Wed Oct 14 2026

Logo

અમદાવાદીઓને દિવાળી પર મળશે મોટી ભેટ, 4 કિમી લાંબો ઇસ્કોન-સાણંદ સર્કલ એલિવેટેડ બ્રિજ થશે શરૂ

2026-10-14 11:35:00
Author: Mayur Patel
અમદાવાદીઓને દિવાળી પર મળશે મોટી ભેટ, 4 કિમી લાંબો ઇસ્કોન-સાણંદ સર્કલ એલિવેટેડ બ્રિજ થશે શરૂ

અમદાવાદઃ શહેરમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2030ને લઈ અત્યારથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. શહેરમાં ઘણા નવા બ્રિજ બની રહ્યા છે તથા કેટલાક બ્રિજનું કામ પૂર્ણતાના આરે છે. અમદાવાદના એસ.જી. હાઇવે પર ઇસ્કોન ચાર રસ્તાથી સાણંદ સર્કલ વચ્ચેનો 4 કિલોમીટર લાંબો, છ-લેન એલિવેટેડ બ્રિજ દિવાળી સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. જેનાથી અમદાવાદના સૌથી વ્યસ્ત માર્ગો પૈકીના એક પર ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. NHAIના આ પ્રોજેક્ટથી દરરોજ આશરે 1.5 લાખ વાહનચાલકોને લાભ મળવાની શક્યતા છે.

આ એલિવેટેડ બ્રિજ શરૂ થવાથી સાણંદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા વાહનચાલકો વાયએમસીએ  ક્લબ, કર્ણાવતી ક્લબ અને પ્રહલાદનગર સર્કલ નજીકના ટ્રાફિક જંક્શનોને બાયપાસ કરી શકશે, જેનાથી મુસાફરીનો સમય ઘટશે અને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. આ વિસ્તારો તરફ નીચે ઊતરવા ઇચ્છતા વાહનચાલકો માટે રેમ્પની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.

NHAI અનુસાર, આ પ્રોજેક્ટ રૂ. 385 કરોડના ટેન્ડર ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો, જ્યારે તેનો કુલ ખર્ચ રૂ. 530 કરોડથી વધુ થવાનો અંદાજ છે. હાલમાં, સાણંદથી ગાંધીનગર તરફ જતા વાહનચાલકોને પ્રહલાદનગર ગાર્ડન સર્કલ અને કર્ણાવતી ક્લબ પાસે અવારનવાર ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. એકવાર આ બ્રિજ ખુલી જતાં, વાહનો આ જંક્શનો પર રોકાયા વિના સીધા બ્રિજ પરથી પસાર થઈ શકશે.

આ પ્રોજેક્ટમાં બ્રિજની નીચે પે-એન્ડ-પાર્કની સુવિધા, સીસીટીવી કેમેરા અને સુરક્ષા માટે આધુનિક મોનિટરિંગ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. બ્રિજને નિયત સમયમર્યાદામાં શરૂ કરવા માટે હાલ સાણંદ સર્કલ તરફનું બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે.

છારોડી ઓવરબ્રિજ ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થવાની શક્યતા

દરમિયાન, આશરે રૂ. 45 કરોડના ખર્ચે બની રહેલો છારોડી ઓવરબ્રિજ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. 60 મીટર પહોળા અને બંને બાજુ ચાર-ચાર લેનના આ બ્રિજથી દરરોજ હજારો વાહનચાલકોને મોટો લાભ થશે.