Wed Oct 14 2026

Logo

કોડીનારના વલાદર ગામમાં સિંહણે ઘર આંગણે સૂતેલા યુવાનને ઢસડી જઈ ફાડી ખાધો

2026-10-14 12:11:00
Author: Mayur Patel
કોડીનારના વલાદર ગામમાં સિંહણે ઘર આંગણે સૂતેલા યુવાનને ઢસડી જઈ ફાડી ખાધો

ગીર સોમનાથઃ સૌરાષ્ટ્રમાં સાવજનો આતંક વધી રહ્યો છે અને વધુ એક યુવકને સાવજે મોતને ઘાટ ઉતાર્યો હતો.  મળતી વિગત પ્રમાણે, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે મોડી રાત્રે પોતાના ઘરના આંગણામાં સૂતેલા 30 વર્ષીય  યુવાન પર અચાનક સિંહણે હુમલો કરી તેને ફાડી ખાધો હતો. આ ભયાનક બનાવને પગલે સમગ્ર વલાદર ગામ સહિત આસપાસના ગ્રામીણ પંથકમાં ભય અને ફફડાટનો માહોલ ફેલાયો હતો.

રાત્રિના સમયે બની ઘટના

મળતી વિગતો અનુસાર, ગત મોડી રાત્રે 30 વર્ષીય યુવાન પોતાના ઘરની બહાર ખુલ્લામાં સૂઈ રહ્યો હતો. તે દરમિયાન શિકારની શોધમાં ગામમાં પ્રવેશેલી સિંહણ અચાનક ત્યાં આવી ચઢી હતી અને સૂતેલા યુવાન પર તરાપ મારી હતી. ગંભીર રીતે ઘાયલ યુવાન કંઈ સમજે કે પ્રતિકાર કરે તે પહેલાં જ સિંહણ તેને ગળાના ભાગેથી પકડીને નજીકના ખેતરો તરફ ઢસડી ગઈ હતી.

શોધખોળ બાદ મૃતદેહ મળ્યો

સવારે પરિવારજનો અને આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ગ્રામજનો એકઠા થયા હતા અને યુવાનની શોધખોળ શરૂ કરી હતી. લોહીના ડાઘા અને ઘસડાવાના નિશાનોના આધારે આગળ વધતાં ગામની સીમમાંથી યુવાનનો મૃતદેહ અત્યંત ક્ષત-વિક્ષત અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. આ કરુણ દ્રશ્ય જોઈને પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. અચાનક બનેલા આ બનાવથી મૃતકના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવાયા

ગામમાં માનવભક્ષી બનેલી સિંહણના આતંકને પગલે લોકોમાં સુરક્ષા અંગે ચિંતા વધી છે. ગ્રામજનોના ભારે આક્રોશ વચ્ચે વન વિભાગે આ વિસ્તારમાં સતર્કતા વધારી દીધી છે અને સિંહણને વહેલી તકે પાંજરે પૂરવા માટે ઘટનાસ્થળની આસપાસ જુદા જુદા લોકેશન પર પાંજરા ગોઠવી દીધા હતા. આ સાથે જ વનકર્મીઓની ટીમો દ્વારા વિસ્તારમાં રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. વન વિભાગે આસપાસના ગ્રામજનોને રાત્રિના સમયે ઘરની બહાર ન સૂવા તેમજ સાવચેત રહેવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અમરેલીમાં સિંહના માનવી પર વધી રહેલા હુમલાને લઈ થોડા દિવસો પહેલા મુંબઈ સમાચારે વાઈલ્ડ લાઈફ બૉર્ડના પૂર્વ સભ્ય, ગુજરાત સરકાર સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, સિંહની વસતી વધી છે, ગીરમાં આક્રમણ વધ્યું છે. આ બે કારણો છે, ઉપરાંત ઉદ્યોગો પણ છે. તેથી પરપ્રાંતીયો આવીને વસ્યા છે, આ લોકો માંસાહાર કરતા હોય છે. સિંહના હુમલા વધવા પાછળનું આ પણ એક કારણ છે. આ ઉપરાંત તેમણે કહ્યું, બાબરકોટમાં માઈનિંગ માટે 75 હેક્ટર જમીન આપવાની છે, ત્યાં ઓનરેકોર્ડ 50-55 સિંહ છે, તેનાથી વધારે હોય તો પણ કહેવાય નહીં. અહીંયા માઈનિંગ થશે તો સિંહ વસતીમાં જ આવશે. આવું બધું થશે તો આવી ઘટનાઓ બનશે જ. ગીર ઉપર જે રીતે આક્રમણ થઈ રહ્યું છે તે ખૂબ ખરાબ છે. જેમકે ઘણા રિસોર્ટ બની ગયા છે, ઘણા લોકો મેરેજ કરવા ગીરના રિસોર્ટમાં આવે છે, એટલે મોડે સુધી ડીજે વાગે છે. અવાજ-દેકારો થાય છે, જેના કારણે સ્વાભાવિક છે કે સિંહ જંગલની બહાર વસતીમાં જાય, જેના કારણે ઘર્ષણ તો થવાનું જ.