Wed Oct 14 2026

Logo

અજબ ગજબની દુનિયા

2026-10-14 08:21:56
Author: Henri Shashtri
અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી 

ડિશની અવગણના- ડિવોર્સની નોબત

‘આજે શું બનાવું’ એ પત્નીના સવાલનો જવાબ આપતા કોઈ પણ પતિને પરસેવો વળી જાય. જોકે, પત્નીના હાથની રસોઈ ખાધા પછી જવાબ આપવો બહુ સહેલો હોય છે. ‘બહુ જ મજા પડી કે મોઢામાં સ્વાદ રહી ગયો’ પ્રકારની પ્રતિક્રિયા જ આપવાની હોય છે. આનાથી અલગ જવાબ આપો તો પત્નીને ન ગમે એવું બની શકે છે. અલબત્ત, મહારાષ્ટ્રમાં પત્નીએ પીરસેલી થાળી જોઈ પતિએ મોઢું બગાડતા પત્ની એવી વિફરી હતી કે વાત સીધી છૂટાછેડા પર પહોંચી ગઈ હતી. ડિશની અવગણનાએ ડિવોર્સની નોબત લાવી દીધી. 

એક મોટા બિઝનેસમેને પોતાના ચુનંદા મિત્રોને બહારગામ પાર્ટીનું આમંત્રણ આપ્યું. ભાઈસાહેબ થોડા દિવસ ઘરની બહાર રહ્યા. ફાઈવ સ્ટાર હોટેલમાં રહી ત્યાં અવનવી વાનગીઓ ખાઈને ઘરે પાછા ફર્યા બાદ પત્નીએ જયારે જમવામાં ટિંડોરાનું શાક પીરસ્યું તો ભાઈએ મોઢું બગાડ્યું, નાક બંધ કર્યું અને માથું ધુણાવવા લાગ્યા. ટિંડોરા નહીં, પનીરવાળું કોઈ શાક ખાવાની ઈચ્છા વ્યક્ત કરી.

પતિની માગણી સાંભળી પત્નીનો પિત્તો ગયો. તાડુકીને બોલી કે ‘પાંચ દિવસ વીઆઈપી ભોજન લીધું અને આટલા નખરા? પહેલા તો દૂધી અને તુરિયાનું શાક હોંશે હોંશે ખાઈ લેતા હતા.’ નાની અમથી વાતથી શરૂ થયેલો ઝઘડો છેક છૂટાછેડા સુધી પહોંચી ગયો. ફાઈવસ્ટાર હોટેલનો સ્વાદ લઈ આવેલા ભાઈસાહેબે કટાક્ષમાં કહ્યું કે ‘એસી મેટ્રો ટ્રેનમાંથી ઊતરીને ભીડવાળી લોકલ ટ્રેનમાં બેસવાનો વારો આવે તો કેવા હાલ થાય? 

પાંચ દિવસ રોજેરોજ પાલક પનીર, દાલ મખની અને દેશી ઘીમાં રંધાયેલા મિક્સ વેજિટેબલ ખાધા પછી જો કોઈ તમારી થાળીમાં ટિંડોરાનું શાક મૂકે તો કેવું લાગે? મેં તો માત્ર એટલું જ કહ્યું કે પનીરનું શાક બનાવી આપ અને એમાં વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ.’ ટૂંકમાં પત્ની પોતાનો પક્ષ (સાસરું) છોડીને સામ પક્ષે (પિયર) જવા તૈયાર થઈ હતી. જોકે, અંતે સુલેહ થઈ ગઈ અને ઘીના ઠામમાં ઘી પડ્યું રહ્યું.

મનનો માણીગર દઈ દે, માતા

ભક્તિ, શક્તિ અને મસ્તીનો તહેવાર નવરાત્રિ  દિવાળીની માફક ભારતભરના લોકોને મનગમતો તહેવાર છે. ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં આ તહેવારને પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરાઓ અનુસાર ઉજવવામાં આવે છે. દરેક રાજ્યની સ્થાનિક લાક્ષણિકતા ઉજવણીમાં ડોકિયાં કરે છે. નવરાત્રિ દરમિયાન આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં મહિલાઓ કલ્યાણકારી દેવી માતા ગૌરીનું આહ્વાન કરી તેમની પાસે અખંડ સૌભાગ્યના આશીર્વાદ માગતી હોય છે. અપરિણીત યુવતીઓ પણ પોતાની પસંદગીનો જીવનસાથી મેળવવા માટે સામૂહિક પૂજામાં જોડાય છે. આંધ્ર પ્રદેશની સત્તાવાર ભાષા તેલુગુ છે. 

