વિઠ્ઠલ વઘાસિયા
આજના યુગમાં શિક્ષણને સફળતાની પ્રથમ સીડી માનવામાં આવે છે. માતા-પિતા પોતાનાં સંતાનો ને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે પોતાની શક્તિ કરતાં પણ વધુ પ્રયત્નો કરે છે. યુવાનો પણ ડિગ્રી મેળવવા માટે વર્ષો સુધી અભ્યાસ કરે છે, પરંતુ અહીં એક ગંભીર પ્રશ્ન ઊભો થાય છે-શું માત્ર ડિગ્રી મેળવી લેવાથી રોજગાર મળી જાય છે? શું શૈક્ષણિક પ્રમાણપત્ર જ યુવાનને વ્યવસાય માટે સક્ષમ બનાવી શકે છે?
વાસ્તવિકતા કંઈક જુદી જ છે. આજે વ્યવસાયને અનુરૂપ ડિગ્રી ધરાવનારા યુવાનોની સંખ્યા વધી રહી છે, પરંતુ વ્યવસાયની વાસ્તવિક જરૂરિયાત મુજબનું કૌશલ્ય ધરાવનારા યુવાનોની સંખ્યા ઘણી જગ્યાએ અપેક્ષિત પ્રમાણમાં નથી. પરિણામે એક તરફ ડિગ્રી ધારક બેરોજગારોની સંખ્યા વધે છે અને બીજી તરફ ઉદ્યોગો, વેપાર-ધંધા તથા વિવિધ ક્ષેત્રોને જરૂરી કુશળ માનવબળ મળતું નથી. આ વિરોધાભાસ આપણા શિક્ષણતંત્ર અને રોજગાર વ્યવસ્થા બંને માટે ચિંતાનો વિષય છે.
કોઈ વિદ્યાર્થીએ ઇજનેરીની ડિગ્રી મેળવી હોય, પરંતુ તેને યંત્રો સાથે કામ કરવાની વ્યવહારુ સમજ ન હોય તો તેની ડિગ્રીનું મૂલ્ય મર્યાદિત બની જાય છે. કોમર્સનો સ્નાતક હોય, પરંતુ હિસાબી સોફ્ટવેર, ડેટા વિશ્ર્લેષણ કે વ્યવસાયિક સંચારની સમજ ન હોય, તો માત્ર પ્રમાણપત્ર તેને રોજગાર માટે પૂરતો સજ્જ બનાવતું નથી. તેવી જ રીતે કમ્પ્યુટર ક્ષેત્રની ડિગ્રી ધરાવતો યુવાન જો સમસ્યા ઉકેલવાની, ટીમમાં કામ કરવાની કે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની ક્ષમતા વિકસાવી શક્યો ન હોય તો સ્પર્ધાત્મક બજારમાં પાછળ રહી શકે છે. આથી આજની જરૂરિયાત છે- ડિગ્રી સાથે કૌશલ્ય અને જ્ઞાન સાથે કાર્યક્ષમતા.
શિક્ષણનો હેતુ માત્ર પરીક્ષા પાસ કરાવવાનો નથી. શિક્ષણનું સાચું કાર્ય વ્યક્તિને જીવન અને વ્યવસાયની વાસ્તવિક પરિસ્થિતિઓનો સામનો કરવા સક્ષમ બનાવવાનું છે. જો વિદ્યાર્થી વર્ષો સુધી પુસ્તકો વાંચે, પરીક્ષાઓ આપે અને અંતે પ્રમાણપત્ર મેળવે, પરંતુ કોઈ કાર્ય સ્વતંત્ર રીતે કરી ન શકે, તો શિક્ષણની પ્રક્રિયામાં ક્યાંક ખામી રહી ગઈ છે.
આપણે ઘણી વાર બેરોજગારી માટે માત્ર સરકાર, અર્થતંત્ર કે ઉદ્યોગોને જવાબદાર ઠેરવીએ છીએ, પરંતુ સમસ્યાનું એક મહત્ત્વનું કારણ શિક્ષણ અને રોજગાર વચ્ચેનું અંતર પણ છે. ઉદ્યોગોને જે પ્રકારના કૌશલ્યની જરૂર છે અને શિક્ષણ સંસ્થાઓમાંથી જે પ્રકારના યુવાનો બહાર આવે છે, તેમની વચ્ચે જો મેળ ન હોય તો રોજગારનું સંકટ ઊભું થવું સ્વાભાવિક છે.
આ પરિસ્થિતિમાં વ્યવસાયલક્ષી શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અત્યંત મહત્ત્વપૂર્ણ બની જાય છે. યુવાનને માત્ર પશું જાણે છે? તે પૂછવાને બદલે પશુ કરી શકે છે? તે પૂછવાનો સમય આવી ગયો છે.
