મુંબઈ: સાઉથ સિનેમાની લોકપ્રિય જોડી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ફરી એકવાર ચર્ચામાં છે. પોતાની આગામી ફિલ્મ ‘રણબાલી’ની રિલીઝ પહેલાં બંનેએ એક તરફ તમિલનાડુના મુખ્યપ્રધાન અને અભિનેતા થલપતિ વિજય સાથે મુલાકાત કરી તો બીજી તરફ આંધ્ર પ્રદેશના પ્રસિદ્ધ તિરુમલા વેંકટેશ્વર મંદિર ખાતે ભગવાનના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. આજે મંદિરની મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં ચાહકો એકઠા થતાં વિજય દેવરકોંડા પત્ની રશ્મિકા મંદાનાનું ખાસ ધ્યાન રાખતા જોવા મળ્યો હતો. આ ક્ષણોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો વિજયના આ અંદાજની પ્રશંસા કરી રહ્યા છે.
થલપતિ વિજય સાથેની મુલાકાતની ફોટા પણ વાયરલ
રશ્મિકા અને વિજય દેવરકોંડાએ ચેન્નઈમાં તમિલનાડુના મુખ્યપ્રધાન સી. જોસેફ વિજય એટલે કે થલપતિ વિજય સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટા બંને કલાકારોએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. રશ્મિકાએ મુખ્યપ્રધાન વિજયની પ્રશંસા કરતાં લખ્યું કે લાંબા સમયથી તેની ચાહક હોવા છતાં તેની સાથે કામ કરવાની તક મળવા અને હવે મુખ્ય પ્રધાન તરીકેની તેમની સફરને જોવાનો અનુભવ અદ્ભુત છે. તેણે વિજયને પ્રેમ અને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
વિજયએ પણ મુખ્યપ્રધાનના વખાણ કર્યાં
વિજય દેવરકોંડાએ પણ થલપતિ વિજય સાથેની મુલાકાતને યાદગાર ગણાવી હતી. તેણે જણાવ્યું કે વ્યસ્ત દિવસ હોવા છતાં મુખ્યપ્રધાને તેમને ખૂબ પ્રેમથી આવકાર્યા અને જીવન, કામ તથા દુનિયા વિશે પોતાના વિચારો તેમની સાથે વહેંચ્યા હતા. વિજય દેવરકોંડાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે એક જ મુલાકાતમાં થલપતિ વિજય તેમના પ્રિય બની ગયા છે. ઉલ્લેખનીય છે કે રશ્મિકા અગાઉ થલપતિ વિજય સાથે ફિલ્મ ‘વારિસુ’માં કામ કરી ચૂકી છે.
તિરુમલા મંદિરમાં પરંપરાગત અંદાજમાં દેખાયાં રશ્મિકા-વિજય બંને કલાકારો આંધ્ર પ્રદેશના તિરુમલા સ્થિત શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરે પહોંચ્યાં હતાં. અહીં તેમણે ભગવાન બાલાજીનાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે રશ્મિકા પીળા રંગની સિલ્ક સાડી અને ગુલાબી રંગના બ્લાઉઝમાં જોવા મળી હતી, જ્યારે વિજય દેવરકોંડાએ સફેદ પરંપરાગત કુર્તા અને ધોતી પહેર્યાં હતાં. બંનેએ ચાહકોનું અભિવાદન કર્યું અને ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા. જોકે, મંદિરની બહાર નીકળતી વખતે ચાહકોની ભીડ વધી જતાં બંનેને આગળ વધવામાં મુશ્કેલી પડી હતી.
Tirumala, Andhra Pradesh: Actors Vijay Deverakonda and Rashmika Mandanna participate in the Suprabhata Seva at the Tirumala Srivari Temple and offer prayers to Lord Venkateswara. Fans gather outside to take pictures with the couple. https://t.co/3S4ab0uj7s
— IANS (@ians_india) October 13, 2026
ચાહકોની વચ્ચે રશ્મિકા-વિજય
મંદિરની બહાર નીકળતી વખતે ચાહકો બંને કલાકારોની નજીક પહોંચવા અને તેમની સાથે ફોટા પડાવવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન વિજય દેવરકોંડા રશ્મિકાને પોતાની નજીક રાખીને ભીડમાંથી બહાર લઈ જતા જોવા મળ્યા હતા. તેમની ટીમ અને મંદિરના કર્મચારીઓએ પણ બંનેને સુરક્ષિત રીતે વાહન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. બીજી તરફ, રશ્મિકાએ ભીડ હોવા છતાં કેટલાક ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું અને તેમની સાથે હાથ મિલાવ્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ બંનેની કેમેસ્ટ્રી અને વિજયના સંભાળ રાખવાના અંદાજની ચર્ચા થઈ રહી છે.
16 ઑક્ટોબરે રિલીઝ થશે ‘રણબાલી’
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની આગામી ફિલ્મ ‘રણબાલી’ 16 ઑક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. રાહુલ સાંકૃત્યાયનના દિગ્દર્શનમાં બનેલી આ પિરિયડ એક્શન ડ્રામાની વાર્તા 1876થી 1878 દરમિયાન પડેલા મદ્રાસના દુષ્કાળની પૃષ્ઠભૂમિ પર આધારિત છે.
ફિલ્મમાં વિજય દેવરકોંડા સિંગનમાલા બોબ્બિલી રણબાલીની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે રશ્મિકા મંદાના તેમની પત્ની જયમ્માના પાત્રમાં જોવા મળશે. બ્રિટિશ શાસન દરમિયાન પોતાના ગામનું રક્ષણ કરવા માટે સંઘર્ષ કરતા એક વ્યક્તિની કહાની ફિલ્મના કેન્દ્રમાં છે.