સુરતઃ સિવિલના ડૉક્ટરના આપઘાત કેસમાં વધુ એક ડૉક્ટર ઝડપાયો હતો. જ્યારે હજુ એક ડૉક્ટર યુવતી ફરાર છે. થોડા દિવસ પહેલાં બે ડૉક્ટર યુવતી ઝડપાઈ હતી.
ક્યો ડૉક્ટર ઝડપાયો
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં પોલીસે વધુ એક આરોપી ડૉક્ટર અનુજ મહેશ્વરીની ધરપકડ કરી હતી. આ કેસમાં સંડોવાયેલી અન્ય એક ડૉક્ટર નિરાલીની ધરપકડ માટે પોલીસે તપાસ તેજ કરી હતી. આ અગાઉ ખટોદરા પોલીસે બે મહિલા ડૉક્ટર—દિક્ષીતા ઘેવરિયા અને હીના ભૂતની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી.
શું છે મામલો
ગત 8 ઓગસ્ટની મધ્યરાત્રિએ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલમાં ડૉ. હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો હતો. ઘટના બાદ રચાયેલી ફેક્ટ-ફાઈન્ડિંગ અને મેડિકલ કમિટીના તપાસ રિપોર્ટમાં ડૉ. હર્ષ સાથે રેગિંગ થયું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું હતું. કમિટીના અહેવાલના આધારે મૃતકના પિતાએ ૧૫ ઓગસ્ટે આરોપીઓ સામે એટ્રોસિટી અને આત્મહત્યા માટે મજબૂર કરવા (દુષ્પ્રેરણ) અંગે ગુનો નોંધાવ્યો હતો.
રેગિંગ કમિટીના અહેવાલ મુજબ, પકડાયેલી બંને મહિલા ડૉક્ટરો દિક્ષીતા અને હીના ભોગ બનનાર ડૉ. હર્ષને માનસિક ત્રાસ આપવામાં અને આપઘાત માટે પ્રેરવામાં સક્રિય રીતે સામેલ હતી.