ટમાં સટ્ટો અટકાવવા બૅન્કોએ 20 લાખ ડૉલરથી વધુની ખરીદી માટે 20 ટકા રિઝર્વ જાળવવાનું ફરજિયાત કર્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે રૂપિયામાં ચંચળતા બાહ્ય કારણોસર વધી છે. જોકે, સ્થાનિક આર્થિક પરિબળો મજબૂત હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.26 ટકા ઘટીને 102.32 આસપાસ અને બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ 1.93 ટકા ઘટીને બેરલદીઠ 104.59 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 1109.10 પૉઈન્ટનો અને 358.60 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.