આજના સમયમાં ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, ટેક્નિશિયન, મશીન ઓપરેટર, વેલ્ડર, કારપેન્ટર, મિકેનિક, ડ્રાફ્ટ્સમેન, હેલ્થકેર આસિસ્ટન્ટ, ડિજિટલ માર્કેટિંગ નિષ્ણાત, ગ્રાફિક ડિઝાઇનર, પ્રોગ્રામર, ડેટા ટેકનિશિયન જેવા અનેક વ્યવસાયો માટે તાલીમબદ્ધ માનવબળની જરૂર છે. આ વ્યવસાયો કોઈ રીતે નાના કે હલકા નથી. સમાજની દૈનિક વ્યવસ્થા અને અર્થતંત્રનો મોટો હિસ્સો આવા કુશળ કર્મચારીઓના પરિશ્રમ પર ટકેલો છે.
દુર્ભાગ્ય એ છે કે આપણા સમાજમાં હજુ પણ કેટલાક વ્યવસાયને મોટા અને કેટલાકને નાના માનવાની માનસિકતા જોવા મળે છે. પરિણામે દરેક યુવાન ડિગ્રી અને ઓફિસની નોકરી તરફ દોડે છે. બીજી તરફ હાથનું કૌશલ્ય ધરાવતા વ્યવસાયને પૂરતું સામાજિક સન્માન મળતું નથી. આ માનસિકતા બદલવાની જરૂર છે. કૌશલ્યનું કોઈ કામ નાનું નથી; કામ પ્રત્યેની નિષ્ઠા જ વ્યક્તિને મોટો બનાવે છે.
યુવાનોને શાળાના સ્તરથી જ વિવિધ વ્યવસાયો અને કૌશલ્યનો પરિચય કરાવવો જોઈએ. વિદ્યાર્થીને માત્ર પાઠ્યપુસ્તકમાં નહીં, પરંતુ પ્રયોગશાળા, વર્કશોપ, ક્ષેત્ર પ્રશિક્ષણ અને પ્રોજેક્ટના માધ્યમથી શીખવાની તક મળવી જોઈએ. કરતાં કરતાં શીખવું એ આજના શિક્ષણનું મહત્ત્વનું સૂત્ર બનવું જોઈએ.
શિક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચેનું જોડાણ પણ મજબૂત કરવું જરૂરી છે. ઉદ્યોગોને કયા કૌશલ્યની જરૂર છે, તેમાં કયા પ્રકારના ફેરફારો થઈ રહ્યા છે અને ભવિષ્યમાં કઈ ક્ષમતાઓની માંગ વધવાની છે- તેના આધારે અભ્યાસક્રમોમાં સતત પરિવર્તન થવું જોઈએ. માત્ર વર્ષો જૂના અભ્યાસક્રમો ભણાવીને આધુનિક રોજગાર બજાર માટે તૈયાર યુવાનો પેદા કરી શકાય નહીં. અહીં ઇન્ટર્નશિપ અને એપ્રેન્ટિસશિપની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. વિદ્યાર્થીને અભ્યાસ દરમિયાન જ વાસ્તવિક કાર્ય સ્થળનો અનુભવ મળે તો તેને વ્યવસાયની ભાષા, સમયની કિંમત, ટીમ વર્ક, શિસ્ત, જવાબદારી અને સમસ્યા ઉકેલવાની કળા સમજાય છે.
આ સાથે ડિજિટલ યુગે કૌશલ્યની વ્યાખ્યા પણ બદલી નાખી છે. આજે કોઈ પણ ક્ષેત્રમાં ટેક્નોલોજીથી અજાણ રહેવું મુશ્કેલ છે. ડિજિટલ સાક્ષરતા, કૃત્રિમ બુદ્ધિનો જવાબદાર ઉપયોગ, ડેટા સાથે કામ કરવાની ક્ષમતા, સંચાર કૌશલ્ય, સર્જનાત્મકતા, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને ટીમમાં કામ કરવાની કુશળતા જેવા સોફ્ટ સ્કિલ્સ પણ રોજગાર માટે એટલાં જ જરૂરી છે, પરંતુ કૌશલ્ય વિકાસની જવાબદારી માત્ર શિક્ષણ સંસ્થાઓની નથી.
વિદ્યાર્થી, માતા-પિતા, શિક્ષક, ઉદ્યોગ અને સરકાર- સૌએ પોતાની ભૂમિકા નિભાવવી પડશે. દરેક બાળકની રસ, પ્રતિભા અને કાર્યક્ષમતાને ઓળખીને તેને યોગ્ય દિશામાં આગળ વધારવું જોઈએ. દરેક બાળક ડોક્ટર, એન્જિનિયર કે સરકારી અધિકારી બને એ જરૂરી નથી. કોઈ ઉત્તમ ટેકનિશિયન બની શકે, કોઈ કુશળ કારીગર, કોઈ ઉદ્યોગ સાહસિક, કોઈ ડિઝાઇનર તો કોઈ સંશોધક.