Wed Oct 14 2026

Logo

સાત સમંદર પારઃ ભાગે એ ભડવીર ડેન્યુબમાં ડૂબેલાં જહાજો આ વાતની સાક્ષી પૂરે છે...

2026-10-14 08:41:25
Author: Ravi Nayak
સાત સમંદર પારઃ ભાગે એ ભડવીર ડેન્યુબમાં ડૂબેલાં જહાજો આ વાતની સાક્ષી પૂરે છે...

રવિ નાયક

જર્મનીના બ્લેક ફોરેસ્ટથી નીકળેલી ડેન્યુબ પશ્ચિમી યુરોપથી લઈને ઠેઠ પૂર્વીય યુરોપ સુધીનો પ્રવાસ ખેડે છે અને અંતે કાળા સમુદ્રને જઈને મળે છે. હવે થયું એવું કે આ વર્ષે યુરોપમાં કારમો દુકાળ પડવાથી હંગેરી, સર્બિયા, ક્રોએશિયા, રોમાનિયા અને બલ્ગેરિયાના વિસ્તારોમાં ડેન્યુબનું જળસ્તર ઐતિહાસિક નીચા સ્તરે પહોંચ્યું.

પાણીનું સ્તર ઘટવાથી સર્બિયાના પ્રાહોવા નજીક જે દૃશ્યો જોવા મળ્યાં, એણે દાયકાઓ જૂના ઇતિહાસના રોચક પૃષ્ઠો ફરી ઉઘાડી આપ્યા. આ દૃશ્યો હતાં ડૂબીને ડેન્યુબને તળિયે પહોંચેલા સંખ્યાબંધ જહાજોના! પાણીનું સ્તર તળિયે પહોંચતા આ જહાજો ફરી ખુલ્લી હવામાં એવી રીતે દૃશ્યમાન થયાં, જાણે આખો ઘટનાક્રમ હજી ગઈકાલે જ ભજવાયો હોય!

‘ઘોસ્ટ શિપ્સ’ તરીકે ઓળખાતા આ જહાજો કોઈ સામાન્ય જહાજો નથી, બલકે એક સમયે બહુ પાવરફુલ ગણાતી નાઝી નૌસેનાનો હિસ્સો છે. ડેન્યુબ નદીમાં પ્રાહોવા નામક સ્થળની આસપાસના વિસ્તારોમાં આવાં સંખ્યાબંધ જહાજો ડૂબેલાં જોવા મળે છે. અગાઉ પણ દુષ્કાળ સમયે આ ઘોસ્ટ શિપ્સ પાણીમાંથી બહાર ડોકાયેલા, પરંતુ આ વખતે પાણીનું સ્તર વધુ પડતું નીચું જવાથી લગભગ આખેઆખા જહાજ દેખાઈ રહ્યા છે. પ્રશ્ન એ છે કે નાઝી સેનાનાં આટલાં  બધાં જહાજો અહીં આવીને જ શા માટે ડૂબી ગયા હશે?

યુરોપનો નકશો જોતા સમજાશે કે જર્મની યુરોપમાં ડાબી બાજુએ અને રોમાનિયા નામનો દેશ જમણી બાજુએ છે. રોમાનિયાની પડોશમાં આવેલ આજનું યુક્રેન ક્યારેક સોવિયેત રશિયાનો હિસ્સો હતું. એ હિસાબે બીજા વિશ્વયુદ્ધ સમયે રોમાનિયા અને સોવિયેત રશિયા પડોશી દેશો ગણાય. વળી રોમાનિયા અને યુગોસ્લાવિયા (આજનું સર્બિયા) વચ્ચે કુદરતી સરહદ તરીકે ભાગ ભજવતી ડેન્યુબ નદી કાળા સમુદ્ર સુધી જાય છે. આ કાળો સમુદ્ર રશિયા સાથે યુરોપના ઘણા દેશોને જોડે છે. 

જો કાળા સમુદ્ર પર કબજો જમાવવામાં સફળતા મળે, તો યુરોપ જ નહિ પણ સોવિયેત રશિયાને ય કાબૂમાં રાખી શકાય. હિટલરને તો આ વાતની ખબર હોય જ. એટલે એણે પોતાની નાઝી નૌસેનાને કાળા સમુદ્રમાં ઉતારવાનું નક્કી કર્યું, પણ અહીં એક મોટી ભૌગોલિક સમસ્યા હતી. કાળો સમુદ્ર ચારે ય તરફથી જમીની સરહદે ઘેરાયેલો છે. નાઝી નૌસેનાને જો કાળા સમુદ્ર સુધી પહોંચાડવી હોય તો જર્મનીના બ્લેક ફોરેસ્ટથી નીકળતી ડેન્યુબ નદી દ્વારા જ પ્રવાસ ખેડવો પડે.

અહીં એક ઓર સમસ્યા ઊભી હતી. રોમાનિયા સાથે જર્મનીને દોસ્તી હતી અને માર્ગમાં આવતા બીજા કોઈ યુરોપિયન દેશમાં પણ નાઝી સેનાનો રસ્તો રોકવાની હિમ્મત નહોતી, પરંતુ ડેન્યુબ નદી ગમે એટલી લાંબી હોય તો પણ કોઈ સમુદ્ર જેટલી ઊંડી અને પહોળી તો ન જ હોય એટલે ભારેખમ યુદ્ધજહાજો કે સબમરીન્સ એમાં મુસાફરી ન જ કરી શકે. 

