Wed Oct 14 2026

Logo

ભારત આવી રહ્યા છે અમેરિકી વિદેશ મંત્રી રુબિયો: જામનગરની રિફાઇનરી પર અમેરિકાની નજર, ઊર્જા સહયોગને લઇને શું છે તૈયારી?

2026-10-14 10:10:46
Author: Mumbai Samachar Team
ભારત આવી રહ્યા છે અમેરિકી વિદેશ મંત્રી રુબિયો: જામનગરની રિફાઇનરી પર અમેરિકાની નજર, ઊર્જા સહયોગને લઇને શું છે તૈયારી?

@marcorubio


અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો 17 થી 22 ઓક્ટોબર સુધી ઉઝબેકિસ્તાન અને ભારતના પ્રવાસે રહેશે. રૂબિયોની ભારત મુલાકાત ઊર્જા સહયોગ અને રોકાણની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ રહેશે. આ દરમિયાન તેઓ મુંબઈ અને જામનગર જશે. જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિશ્વની સૌથી મોટી સિંગલ-કેમ્પસ (એકલ-પરિસર) ઓઇલ રિફાઇનરી આવેલી છે. યુએસ વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, રૂબિયો ભારતીય અધિકારીઓ અને વ્યાપારી અગ્રણીઓ સાથે મુલાકાત કરીને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અને આર્થિક સહયોગ વધારવા પર ચર્ચા કરશે.

કેમ આવી રહ્યા છે માર્કો રુબિયો?

અમેરિકી વિદેશ વિભાગે મંગળવારે જણાવ્યું કે આ પ્રવાસનો હેતુ ભારતની સાથે સ્ટ્રેટેજીક (રણનીતિક) ભાગીદારી મજબૂત કરવા અને ઉર્જા સહયોગ વધારવાની સંભાવના પર ચર્ચા કરવાનો છે. ભારતમાં રુબિયો મુંબઇ અને જામનગર જશે. આ પ્રવાસ દરમ્યાન ક્ષેત્રીય અને વૈશ્વિક ઘટનાક્રમ પર પણ ભારતીય અધિકારીયોની સાથે વિચારોનું આદાન-પ્રદાન થશે.

રૂબિયોની જામનગર મુલાકાતને કેમ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે?

જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની તેલ રિફાઇનરી આવેલી છે, જેની ક્રૂડ ઓઇલ પ્રોસેસિંગ ક્ષમતા પ્રતિદિન 14 લાખ બેરલ છે. રૂબિયોની આ મુલાકાતમાં ઊર્જા સહયોગ મુખ્ય મુદ્દો રહેશે. જોકે, યુએસ વિદેશ વિભાગે જામનગર પ્રવાસ દરમિયાન યોજાનારી કોઈ ચોક્કસ બેઠક કે સમજૂતી અંગે અલગથી વિગતો આપી નથી.

અમેરિકા અને રિલાયન્સના રિફાઇનરી પ્રોજેક્ટ વચ્ચે શું સંબંધ છે?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માર્ચમાં જાહેરાત કરી હતી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રોકાણથી અમેરિકામાં 50 વર્ષમાં પહેલીવાર નવી રિફાઇનરી બનાવવામાં આવશે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ રિફાઇનરી ટેક્સાસના બ્રાઉન્સવિલમાં 300 અબજ ડૉલરના ખર્ચે બનશે.

ભારત પહેલાં રૂબિયો ક્યાં જશે અને તેમની સાથે કોણ હશે?

ભારત આવતાં પહેલાં રૂબિયો ઉઝબેકિસ્તાનના સમરકંદ જશે. ત્યાં તેઓ C5+1 મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લેશે. આ મંચ દ્વારા અમેરિકા અને મધ્ય એશિયાઈ દેશો વચ્ચે વ્યૂહાત્મક સહયોગ વધારવા અંગે ચર્ચા થશે. રૂબિયો આ પાંચ દેશોના વરિષ્ઠ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. આ જૂથમાં ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કિર્ગિઝ પ્રજાસત્તાકનો સમાવેશ થાય છે.