Wed Oct 14 2026

Logo

મહારાષ્ટ્ર સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત: દિવાળી પહેલાં મળશે ₹ 5,000ની આર્થિક સહાય

2026-10-14 14:57:47
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્ર સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત: દિવાળી પહેલાં મળશે ₹ 5,000ની આર્થિક સહાય

મુંબઈ: દિવાળીના તહેવાર પહેલાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યના ખેડૂતોને આર્થિક રાહત આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહેલા ખેડૂતોને તહેવાર પહેલાં ₹ 5,000ની વચગાળાની આર્થિક સહાય આપવામાં આવશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ જાહેરાત કરતા કહ્યું હતું કે સરકારનો ઉદ્દેશ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા ખેડૂતોને દિવાળી પહેલાં રાહત પહોંચાડવાનો છે.

મહારાષ્ટ્રમાં દુષ્કાળની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. અગાઉ રાજ્યના 265 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં દુષ્કાળગ્રસ્ત તાલુકાઓની કુલ સંખ્યા વધીને 305 થઈ છે. સરકારના આ પગલાથી દુષ્કાળની અસરનો સામનો કરી રહેલા વધુ વિસ્તારોને રાહતના દાયરામાં આવરી લેવામાં આવ્યા છે.

સરકારના જણાવ્યા અનુસાર, દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોના ખેડૂતોને દિવાળી પહેલાં ₹ 5,000ની વચગાળાની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું કે દિવાળી પહેલાં કેન્દ્ર સરકાર તરફથી સહાય મળવાની શક્યતા ઓછી હોવાથી રાજ્ય સરકાર ખેડૂતોને રાહત આપવા માટે રાહ જોશે નહીં. 

ગત સપ્ટેમ્બરમાં તેમણે દુષ્કાળગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક મદદ આપવાની ખાતરી આપી હતી. હવે દિવાળી પહેલાં સહાયની જાહેરાતને એ દિશામાં લેવાયેલા મહત્ત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.

રાજ્ય સરકારે દુષ્કાળની સ્થિતિમાં અસરકારક વિસ્તારોમાં રાહત પહોંચાડવા અને ખેડૂતોની મુશ્કેલીઓ ઘટાડવા માટે સરકાર તરફથી પાક લોનની વસૂલાતમાં રાહત, વીજળીના બિલમાં છૂટ, પાણીની વ્યવસ્થા અને પાકના નુકસાન માટે વળતર જેવા પગલાં પણ અમલમાં છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને તાત્કાલિક આર્થિક ટેકો મળી રહે અને તેઓ દિવાળીનો તહેવાર મુશ્કેલી વચ્ચે પણ ઉજવી શકે તે આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ છે.