તેલુગુ ભાષામાં આ તહેવાર ‘બથુકમ્મા પાંડુગા’ (Bathukamma Panduga)તરીકે ઓળખાય છે. ‘માતા દેવી, જીવંત થાઓ!’ એનો અર્થ છે. મહિલાઓ આદિશક્તિની પૂજા માટે સ્થાનિક રંગબેરંગી ફૂલોનો ઉપયોગ કરીને પરંપરાગત શૈલીમાં ફૂલોની થપ્પીઓ બનાવે છે. અત્યંત ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવેલી આકર્ષક ફૂલોની સજાવટ અત્યંત મોહક હોય છે. રંગબેરંગી મિનારા અથવા ઢગલા જેવી દેખાય છે. પ્રકૃતિ સ્વરૂપી માતાની પૂજાનું પ્રતીક છે. 

નવ દિવસ ચાલતા તહેવારના અંતિમ દિવસે ફૂલોની થપ્પી તળાવો અથવા નદીઓમાં વિસર્જિત કરવામાં આવે છે. આ પ્રક્રિયા પ્રકૃતિ પાસેથી જે ઉધાર લીધું હતું તે તેને જ આદરપૂર્વક પાછું આપવાનો એક પ્રતીકાત્મક સંકેત છે. એકંદરે આ જીવન અને નવીનીકરણના શાશ્વત ચક્રને પૂર્ણ કરે છે.

પિંડદાનમાં પર્યાવરણનો પ્રેમ

ભાદરવા મહિનામાં પિંડદાન એ અંગત આસ્થાનો વિષય છે, પણ અંગત આસ્થાને જાળવી રાખી એને પર્યાવરણલક્ષી બનાવવી એ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે. ભગવાન બુદ્ધ અને બોધિ વૃક્ષ માટે ખ્યાતનામ બિહારનું ગયા પિંડદાન અને શ્રાદ્ધ વિધિ માટે પણ જાણીતું છે. બિહારમાં પિતૃપક્ષ વિધિ દરમિયાન જિલ્લા પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવેલી ‘પૂર્વજોના નામે એક વૃક્ષ’ ઝુંબેશ એક અનોખી ડિજિટલ-પર્યાવરણીય પહેલ છે. આ પહેલ પિંડદાનની પરંપરાગત ધાર્મિક વિધિઓ કરવા આવતા શ્રદ્ધાળુઓને તેમના સ્માર્ટફોન દ્વારા છોડના વિકાસને લાઈવ ટ્રેક કરવાની સુવિધા આપીને આધ્યાત્મિક ફરજો અને પર્યાવરણ સંરક્ષણનો એક અનોખો સમન્વય પૂરો પાડે છે.

પર્યાવરણવિદ્ વિપિન બિહારી અને જિલ્લા વહીવટી તંત્રના નેતૃત્વમાં ચાલી રહેલી આ ઝુંબેશ એક ડિજિટલ સ્મારક તરીકે કામ કરી પરિવારોને આબોહવા પરિવર્તન સામે લડવાની સાથે સાથે તેમનું અનુસંધાન જોડે છે. શ્રદ્ધા અને સાયન્સના સરવાળાનું આ ગણિત યુવા તેમ જ મધ્યમ વયના લોકો ને ગજબનું આકર્ષિત કરી રહ્યું છે. પિંડદાન સાથે પર્યાવરણની જાળવણી કરવામાં નિમિત્ત બની રહેલી આ પદ્ધતિ સાથે એક ટેક્નિકલ વ્યવસ્થા જોડવામાં આવી છે. આ યોજનામાં સહભાગી થયેલી વ્યક્તિના મોબાઈલ પર ક્યૂઆર કોડ મોકલવામાં આવે છે જેની મદદથી પૂર્વજોની સ્મૃતિમાં રોપેલા વૃક્ષને એ વર્ચ્યૂઅલી ક્યારે પણ જોઈ શકે છે.

