દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જો તમને પણ તમારા ચહેરા પર નેચરલ ગ્લો અને નિખાર જોઈતો હોય તો આ માટે બ્યુટી પાર્લરમાં જઈને મોંઘા ફેશિયલ કે કેમિકલયુક્ત ટ્રીટમેન્ટ્સ કરાવવાની બિલકુલ જરૂર નથી. આજે અમે તમને અહીં સ્ટોરીમાં એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી તમારો ચહેરો એકદમ ચમકી ઉઠશે. ચાલો જોઈએ આખરે કઈ છે આ ટિપ્સ...
જો તમે પણ તહેવારોમાં ખર્ચાળ કેમિકલ ટ્રીટમેન્ટ્સ વિના ચહેરા પર કુદરતી ચમક અને કોરિયન સ્કિન જેવો ગ્લાસ ગ્લો (Glass Glow) મેળવવા માંગતા હો, તો રસોડામાં રહેલી કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને જ ગ્લોઈંગ સ્કીન મેળવી શકો છો. બેસન, જેઠીમધ, મધ અને હળદરનું આ કુદરતી મિશ્રણ ત્વચા પરથી ડેડ સેલ, ટેનિંગ અને ડાઘ-ધબ્બા દૂર કરી ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
ફેસ પેક કઈ રીતે બનાવશો?
બેસન બે મોટી ચમચી, જેઠીમધ પાઉડર એક મોટી ચમચી, મધ અડધી નાની ચમચી, એક ચપટી હળદર, જરૂર પ્રમાણે કાચુ દૂધ કે પછી ગુલાબજળ.
સૌ પ્રથમ એક સ્વચ્છ કાચ કે સ્ટીલના બાઉલમાં ચણાનો લોટ અને જેઠીમધ પાઉડર મિક્સ કરો.
ત્યારબાદ તેમાં એક ચપટી હળદર અને અડધી નાની ચમચી મધ ઉમેરો.
હવે આ મિશ્રણમાં થોડું-થોડું કાચું દૂધ કે પછી ગુલાબજળ ઉમેરતા જાઓ.
બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને સ્મૂધ અને ક્રીમ જેવી ઘટ્ટ પેસ્ટ બનાવી લો. પેસ્ટ વધુ પડતી પાતળી કે વધુ પડતી સૂકી ન હોવી જોઈએ.
ચહેરા પર લગાવવાની સાચી પદ્ધતિ
ફેસ પેક લગાવતાં પહેલાં ચહેરાને સાદા પાણીથી અથવા હળવા ફેસવોશથી બરાબર ધોઈને સાફ કરી લો. આંગળીઓ અથવા ફેસ બ્રશની મદદથી પેકને ચહેરા અને ગળા પર સરખા ભાગે લગાવો. ધ્યાન રાખો કે આંખો અને હોઠની આસપાસની નાજુક ત્વચા પર પેક ન લગાવવો. આ પેકને ચહેરા પર 15થી 20 મિનિટ સુધી રહેવા દો. પેક હળવો સુકાઈ જાય એટલે હાથ ભીના કરીને ચહેરા પર હળવા હાથે ગોળાકાર મસાજ કરો. ત્યારબાદ સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો અને નરમ ટુવાલથી લૂછી લો.
કેટલી વાર ઉપયોગ કરવો અને સાવચેતી
સારા અને દૃશ્યમાન પરિણામ માટે આ ફેસ પેક અઠવાડિયામાં બેથી ત્રણ વખત લગાવી શકાય છે. દરેક વ્યક્તિની ત્વચાની પ્રકૃતિ અલગ હોય છે, તેથી ચહેરા પર પહેલીવાર આખો પેક લગાવતાં પહેલાં કાનની પાછળ કે હાથના અંદરના ભાગે પેચ ટેસ્ટ (Patch Test) અચૂક કરી લેવો, જેથી કોઈ ઘટકની એલર્જી ન થાય.