(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે (પશ્ચિમ)માં સોમવાર મધરાત બાદ દિવામાં સ્કૂલ નજીક આગમાં રસ્તા પર પાર્ક થયેલી એક ઓટોરિક્ષા સહિત બાવીસ ટૂ-વ્હીલર બળીને ખાખ થઈ જવાની ઘટના બની હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ થાણેમાં આદર્શ વિદ્યાલય સામે અને દિવા નેશનલ ઈંગ્લિશ સ્કૂલ હૉલની પાછળ રસ્તાને લાગીને પાર્ક કરવામાં આવેલાં વાહનોમાં સોમવાર મધરાતે બે વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી.
આગની જાણ થતા ઘટના સ્થળે ફાયરબિગ્રેડ એક ફાયર ઍન્જિન, એક રેસ્ક્યૂ વેહિકલ સાથે પહોંચી ગઈ હતી. તેમની સાથે પોલીસ થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓ પણ પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ સવા કલાકે એટલે કે ૩.૧૬ વાગે આગને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી હતી.આગમાં રસ્તા પર પાર્ક કરવામાં આવેલી એક ઓટોરિક્ષા સહિત બાવીસ ટૂ-વ્હીલર બળીને ખાખ થઈ ગયાં હતાં.

પોલીસ દ્વારા આગમાં બળીને ખાખ થઈ ગયેલાં તમામ વાહનોમાંથી ૧૫ વાહનોની ઓળખ તેમના રજિસ્ટ્રેશન નંબર અને માલિક પરથી થઈ હતી. બાકીનાં આઠ વાહનોની મંગળવારે મોડે સુધી ઓળખ થઈ શકી નહોતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પોલીસે ગુનો નોંધી આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.
