Tue Oct 13 2026

Logo

આઇઆઇટી બોમ્બે સુસાઇડ: પરીક્ષામાં ચોરી કરવા બદલ વાકોડેએ લેખિતમાં માફી માગીને વધુ એક તકની માગણી કરી હતી...

2026-10-13 18:46:57
Author: Sapna Desai
આઇઆઇટી બોમ્બે સુસાઇડ: પરીક્ષામાં ચોરી કરવા બદલ વાકોડેએ લેખિતમાં માફી માગીને વધુ એક તકની માગણી કરી હતી...

EMMANUAL YOGINI


મુંબઈ: હોસ્ટેલની રૂમમાં આત્મહત્યા કરનાર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેએ ગયા મહિને પરીક્ષામાં ચોરી કરતાં પકડાયા બાદ ઇન્સ્ટિટ્યૂટને લેખિત માફીપત્ર સુપરત કર્યો હતો અને વધુ એક તકની માગણી કરી હતી. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આઇઆઇટી બોમ્બેના ડિરેક્ટર શિરીશ કેદારે અને પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લા સહિત 40થી વધુનાં નિવેદનો નોંધ્યાં છે. સાહિલના પિતાએ પ્રોફેસર દુલ્લા પર હેરાનગતિ અને જાતિ-આધારિત ભેદભાવના આરોપ લગાવ્યા છે. 

બીટૅકના બીજા વર્ષનો વિદ્યાર્થી સાહિલ વાકોડે (22) 18 સપ્ટેમ્બરે સાંજે હોસ્ટેલની તેની રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પરીક્ષામાં મોબાઇલનો ઉપયોગ કરતાં પકડાયા બાદ સાહિલે અંતિમ પગલું ભર્યું હતું.અધિકારીએ જણાવ્યું હતું કે પરીક્ષામાં ચોરી કરતાં પકડાયા બાદ સાહિલે ઇન્સ્ટિટ્યૂટને આપેલા લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે પરીક્ષાની તૈયારી સારી કરી નહોતી. તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને વધુ એક તકની માગણી કરી હતી.

સાહિલના પિતાએ નોંધાવેલી ફરિયાદને આધારે પવઇ પોલીસે પ્રોફેસર દુલ્લા વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કર્યો હતો. વાકોડેના પિતાએ લગાવેલા આરોપોને પ્રોફેસર દુલ્લાએ પોલીસ પૂછપરછ દરમિયાન નકારી કાઢ્યા હતા. મૃત પુત્ર માટે ન્યાયની માગણી સાથે પિતા રાજેન્દ્ર વાકોડે અને માતા સોનાલી દક્ષિણ મુંબઈમાં આઝાદ મેદાન ખાતે 24 સપ્ટેમ્બરથી ભૂખ હડતાળ પર બેઠાં હતાં. તેમણે પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટ પર જાતિ-આધારિત ભેદભાવનો આરોપ લગાવ્યો હતો અને પ્રોફેસર દુલ્લા તથા ડિરેક્ટર શિરીષ કેદારેની ધરપકડની માગણી કરી હતી. (પીટીઆઇ)