Wed Oct 14 2026

Logo

ગાંધીનગર ચૂંટણીઃ AAPના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત, વોટ શેર ઘટીને માત્ર આટલા ટકા થયો...

2026-10-14 10:15:32
Author: Mayur Patel
ગાંધીનગર ચૂંટણીઃ AAPના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત, વોટ શેર ઘટીને માત્ર આટલા ટકા થયો...

ગાંધીનગરઃ ગાંધીનગર કોર્પોરેશનના ગઈકાલે પરિણામ જાહેર થયા હતા. 11 વોર્ડની 44 બેઠકમાંથી આમ આદમી પાર્ટી(AAP)ને એકપણ બેઠક મળી નહોતી.   આમ આદમી પાર્ટીના તમામ 31 અને કોંગ્રસના 1 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ હતી. વોર્ડ નંબર 1, 3, 4, 5, 8, 9, 10 અને 11માં ભાજપે તમામ 4-4 બેઠકો પર જીત મેળવીને જંગ હાંસલ કર્યો હતો. તેમજ વોર્ડ-2માં ભાજપને 3 અને અપક્ષને 1  બેઠક મળી હતી. જ્યારે વોર્ડ-7માં ભાજપને 3 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. તેમજ વોર્ડ-6માં કોંગ્રેસે તમામ 4 બેઠકો જીતી પેનલ કબજે કરી  હતી. 

ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2021 અને વર્ષ 2026ની ચૂંટણીના પરિણામો તેમજ વોટ શેરના આંકડા દર્શાવે છે કે, પાંચ વર્ષના સમયગાળામાં ગાંધીનગરના રાજકારણનું ચિત્ર નોંધપાત્ર રીતે બદલાયું હતું.  ગાંધીનગર મનપાના કુલ 11 વોર્ડની તમામ 44 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી જંગમાં કુલ 130 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. ચૂંટણી પંચના આંકડા મુજબ, મનપા વિસ્તારમાં નોંધાયેલા અંદાજે 2.59 લાખ મતદારોમાંથી સરેરાશ 59.25% લોકોએ મતદાન કર્યું હતું.

2026ના 11 વોર્ડના ઉપલબ્ધ આંકડા અને 2021ના જાહેર થયેલા વોટ શેર મુજબ, ભાજપનો વોટ શેર 46.49 ટકાથી વધીને 56.65 ટકા સુધી પહોંચી ગયો હતો, જ્યારે વિપક્ષ કૉંગ્રેસનો વોટ શેર પણ 28.02 ટકાથી વધીને 37.05 ટકા નોંધાયો હતો. 2021માં 21.77 ટકા મત મેળવીને ચમકારો બતાવનારી આમ આદમી પાર્ટીનો વોટ શેર આ વખતે ઘટીને માત્ર 4.38 ટકા થઈ ગયો હતો.

આમ આદમી પાર્ટીને 17.39 ટકા જેટલું મોટું નુકસાન વેઠવું પડયું હતું. આ મતોનો સીધો ફાયદો ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષોને મળ્યો હતો.  ભાજપના ઉમેદવારોને કુલ 3,08,672 મત મળ્યા હતા. આ સાથે પાંચ વર્ષના સમયગાળામાં પક્ષના વોટ શેરમાં 10.16 ટકાનો જંગી વધારો થયો હતો. બીજી તરફ, કૉંગ્રેસના ખાતામાં કુલ 2,01,908 મત આવ્યા હતા, જેના કારણે તેના વોટ શેરમાં 9.03 ટકાનો સુધારો થયો હતો. છતાં પણ બંને મુખ્ય પક્ષો વચ્ચે અત્યારે 19.60 ટકા જેટલું મોટું અંતર જોવા મળી રહ્યું છે.