Tue Oct 13 2026

Logo

કડી-મહેસાણાના 4 વેરહાઉસમાં દરોડા, 1.58 લાખ બેગ સીલ કરાઈ, 25 કરોડનો ભેળસેળયુક્ત જથ્થો ઝડપાયો...

2026-10-13 22:19:12
Author: Mumbai Samachar Team
કડી-મહેસાણાના 4 વેરહાઉસમાં દરોડા, 1.58 લાખ બેગ સીલ કરાઈ, 25 કરોડનો ભેળસેળયુક્ત જથ્થો ઝડપાયો...

મહેસાણા: પશુઆહાર (કપાસિયા ખોળ) માં મોટાપાયે થતી ભેળસેળ અને ગેરરીતિઓ સામે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલા એનસીડીઈએક્સ ગ્રુપ સાથે સંકળાયેલા મોટા વેરહાઉસો પર તંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન અંદાજે 25 કરોડ રૂપિયાની કિંમતનો 63 લાખ કિલોગ્રામથી વધુ (1.58 લાખ બેગ) શંકાસ્પદ, એક્સપાયર અને ભેળસેળયુક્ત કપાસિયા ખોળનો જથ્થો સીલ કરી દેવામાં આવ્યો હતો.    
 
ગંભીર રજૂઆત કરવામાં આવી
કડી ખાતે તાજેતરમાં મળેલી ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશનની સાધારણ સભામાં પશુઆહારમાં થઈ રહેલી ભેળસેળ અંગે ગંભીર રજૂઆતો કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત પ્રધાન જીતુ વાઘાણી સમક્ષ કડીના એનસીડીઈએક્સના ગોડાઉનોમાંથી ભેળસેળયુક્ત ખોળનું વેચાણ થવાના આક્ષેપો કરાયા હતા. આ રજૂઆતને ગંભીરતાથી લઈને જીતુ વાઘાણીની સૂચના અને મહેસાણા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પશુપાલન વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, કડી મામલતદાર અને પશુચિકિત્સા અધિકારીઓની સંયુક્ત ટીમોએ મોડી રાત્રે મેગા રેડ ઓપરેશન હાથ ધર્યું હતું.    

નમૂના પરીક્ષણ હેતુ મોકલાયા
તંત્રની ટીમોએ કડી તાલુકાના અલગ-અલગ સ્થિત ચાર મોટા વેરહાઉસ પર તપાસ હાથ ધરી જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં લિંચ અંબાસણ રોડ પર આવેલા વેરહાઉસમાં 1,28,622 બેગ (આશરે રૂ. 25 કરોડની કિંમતનો 63.41 લાખ કિલો એક્સપાયર અને શંકાસ્પદ જથ્થો), અલદેસણ (ભવ્ય વેરહાઉસ)માં 14,125 બેગ, નગરાસણ (મહાશક્તિ / અમીના વેરહાઉસ)માં 10,796 બેગ, શુભમ લોજિસ્ટિક વેરહાઉસમાં 5,090 બેગ સહિત આ તમામ સ્થળોએ મળીને કુલ 1,58,500 થી વધુ બેગ જપ્ત કરીને સીલ મારવામાં આવી હતી. જપ્ત કરાયેલા ખોળના નમૂનાઓ મેળવીને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતો. લેબ રિપોર્ટ આવ્યા બાદ અને સ્ટોક રજિસ્ટર્સની ચકાસણી પૂર્ણ થયા બાદ આ કૌભાંડ સાથે સંકળાયેલા મુખ્ય જવાબદારો સામે કાયદાકીય રાહે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.