મોહનલાલ માળીનો ‘વિશાળ બગીચો’

આપણા દેશમાં સંયુક્ત પરિવાર હવે ભૂતકાળ બની ગયો છે.એક જ ઘરમાં દાદા-દાદી, માતા-પિતા, કાકા-કાકી અને ભાઈ-બહેનો એકસાથે પ્રેમ અને આદરપૂર્વક રહે એ દૃશ્ય હવે ભાગ્યે જ જોવા મળે છે.સંયુક્ત પરિવાર એકલતા ગાયબ કરી પરસ્પર પ્રેમ, સહકાર તથા એકતાના પાઠ શીખવે છે. 

જોકે, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં આજે પણ જોઈન્ટ ફેમિલી-સંયુક્ત પરિવારનો મહિમા કેટલીક જગ્યાએ સચવાયો છે. રાજસ્થાનમાં આપણા દેશનો સૌથી વિશાળ સંયુક્ત પરિવાર સંપીને રહે છે. રાજ્યના અજમેર જિલ્લાના રામસાર નામના ગામમાં રહેતા મોહનલાલ માલીના સંયુક્ત પરિવારમાં 185 સભ્યો એકસાથે રહે છે. પરિવારના મુખિયા મોહનલાલ માલી માત્ર ત્રીજા ધોરણ સુધી ભણેલા છે. શરૂઆતમાં આ પરિવાર પાસે 30 ઓરડાનું એક મકાન હતું. સમય થતા વસ્તાર વધ્યો અને ઘરનો વિસ્તાર પણ વધ્યો. 

આજે તેમની પાસે 6 મકાન છે જેમાં 85 ઓરડા છે. નરસિંહ મહેતાનું પદ ’શેરી વળાવી સજ્જકરું’ની પંક્તિઓ ‘ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને,દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને’ યાદ આવી જાય એવું વાતાવરણ છે. મોહનલાલજીના કહેવા અનુસાર તેમના પિતાએ સંયુક્ત પરિવારમાં જ રહેવું એવી શીખ આપી હતી. મોહનલાલ મળીને છ ભાઈ.બે ભાઈનું નિધન થયા પછી ચાર ભાઈઓ ભેગા રહે છે. છ ભાઈના 14 દીકરા છે અને એ 14 દીકરાનાં 18 બાળકો અને એ 18નાં 28 સંતાન છે. 700 વીઘા જમીન ધરાવતા આ ખેડૂત પરિવાર પાસે ખેતી અને વ્યવસાય માટે 11 ટ્રેક્ટર, 8 ટ્રક હોવા ઉપરાંત 80 બાઈક છે. ઘરની વહુઓ સહિત પરિવારના મહત્તમ સભ્યો ખેતીવાડી કરે છે અને સાતેક જણ સરકારી નોકરી પણ કરે છે.

લ્યો કરો વાત 

મગરને મગતરું મહાત કરે એ વાત બોલવામાં કદાચ સહેલી હશે પણ હકીકતમાં તો અસંભવ જ કહેવાય. જોકે, આ અજબ દુનિયામાં ગજબ ઘટના બનતી હોય છે અને મહાકાય પ્રાણીને એક મગતરું હંફાવી રહ્યું છે. મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં ખેતરના પાકનો નાશ કરતા મહાકાય ગજરાજને ખેતરથી દૂર રાખવામાં મધમાખી ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે. આ ઉકેલની શોધ સૌથી પહેલા આફ્રિકામાં થઈ હતી જ્યાં માનવ-હાથી વચ્ચેની સમસ્યા દૂર કરવા માટે મધપૂડાની એક વાડ બાંધવામાં આવી હતી. 

મધમાખીનો ગણગણાટ અને એના શરીરમાંથી નીકળતું એક ચોક્કસ પ્રકારનું દ્રવ્ય હાથીને ભગાડવામાં કે દૂર રાખવામાં મદદરૂપ થાય છે. વિદેશનો આ પ્રયોગ દેશમાં અકસીર સાબિત થયો અને સિંધુદુર્ગ જિલ્લામાં આ પ્રયોગ એશિયાઈ હાથીને દૂર રાખવામાં સફળ રહ્યો છે. મધપૂડા રાખવાથી પાકને સંરક્ષણ મળવા ઉપરાંત એના મધમાંથી ખેડૂતોને વધારાની આવક થાય છે એ નફામાં.