ભુજ: સરહદી કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય ઓળખના અત્યંત સંવેદનશીલ દસ્તાવેજ સમાન આધારકાર્ડ સાથે ચેડાં કરી તેના જેવાં જ આબેહૂબ બોગસ ઓળખકાર્ડ બનાવતાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. પશ્ચિમ કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખાએ માંડવી મરીન પોલીસ મથક વિસ્તારમાંથી ગુદીયાળી ગામના ૨૮ વર્ષીય યુવાનને નકલી આધારકાર્ડ તથા કમ્પ્યુટર અને પ્રિન્ટિંગનાં સાધનો સાથે ઝડપી પાડ્યો છે.
બનાવની પ્રાથમિક વિગતો અનુસાર, પશ્ચિમ કચ્છ એલસીબીને ચોક્કસ માહિતી મળી હતી કે, માંડવી પંથકમાં અસલી આધારકાર્ડના ડેટા કે ફોર્મેટનો ઉપયોગ કરી તેના જેવું જ દેખાતું નકલી આધારકાર્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ગુદીયાળી ગામે રહેતા બિલાલ અબ્દુલરઝાક સુમરા (ઉ.વ. ૨૮) નામના શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી ચાર આધારકાર્ડ, તેની ઝેરોક્સ નકલો તેમજ આઈટીઆઈ સર્ટિફિકેટની નકલો મળી આવી હતી. આરોપી નકલી ઓળખકાર્ડ બનાવી ગેરકાયદે આર્થિક લાભ મેળવતો હોવાની આશંકાના પગલે પોલીસે બનાવટી દસ્તાવેજો બનાવવા ઉપયોગમાં લેવાતું આખું સેટઅપ જપ્ત કર્યું હતું. જેમાં કમ્પ્યુટર મોનિટર, સીપીયુ, માઉસ, કીબોર્ડ ઉપરાંત કલર પ્રિન્ટર અને ખાસ આધારકાર્ડ લેમિનેશન મશીન સહિતની સામગ્રી કબજે કરવામાં આવી છે.
આધારકાર્ડ દેશના નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ ઓળખ પુરાવો હોવાથી, તેમાં ફેરફાર કરી ખોટી ઓળખ ઊભી કરવાથી રાષ્ટ્રીય સુરક્ષા, સરકારી યોજનાઓ, સિમકાર્ડ મેળવવા કે બેંકિંગ વ્યવહારોમાં ગંભીર ગેરરીતિ આચરવામાં આવી હોવાની પ્રબળ શક્યતા જોવાઈ રહી છે. આરોપીએ આ બોગસ દસ્તાવેજો કયા ચોક્કસ હેતુ માટે બનાવ્યા હતા, કોને કોને પહોંચાડ્યા હતા અને આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ કે ગેંગ સંડોવાયેલી છે કે કેમ, તે તમામ પાસાંઓ પર એલસીબી દ્વારા કાયદેસરનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉત્સવ વૈદ્ય