Thu Nov 19 2026

Logo

મોબાઈલ કેમેરા બાજુમાં રહેલા આ છિદ્રનું રહસ્ય જાણો છો? એક વખત જાણી લેશો તો પછી ક્યારેય...

2026-11-03 20:53:46
Author: Darshana Visaria
મોબાઈલ કેમેરા બાજુમાં રહેલા આ છિદ્રનું રહસ્ય જાણો છો? એક વખત જાણી લેશો તો પછી ક્યારેય...

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા રોજિંદા જીવનનો મહત્વનો હિસ્સો બની ગયો છે. નવો ફોન ખરીદતી વખતે સામાન્ય રીતે આપણે પ્રોસેસર, ડિસ્પ્લે, બેટરી અને કેમેરાના મેગાપિક્સેલ પર સૌથી વધુ ધ્યાન આપીએ છીએ. પરંતુ જો તમે તમારા સ્માર્ટફોનના પાછળના ભાગે કેમેરા લેન્સ કે ફ્લેશલાઇટની બરાબર બાજુમાં ઝીણવટપૂર્વક જોશો, તો એક અત્યંત નાનકડું, સોયની અણી જેવું છિદ્ર જોવા મળે છે. આખરે આ છિદ્રનું કામ શું હોય છે અને છે કેટલું મહત્ત્વનું હોય છે, ચાલો જાણીએ સ્ટોરીમાં... 

મોટાભાગના લોકો તેને માત્ર એક સામાન્ય ડિઝાઈન માની લે છે, તો કેટલાક તેને ફોન રીસેટ કરવાનો પિન-પોઇન્ટ સમજી બેસે છે. પરંતુ વાસ્તવમાં આ કોઈ સાધારણ ડિઝાઇન કે રીસેટ હોલ નથી, પરંતુ સ્માર્ટફોનમાં ઉત્તમ કોલિંગ અને વીડિયો રેકોર્ડિંગ આપતો અત્યંત મહત્વપૂર્ણ હાર્ડવેર પાર્ટ છે.

આ છિદ્ર શું છે? સેકન્ડરી માઇક્રોફોનની કમાલ

કેમેરા મોડ્યુલ નજીક દેખાતું આ નાનકડું છિદ્ર વાસ્તવમાં એક ખાસ પ્રકારનો માઇક્રોફોન છે, જેને ટેકનિકલ ભાષામાં ‘સેકન્ડરી માઇક્રોફોન’ અથવા ‘નોઇઝ કેન્સલેશન માઇક્રોફોન’ કહેવામાં આવે છે. હવે તમને થશે કે દરેક સ્માર્ટફોનમાં નીચેના ભાગે ચાર્જિંગ પોર્ટ પાસે મુખ્ય માઇક્રોફોન હોય છે, જે કોલિંગ કે વોઇસ રેકોર્ડિંગ વખતે આપણો અવાજ કેપ્ચર કરે છે તો પછી કેમેરા પાસે રહેલાં આ સેકન્ડરી માઈક્રોફોન કે નોઈઝ કેન્સલેશન માઈ. જ્યારે કેમેરા પાસે રહેલું આ બીજું માઇક આપણો અવાજ નહીં, પરંતુ આપણી આસપાસનો નકામો અવાજ (બેકગ્રાઉન્ડ નોઇઝ) પકડવા માટે મૂકવામાં આવે છે.

કેવી રીતે કામ કરે છે 'નોઇઝ કેન્સલેશન' ટેક્નોલોજી?

જ્યારે તમે ટ્રાફિક, બજાર, રેલવે સ્ટેશન કે ભારે પવન વચ્ચે ઊભા રહીને કોઈની સાથે ફોન પર વાત કરો છો, ત્યારે નીચેનો મુખ્ય માઇક તમારી વાતો સાથે આસપાસનો ઘોંઘાટ પણ પકડી લે છે. એ જ ક્ષણે કેમેરા પાસે રહેલો આ સેકન્ડરી માઇક માત્ર વાતાવરણના વધારાના અવાજને ટ્રેક કરવાનું કામ કરે છે.

ફોનમાં રહેલું ઇન-બિલ્ટ સાઉન્ડ પ્રોસેસર બંને માઇકના સિગ્નલની તુલના કરે છે. પ્રોસેસર નીચેના માઇકમાંથી તમારો અવાજ ફિલ્ટર કરીને સાચવી રાખે છે અને પાછળના માઇકમાંથી આવતા વાતાવરણના ઘોંઘાટને ડિજિટલી ડિલીટ (કેન્સલ) કરી દે છે. પરિણામે સામેની વ્યક્તિને આજુબાજુના ઘોંઘાટ વગર માત્ર તમારો જ સ્પષ્ટ અવાજ સંભળાય છે.

વીડિયો શૂટિંગમાં પણ બજાવે છે મુખ્ય ભૂમિકા

આ નાના કાણાનો બીજો સૌથી મોટો ફાયદો રિયર કેમેરાથી વીડિયો રેકોર્ડ કરતી વખતે મળે છે. જ્યારે તમે પાછળના કેમેરાથી કોઈ ઈવેન્ટ કે દ્રશ્ય રેકોર્ડ કરો છો, ત્યારે આ સેકન્ડરી માઈક સીધું એક્ટિવ થઈ જાય છે અને કેમેરાની સામે ચાલતા સીનનો અવાજ સ્પષ્ટતાથી કેપ્ચર કરે છે. જો આ હોલ બંધ થઈ જાય કે તેમાં કચરો ભરાઈ જાય, તો રેકોર્ડિંગમાં સામેનો અવાજ ધીમો આવશે અને ફોન પકડનારના શ્વાસનો અવાજ કે આંગળીઓના ઘસારાનો કર્કશ અવાજ વીડિયોમાં રેકોર્ડ થવા લાગશે.