આજના સમયમાં મોટાભાગના લોકો અંગત જીવન અને ઓફિશિયલ કામકાજ માટે બે અલગ-અલગ મોબાઈલ નંબર વાપરતા હોય છે. અગાઉ એક જ સ્માર્ટફોનમાં બે વોટ્સએપ ચલાવવા માટે યુઝર્સે ‘ડ્યુઅલ મેસેન્જર’, ‘એપ ક્લોનર’ જેવી થર્ડ પાર્ટી એપ્સ અથવા ‘વોટ્સએપ બિઝનેસ’નો સહારો લેવો પડતો હતો. પરંતુ આજે અમે તમને અહીં એવી ટીપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે એક જ ફોનમાં બે અલગ અલગ વોટ્સએપ ચલાવી શકો છો.
ટેક એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર વોટ્સએપના ઓફિશિયલ ઈન-બિલ્ટ ‘મલ્ટિપલ એકાઉન્ટ્સ’ ફીચરની મદદથી તમે કોઈપણ વધારાની એપ વગર એક જ વોટ્સએપમાં બે જુદા જુદા નંબરો સરળતાથી ઓપરેટ કરી શકો છો. આ ફીચર દ્વારા બંને એકાઉન્ટના મેસેજ, કોલ અને નોટિફિકેશન એકબીજાથી અલગ રહે છે અને તમે ઈન્સ્ટાગ્રામ કે ફેસબુકની જેમ માત્ર એક જ ક્લિકમાં એકાઉન્ટ સ્વિચ કરી શકો છો.
બીજા વોટ્સએપ એકાઉન્ટ માટે શું જરૂર પડશે?
તમારો બીજો એક્ટિવ મોબાઇલ નંબર કે જે તે જ ફોનમાં ડ્યુઅલ સિમ કે ઇ-સિમ તરીકે હોઈ શકે છે, અથવા બીજા કોઈ સાદા ફોનમાં એક્ટિવ હોય તો પણ ઓટીપી વેરિફિકેશન માટે ચાલશે. આ સિવાય એક જ ફોનમાં બીજું વોટ્સએપ ચલાવવા માટે તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપનું લેટેસ્ટ અપડેટેડ વર્ઝન હોવું ખૂબ જ જરૂર છે.
એક જ ફોનમાં બીજું એકાઉન્ટ એડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત:
1. તમારા સ્માર્ટફોનમાં મુખ્ય WhatsApp ઓપન કરો.
2. સ્ક્રીન પર ઉપર જમણી બાજુ આવેલા Three Dots (ત્રણ ટપકાં) પર ટેપ કરીને Settings માં જાઓ.
3. Settingsમાં તમારા પ્રોફાઇલ નામ અને QR કોડની બાજુમાં આપેલા નાના Arrow (તીરના નિશાન) પર ક્લિક કરો.
4. હવે નીચે એક પોપ-અપ વિન્ડો ખુલશે, જેમાં '+ Add Account' નો વિકલ્પ પસંદ કરો.
5. સ્ક્રીન પર દેખાતી શરતો સ્વીકારીને 'Agree and Continue' પર ટેપ કરો.
6. હવે તમારો બીજો મોબાઇલ નંબર દાખલ કરો અને Next આપો.
7. તે નંબર પર આવતો ૬ આંકડાનો OTP (વન ટાઇમ પાસવર્ડ) દાખલ કરીને વેરિફિકેશન પૂરું કરો.
8. પ્રોફાઇલ નામ અને ફોટો સેટ કરતાં જ તમારું બીજું વોટ્સએપ એકાઉન્ટ તે જ એપમાં સંપૂર્ણપણે સક્રિય થઈ જશે.
એકાઉન્ટ કેવી રીતે સ્વિચ કરવું?
જ્યારે પણ તમારે એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં જવું હોય, ત્યારે હોમ સ્ક્રીન પર ઉપરના ત્રણ ટપકાં પર ક્લિક કરો.
ત્યાં સૌથી નીચે આપેલા 'Switch Accounts'ના વિકલ્પ પર ટેપ કરતાં જ સેકન્ડોમાં તમારું બીજું એકાઉન્ટ ઓપન થઈ જશે.
જ્યારે તમે કોઈ એક એકાઉન્ટમાં હશો ત્યારે પણ બીજા એકાઉન્ટના નોટિફિકેશન તમને સ્ક્રીન પર સમયસર મળતા રહેશે.