અમદાવાદ: ગુજરાતના મહત્વના એવા 'ધોલેરા સ્માર્ટ સિટી’ પ્રોજેક્ટના નામે રોકાણકારો સાથે કરાયેલા કરોડો રૂપિયાના રોકાણ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેના તાર છેક રાજસ્થાનના જયપુર સુધી પહોંચ્યા હતા. આ તપાસમાં ઇડીએ પીએમએલએ હેઠળ જયપુરની નેક્સા એવરગ્રીન ગ્રૂપની કુલ ₹34.91 કરોડની જંગમ અને સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે ટાંચમાં લીધી છે. જયપુર ED દ્વારા આ કેસમાં અત્યાર સુધીમાં જપ્ત કરાયેલી સંપત્તિનો આંકડો ₹52 કરોડે પહોંચી ગયો છે.
47,664 રોકાણકારોના નાણાં ફસાયા
આ અંગે ઇડીના જણાવ્યા અનુસાર ગ્રુપે વર્ષ 2019 અને 2023 વચ્ચે રોકાણકારો પાસેથી અંદાજે રૂ. 2,676 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીના સોફ્ટવેરમાંથી મળેલી માહિતી મુજબ, 47,664 રોકાણકારો નાણાં ફસાયા છે. તેમજ કુલ રૂ. 932.54 કરોડની રકમની નુકસાન જોવા મળ્યું હતું. જેમાં મોટાભાગના રોકાણકારો નિવૃત્ત સૈન્ય કર્મચારીઓ હતા.
₹5.54 કરોડની રોકડ પણ ફ્રીઝ કરવામાં આવી
ઇડી દ્વારા ટાંચમાં લેવાયેલી સંપત્તિઓમાં ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોલેરા અને ધંધૂકામાં આવેલી જમીનો, રેસિડેન્શિયલ પ્લોટ્સ, અમદાવાદ અને રાજસ્થાનના સીકરમાં આવેલા ફ્લેટ્સ તેમજ ગોવાના કલાંગુટ સ્થિત ‘શાઇનિંગ સેન્ડ બીચ રિસોર્ટ’માં 45 ટકા શેરહોલ્ડિંગ સહિત કુલ ₹29.37 કરોડ મૂલ્યની 69 સ્થાવર મિલકતો સામેલ છે. આ ઉપરાંત નેક્સા એવરગ્રીન સાથે સંકળાયેલી સંસ્થાઓના 26 બેંક ખાતાઓમાં જમા ₹5.54 કરોડની રોકડ પણ ફ્રીઝ કરવામાં આવી છે.
બાઇક અને કાર જેવી મોંઘી ભેટો આપીને વિશાળ નેટવર્ક ઊભું કર્યું
આ સમગ્ર મામલે ફરિયાદ બાદ ઇડીની તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રણવીર બિજાર્ણિયા અને સુભાષચંદ્ર બિજાર્ણિયા છે. આ આરોપીઓએ રોકાણકારોને લાલચ આપી હતી કે તેમના નાણાં ધોલેરા સ્માર્ટ સિટીમાં લેન્ડ ડેવલપમેન્ટ અને પ્લોટિંગ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવામાં આવી રહ્યા છે.