Sun Nov 15 2026

Logo

ગૂગલ પર કેમ સર્ચ થઈ રહી છે આ ચાર બેંકો? સર્ચનું પ્રમાણ વધવા પાછળના ચાર મોટા કારણો વિશે જાણી લો...

2026-10-17 23:03:36
Author: Darshana Visaria
ગૂગલ પર કેમ સર્ચ થઈ રહી છે આ ચાર બેંકો? સર્ચનું પ્રમાણ વધવા પાછળના ચાર મોટા કારણો વિશે જાણી લો...

ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં ઓક્ટોબર મહિના દરમિયાન મોટા નીતિગત નિર્ણયો અને ફેરફારોના કારણે દેશની અગ્રણી ખાનગી બેંકો—HDFC બેંક, યસ બેંક, IDBI બેંક અને એક્સિસ બેંક સતત ચર્ચાના કેન્દ્રમાં છે. ક્યાંક નવા એમડી અને સીઈઓનું સુકાન સોંપાયું છે, તો ક્યાંક સુપ્રીમ કોર્ટના આંચકાજનક આદેશથી શેરોમાં કડાકો બોલાયો છે, જ્યારે આઈડીબીઆઈ બેંકમાં હજારો કરોડ રૂપિયાના મોટા સોદાને લીલી ઝંડી મળી ગઈ છે. આ તમામ ઘટનાક્રમ રોકાણકારો, શેરબજાર અને સામાન્ય ખાતેદારો પર સીધી અસર પાડનારા સાબિત થઈ રહ્યા છે.

Yes Bank: AT-1 બોન્ડ રાઇટ-ઓફ કેસમાં સુપ્રીમ કોર્ટનો આંચકો

સુપ્રીમ કોર્ટનો નિર્ણય: યસ બેંક સાથે જોડાયેલા રૂપિયા 8125 કરોડના AT-1 બોન્ડ રાઇટ-ઓફ કેસમાં સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના ચુકાદામાં દખલ કરવાનો ઇનકાર કરી દીધો છે. આ નિર્ણય સામે આવ્યા બાદ યસ બેંકના શેરમાં લગભગ 15 ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો હતો. બેંક પ્રશાસને જણાવ્યું છે કે તેઓ આ અદાલતી આદેશનો વિગતવાર અભ્યાસ કરી રહ્યા છે અને ભવિષ્યમાં ઉપલબ્ધ તમામ કાનૂની વિકલ્પો પર વિચાર કરશે.

Axis Bank: નવા સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક

એક્સિસ બેંકે અનંત નારાયણજીને સ્વતંત્ર ડિરેક્ટર (Independent Director) તરીકે નિયુક્ત કર્યા છે. તેમનો ચાર વર્ષનો કાર્યકાળ 19મી ઓક્ટોબર, 2026થી શરૂ થઈને 18મી ઓક્ટોબર, 2030 સુધી રહેશે. આ નિમણૂક સાથે બેંકના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો પર પણ બજારના રોકાણકારોની નજર ટકેલી છે.

HDFC Bank: અનૂપ બાગચી નવા MD અને CEO

એચડીએફસી બેંકનું સુકાન હવે અનૂપ બાગચી સંભાળવા જઈ રહ્યા છે. તેઓ 27મી ઓક્ટોબર 2026થી મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકેનો પદભાર સંભાળશે. તેઓ હાલમાં ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઈઓ છે. બેંકે તેમના માટે વાર્ષિક આશરે રૂપિયા 35.9 કરોડના પગાર પેકેજનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં રૂપિયા 8.97 કરોડ ફિક્સ્ડ સેલેરી અને આશરે રૂપિયા 26.92 કરોડ વેરિયેબલ પે સામેલ છે. આ પ્રસ્તાવિત પેકેજ પર શેરધારકોની મંજૂરી મેળવવાની પ્રક્રિયા બાકી છે. લીડરશિપમાં બદલાવ બાદ બેંકની આગામી રણનીતિ પર વિશ્લેષકો નજર રાખી રહ્યા છે.

IDBI Bank: કેનેડિયન કંપનીને 60.72 ટકા હિસ્સો વેચવા મંજૂરી

કેન્દ્ર સરકારે આઈડીબીઆઈ બેંકમાં મોટો હિસ્સો વેચવા માટે મંજૂરી આપી દીધી છે. 14મી ઓક્ટોબરે કેબિનેટે કેનેડાની ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સને બેંકનો 60.72 ટકા હિસ્સો વેચવા લીલી ઝંડી આપી છે. આ ઐતિહાસિક ડીલ આશરે રૂપિયા 52,787 કરોડની છે. જેમાં કેન્દ્ર સરકારનો 30.48 ટકા અને ભારતીય જીવન વીમા નિગમ (LIC)નો 30.24 ટકા હિસ્સાનો સમાવેશ થાય છે.

માટે શા માટે અગત્યના છે આ સમાચાર?

આ મહત્વપૂર્ણ ઘટનાક્રમોથી બેંકોની નાણાકીય સ્થિતિ, ગવર્નન્સ અને બજારમાં તેમની છબિ પર લાંબા ગાળે ઊંડી અસર પડી શકે છે. જોકે, માત્ર અખબારી અહેવાલો કે શોર્ટ-ટર્મ શેરોના ઉતાર-ચઢાવ જોઈને કોઈ પણ નિર્ણય લેવાને બદલે કંપનીના ફંડામેન્ટલ્સ તપાસીને જ રોકાણ કરવું હિતાવહ છે.