આ સમસ્યાના નિવારણ માટે હિટલરે 1943માં બહુ ભારેખમ નહિ એવો પ્રમાણમાં લાઈટવેઈટ ગણાતો નૌકાકાફલો ડેન્યુબ નદી મારફતે બ્લેક સી તરફ રવાના કર્યો. હિટલરના આ કાફલામાં યુદ્ધજહાજો, બાર્જ, ટગબોટ, હોસ્પિટલ શિપ વગેરે મળીને આશરે 200 જહાજો હતા. આ કાફલો ‘બ્લેક સી ફ્લીટ’ તરીકે ઓળખાતો, જેનો રીઅર કમાન્ડર હતો એડમિરલ પોલ-વિલી ઝીબ.

મહાયુદ્ધ દરમિયાન નાઝી સેનાનું પલડું ભારી હતું ત્યાં સુધી વાંધો ન આવ્યો, પણ રશિયા યુદ્ધમાં ઉતર્યું એ સાથે જ બાજી પલટાવાની શરૂઆત થઇ. 1944માં તો નાઝી નૌસેનાએ કાળા સમુદ્રમાંથી રીતસર ભાગવું પડે એવા સંજોગો ઊભા થયા, પરંતુ કાળા સમુદ્રમાંથી નીકળીને જર્મની પાછા ફરવા માટે એક જ માર્ગ હતો ડેન્યુબ નદી.

એડમિરલ પોલે આખા નાઝી કાફલાને બ્લેક સી છોડવાનો અને ડેન્યુબ નદીમાં પ્રવેશીને જર્મની તરફ આગળ ધપવાનો આદેશ આપ્યો. ટૂંકમાં બ્લેક સી ફ્લીટની રિવર્સ જર્ની શરૂ થઇ ગઈ, પરંતુ આ એક એવી યાત્રા હતી જે ક્યારેય પૂરી નહોતી થવાની!

થયું એવું કે જર્મનીનો સૂર્ય સોળે કળાએ તપતો હતો ત્યારે રોમાનિયા એનું વફાદાર સાથી બની રહ્યું, પણ જ્યારથી સોવિયેત રશિયા સામે જર્મનીને માર પડવાની શરૂઆત થઇ, ત્યારથી રોમાનિયાએ દૂર બેઠેલા જર્મનીને બદલે પડોશમાં રહેલ સોવિયેત રશિયાના ખોળે બેસવાનું પસંદ કર્યું. ડેન્યુબ નદીમાં આયર્ન ગેટ નામક સ્થળ નજીક નદીનો પ્રવાહ સાંકડો અને મુશ્કેલ ગણાય. પેલું ‘બ્લેક સી ફ્લીટ’ આ વિસ્તાર પાર કરે એ પહેલા રોમાનિયાની મદદથી સોવિયેત કાફલો અહીં પહોંચી ગયો. એ સાથે જ ‘બ્લેક સી ફ્લીટ’ માટે ડેન્યુબ નદીમાં આગળ વધવાનો રસ્તો બંધ થઇ ગયો.

હવે પરિસ્થિતિ એવી થઇ કે આગળ-પાછળ બે ય તરફથી એડમિરલ પોલની ‘બ્લેક સી ફ્લીટ’ ઘેરાઈ ગઈ તો ય નાઝી નૌસેનાએ ચારેક વખત આયર્ન ગેટની ઘેરાબંધી તોડવાની કોશિશ કરી, પણ ચારેય વખત નિષ્ફળતા મળી.

રશિયનોના હાથે પકડાઈ જવાનું નિશ્ર્ચિત હતું. જો બસો જેટલા નાઝી જહાજો સાથેનો આખો કાફલો સોવિયેત રશિયાને હાથે પકડાઈ જાય તો જર્મનીની ભારે નાલેશી થાય. એટલે એડમિરલ પોલે ગજબનો નિર્ણય લીધો. એમણે પોતાના તમામ જહાજોને ડુબાડી દેવાનો અને નૌસેનિકોને નાસી છૂટવાનો આદેશ આપ્યો. નાઝી સૈનિકોએ એમ જ કર્યું. 

‘બ્લેક સી ફ્લીટ’નો આખેઆખો કાફલો ડેન્યુબ નદીમાં ડુબાડી દેવામાં આવ્યો પછી તમામ સૈનિકો નાસી છૂટવામાં સફળ રહ્યા. પાછળથી ટ્રેન સહિતના વિવિધ માર્ગે એ બધા જર્મનીભેગા થઇ ગયા. ડેન્યુબના મોરચે સોવિયેત રશિયા ભલે જીત્યું, પણ એને કશું હાથ ન લાગ્યું ન જહાજો, ન સૈનિકો. કઠિન પરિસ્થિતિમાં ત્વરિત નિર્ણય લઈને જર્મનીની ઈજ્જત બચાવવા બદલ એડમિરલ પોલનું સન્માન પણ કરવામાં આવેલું.

યુદ્ધમાં ક્યારેક ભાગે એ ભડવીર ગણાય છે અને ક્યારેક એવું ય થાય કે યુદ્ધ મોરચે જીત મેળવ્યા બાદ પણ કશું હાથ ન લાગે.