ભુજઃ અંજાર તાલુકાના ચાંદ્રાણી (કોટડા) ગામની સીમમાં ૨૧ વર્ષ પૂર્વે રેડિયોમાં વિસ્ફોટક ગોઠવી બ્લાસ્ટ કરી સાસરિયાંના ૬ સભ્યોને ઉડાવી દેવાના ચકચારી પ્રકરણમાં અંજાર સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. અદાલતે મુખ્ય આરોપી એવા પૂર્વ જમાઈને દોષિત ઠેરવી આજીવન સખ્ત કેદની સજા તેમજ રૂપિયા ૭૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે વિસ્ફોટક આપવાના આરોપસર પકડાયેલા સહઆરોપીને નિર્દોષ છોડી મૂકવા આદેશ કર્યો હતો.
શું છે મામલો
સમગ્ર કેસની વિગતો અનુસાર, ગત ૨૩ જાન્યુઆરી ૨૦૦૬ના રોજ અંજારના ચાંદ્રાણી સીમમાં ધનાભાઈ આહીરની વાડીમાં ભાગીદારીથી જીરું પકવતા મૂળ રાપરના પદમપરના શામજીભાઈ રાયમલભાઈ કોળીના પરિવાર સાથે આ લોહીયાળ ઘટના બની હતી. શામજીભાઈ વાડીમાં બનાવેલા ભૂંગામાં પત્ની અને બાળકો સાથે રહેતા હતા. બનાવના દિવસે સવારે તેમના મોટા પુત્ર મનજીને વાડીના પાણીના ટાંકા પાસે લીમડાના ઝાડ નીચેથી એક રેડિયો બિનવારસી હાલતમાં મળ્યો હતો.
છૂટાછેડા બાદ સાસરિયાને ખતમ કરવા રચ્યું ષડયંત્ર
રેડિયો ભૂંગામાં લાવતાં જ દીકરી સવિતા તેને ઓળખી ગઈ હતી અને જણાવ્યું હતું કે આ તેના પૂર્વ પતિ લવજીનો રેડિયો છે. સવિતાના લગ્ન રાપરના ભીમાસર (ભુટકિયા)ના લવજી સંગ્રામ કોળી સાથે થયા હતા, પરંતુ અણબનાવના કારણે સાત મહિના પૂર્વે સામાજિક રાહે છૂટાછેડા થઈ ગયા હતા. શામજીભાઈ ખેતરમાં કામ કરવા ગયા તે દરમિયાન ભૂંગામાં રહેલા પુત્ર શિવાએ રેડિયોના વાયર ચાર્જિંગ બેટરી સાથે જોડીને સ્વિચ ઓન કરતાં જ પ્રચંડ વિસ્ફોટ થયો હતો.
આ ભયાનક બ્લાસ્ટમાં ભૂંગામાં હાજર શામજીભાઈનાં પત્ની રામીબાઈ, પુત્ર શિવો, દીકરી સવિતા, પુત્રવધૂ શાંતિ અને પૌત્ર સુરેશ સહિત ૬ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિસ્ફોટ એટલો ઘાતક હતો કે ૧૦ વર્ષીય માસૂમ શિવાએ બંને આંખોની દ્રષ્ટિ કાયમ માટે ગુમાવી દીધી હતી, જ્યારે એક દીકરીની એક આંખ જતી રહી હતી.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે છૂટાછેડાની અદાવત રાખી પૂર્વ જમાઈ લવજી કોળીએ જ આખા પરિવારનો સફાયો કરવા કાવતરું ઘડ્યું હતું. લવજીએ શિવલખા વાંઢના વણવીર હરિભાઈ રાઠોડ પાસેથી કૂવા ગાળવા કે પથ્થર તોડવા માટે વપરાતો ડાયનામાઇટનો વિસ્ફોટક ટોટો મેળવી, તેને સર્કિટ સાથે જોડી એવી રીતે બોમ્બ તૈયાર કર્યો હતો કે સ્વિચ ફેરવતાં જ ધડાકો થાય. આ અગાઉ પણ તેણે ઝેરી ખાદ્યસામગ્રી મૂકી પરિવારને ખતમ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી મળેલાં પગલાંની છાપ અને પ્લાસ્ટિકની થેલી સહિતના મજબૂત પુરાવા એકત્ર કરી લવજીની ધરપકડ કરી હતી. આ કેસ ૨૦ વર્ષ, ૮ મહિના અને ૨૧ દિવસ સુધી અદાલતમાં ચાલ્યો હતો. અંજારના ચોથા એડિશનલ સેશન્સ જજ જયેશ લીંબાભાઈ ચોવટીયા સમક્ષ સરકારી વકીલ આશિષ પી. પંડ્યાએ ધારદાર દલીલો અને તત્કાલીન પીએસઆઈ રશ્મિકાંત ગોવિંદભાઈ પરમાર દ્વારા એકત્રિત પુરાવા રજૂ કર્યા હતા.
કોર્ટે આરોપી લવજી સંગ્રામ કોળીને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટની કલમ-૩ હેઠળ કસૂરવાર ઠેરવી આજીવન સખ્ત કેદ તથા રૂપિયા ૫૦ હજારનો દંડ અને હત્યાના પ્રયાસ હેઠળ ૧૦ વર્ષની સખ્ત કેદ તથા રૂ ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમમાંથી ૫૦ ટકા રકમ ભોગ બનનાર પીડિતોને વળતર પેટે ચૂકવવા અદાલતે આદેશ કર્યો હતો, જ્યારે પુરાવાના અભાવે સહઆરોપી વણવીર રાઠોડને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યો હતો.
(ઉત્સવ વૈદ્ય)