Wed Oct 14 2026

Logo

મુુલુંડમાં અનામત રહેલા પ્લોટ પર પેટ્રોલ પંપ બનશે: બીએમસીએ નાગરિકો પાસે વાંધા અને સૂચનો મંગાવ્યા...

2026-10-14 10:26:31
Author: Sapna Desai
મુુલુંડમાં અનામત રહેલા પ્લોટ પર પેટ્રોલ પંપ બનશે: બીએમસીએ નાગરિકો પાસે વાંધા અને સૂચનો મંગાવ્યા...

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુલુંડના એક પ્લોટનો અમુક ભાગ પર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ/સ્ટેડિયમ માટેના અનામત (રિઝર્વેશન)ને બદલીને ત્યાં પેટ્રોલ પંપ બનાવવાના વિવાદાસ્પદ પ્રસ્તાવ પર મુંબઈ મહાનગરપાલિકાએ જાહેર જનતા પાસેથી વાંધા અને સૂચનો મંગાવ્યા છે. આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલવામાં આવે તે પહેલાં નાગરિકો પાસે પોતાના વાંધા અને સૂચનો રજૂ કરવા માટે માત્ર ૩૦ દિવસનો સમય આપ્યો છે. 

મુલુંડ (પૂર્વ)માં આવેલા એક પ્લોટ પર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ/સ્ટેડિયમ વગેરે બનાવવા માટે અનામત રાખવામાં આવ્યો હતો પણ તેનું રિઝર્વેશન બદલીને અહીં પેટ્રોલપંપ બનાવવાનો પ્રસ્તાવ પાલિકા લાવી હતી. વિરોધ પક્ષો તરફથી આ પ્રસ્તાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. પાલિકા ‘ડેવલપમેન્ટ પ્લાન ૨૦૩૪’ હેઠળ મુલુંડ (પૂર્વ)માં સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અને સ્ટેડિયમ માટેના ૪,૨૪૭.૫૦ ચોરસ મીટરના અનામત પ્લોટને રદ કરીને ત્યાં પેટ્રોલ પંપ બનાવવાનો પ્રસ્તાવ મૂકી રહી છે. આ માટે વિસ્તારમાં પેટ્રોલ પંપની ગેરહાજરી અને સ્થાનિક રહેવાસીઓની માંગણીઓનું કારણ આગળ કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ અને શિવસેના (યુબીટી)ના વિરોધ બાદ પણ ગયા મહિને પાલિકાની સુધાર સમિતિમાં અને પાલિકાની સામાન્ય સભા(હાઉસ)માં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. હવે રાજ્ય સરકાર પાસે અંતિમ મંજૂરી માટે પ્રસ્તાવ  જાય તે પહેલાં જાહેર જનતાના વાંધાઓ મંગાવવામાં આવી રહ્યા છે.જોકે સ્થાનિક કાર્યકર અને વકીલ સાગર દેવરે આ અનામત વ્યવસ્થામાં ફેરફાર કરવાને મુદ્દે  જાહેર હિતની અરજી  દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે  પેટ્રોલ પંપ માટે પહેલેથી જ એક અન્ય પ્લોટ અનામત રાખવામાં આવ્યો છે.

તેમણે પાલિકા વહીવટીતંત્રના વલણમાં રહેલી વિરોધાભાસી બાબતો તરફ પણ ઈશારો કરતા કહ્યું હતું કે પાલિકાના ગાર્ડન વિભાગે આ ફેરફાર સામે કોઈ વાંધો નથી તેવું જણાવ્યું છે કારણ કે આ જમીન પર હાલમાં કોઈ બગીચો, રમતનું મેદાન કે મનોરંજનની સુવિધા આવેલી નથી. તેમ છતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ગાર્ડન્સ)એ સૂચન કર્યું છે કે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ/સ્ટેડિયમ માટેનું અનામત યથાવત રાખવું જોઈએ અથવા તેને અન્ય કોઈ સ્થળે ખસેડવું જોઈએ.

આ પ્લોટ પરના અનામતને હટાવીને અહીં પેટ્રોલપંપ બનાવવા સામે શિવસેના (યુબીટી)ના નગરસેવકોએ પણ  વાંધો ઉઠાવ્યો હતો. નગરસેવકોના કહેવા મુજબ  પેટ્રોલ પંપ માટે માત્ર ૭,૦૦૦ ચોરસ ફૂટ જમીનની જરૂર હોય છે, ત્યારે ૪૦,૦૦૦ ચોરસ ફૂટ જમીન ફાળવવાનો શું અર્થ છે? એટલું જ નહીં પણ પ્લોટ નજીક જ સ્કૂલ આવેલી છે ત્યારે  પ્રસ્તાવિત પેટ્રોલ પંપ અહીં ઊભું કરવા સામે પણ નગરસેવકોએ  ચિંતા વ્યક્ત કરી હતી. અનામત પ્લોટના ઉપયોગમાં ફેરફાર કરવામાં આવતા હોય તો વિસ્તારની જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર કરાયેલા ‘ડેવલપમેન્ટ પ્લાન’નો શું હેતુ છે? એવો સવાલ પણ ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. 

કૉંગ્રેસના નગરસેવકોએ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ માટે અનામત રાખેલી જમીનનો ઉપયોગ કરવાને બદલે પેટ્રોલ પંપ માટે સરકારી, વ્યાપારી, ઔદ્યોગિક અથવા હાઈવેની બાજુના અન્ય પ્લોટની શક્યતાઓ તપાસવાની માગણી કરી હતી. ૩૩,૩૨૭ ચોરસ મીટરના આ સરકારી પ્લોટ માટે ‘૨૦૩૪ ડેવલપમેન્ટ પ્લાન’ હેઠળ મ્યુનિસિપલ ઓફિસ, રમતનું મેદાન, શાળા, પોલીસ ચોકી અને પેટ્રોલ પંપ સહિતના વિવિધ નાગરિક સુવિધાના આરક્ષણો નક્કી કરવામાં આવ્યા છે. જોકે  કલેક્ટર દ્વારા પાલિકાને  ૮ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે પેટ્રોલ પંપ માટે અનામત રાખવામાં આવેલો ૨,૦૯૮ ચોરસ મીટરનો પ્લોટ અગાઉથી જ ‘મહાનગર ગેસ લિમિટેડ’ને સીએનજી સ્ટેશન માટે લીઝ પર આપવામાં આવ્યો છે.