Tue Oct 13 2026

Logo

રણજી ટ્રોફી: મુંબઈએ શાનદાર પ્રદર્શન કરી ચંડીગઢને એક ઇનિંગ અને 155 રને હરાવ્યું

2026-10-13 21:33:09
Author: Mumbai Samachar Team
રણજી ટ્રોફી: મુંબઈએ શાનદાર પ્રદર્શન કરી ચંડીગઢને એક ઇનિંગ અને 155 રને હરાવ્યું

મુંબઈઃ મુંબઈએ અહીં એલિટ ગ્રુપ ડી મેચમાં ચંડીગઢને એક ઇનિંગ અને 155 રનથી હરાવીને રણજી ટ્રોફીમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. મુંબઈએ ત્રણ દિવસમાં જીત મેળવી અને બોનસ પોઈન્ટ પણ મેળવ્યા હતા. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં મુંબઈના બોલરોએ ચંડીગઢની બીજી ઇનિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

સોમવારે મેચના બીજા દિવસે મુંબઈએ ચંડીગઢની પહેલી ઇનિંગ માત્ર 78 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી, જેનાથી 351 રનની લીડ મેળવી હતી અને તેમને ફોલોઓન કરવાની ફરજ પડી હતી. 

બીજા દિવસની રમતના અંત સુધીમાં ચંડીગઢે એક વિકેટ ગુમાવી દીધી હતી. મંગળવારે મુંબઈના બોલરોએ મહેમાન ટીમને 52.1 ઓવરમાં 196 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. શમ્સ મુલાનીએ 69 રનમાં ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે તનુષ કોટિયને 30 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

અગાઉ, મુંબઈએ પોતાની પહેલી ઇનિંગમાં 429 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. ટીમ તરફથી કેપ્ટન સિદ્ધેશ લાડે 86,  મુશીર ખાને 65,  કોટિયાને 58 અને મોહિત અવસ્થીએ અણનમ 56 રન કર્યા હતા.