ભુજ: સરહદી કચ્છ જિલ્લાની વૈશ્વિક ઓળખ સમાન ધોરડોના સફેદ રણમાં દર વર્ષે યોજાતો ભવ્ય ‘રણોત્સવ’ આ વર્ષે પણ આગામી ૧લી નવેમ્બરથી વિધિવત્ શરૂ થશે. ૨૨મા રણોત્સવને સફળ બનાવવા માટે ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રણવચાળે દેશ-વિદેશના હજારો પ્રવાસીઓના આતિથ્ય માટે 1000થી વધુ સુવિધાસભર તંબુઓ સાથેની અનોખી ટેન્ટ સિટી ઊભી કરવાની કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
ચાર માસ ચાલશે રણોત્સવ
રણોત્સવના સુચારુ સંચાલન અંગે ટેન્ટ સિટી ઊભી કરનારી એજન્સીઓ, પ્રવાસન વિભાગ તેમજ ધોરડો ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાયા બાદ માહિતી આપતાં કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, ૧લી નવેમ્બરથી ફેબ્રુઆરીના અંત સુધી એમ સળંગ ચાર માસ ચાલનારા આ મહોત્સવમાં આવતા પ્રવાસીઓની સુવિધા અને સલામતી માટે તમામ સંબંધિત વિભાગોને સ્પષ્ટ દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.
પીવાના પાણીની કોઈ તંગી ન સર્જાય તે માટે આગોતરું આયોજન
ચાર મહિના દરમિયાન હજારો પ્રવાસીઓ પોતાના ખાનગી વાહનો તેમજ ટૂરિસ્ટ બસો મારફતે સફેદ રણ પહોંચતા હોવાથી ભુજ-ખાવડા-ધોરડો ધોરીમાર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા સુચારુ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે. આ ઉપરાંત, ચાલુ વર્ષે કચ્છમાં વરસાદની સ્થિતિને ધ્યાને રાખી ધોરડો અને તેની આસપાસ પીવાના પાણીની કોઈ તંગી ન સર્જાય તે માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડને અત્યારથી જ દૈનિક પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા તાકીદ કરાઈ છે.
A road trip with views you’ll want to pause for. Welcome to the Road Through Heaven, where the beauty of Kutch makes every mile worth the journey. Share this with your favourite travel buddy and plan your next road trip to Kutch. https://t.co/TgLXJepfgP
— Gujarat Tourism (@GujaratTourism) October 13, 2026
સમીક્ષા કરાશે
પર્યટકોને ધોરડો ટેન્ટ સિટી પરિસરથી છેક સફેદ રણ અને વોચ ટાવર સુધી સરળતાથી પહોંચાડવા માટે ગુજરાત એસ.ટી. નિગમની પર્યાપ્ત બસો દોડાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મુખ્ય ટેન્ટ સિટી ઉપરાંત ખાનગી રિસોર્ટ્સ મળી સમગ્ર પરિસરમાં અંદાજે એક હજારથી વધુ લક્ઝુરિયસ ટેન્ટ તાણવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં વિવિધ વિભાગો સાથે વધુ એક સંકલન બેઠક યોજી રણોત્સવની તમામ આનુષંગિક વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવશે તેમ કલેકટરે ઉમેર્યું હતું.
*(ઉત્સવ વૈદ્ય)*