Fri Sep 04 2026

Logo

ગુજરાત સરકારે આ વર્ગના કર્મચારીઓના હિતમાં લીધો મોટો નિર્ણય, જાણો વિગત

2026-08-22 11:47:23
Author: Mayur Patel
ગુજરાત સરકારે આ વર્ગના કર્મચારીઓના હિતમાં લીધો મોટો નિર્ણય, જાણો વિગત

ગાંધીનગરઃ ગુજરાત સરકારે વધુ એક વખત કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા  દિવ્યાંગ કર્મયોગીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા અંગે યોગ્ય નીતિ નક્કી કરવા માટે પાંચ સભ્યોની ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યના દિવ્યાંગ કર્મચારીઓમાં બઢતીની તકો અને કારકિર્દીમાં સમાન અવસર અંગે નવી આશા જાગી છે.

કોને સોંપવામાં આવી જવાબદારી

રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી આ સમિતિના અધ્યક્ષ તરીકે મુખ્ય સચિવને જવાબદારી સોંપવામાં આવી છે; જ્યારે સામાન્ય વહીવટ વિભાગ (જીએડી), સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓ માટેની કચેરીના કમિશનરને આ સમિતિમાં સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ સમિતિ વિવિધ પાસાંઓનો સર્વગ્રાહી અભ્યાસ કરીને ભલામણ કરે,  તેવો સર્વગ્રાહી અભિગમ સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગ (જીએડી) દ્વારા તાજેતરમાં જ એક ઠરાવ કરી રચવામાં આવેલી આ સમિતિ રાજ્ય સરકારની સેવાઓ અને જગ્યાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓને બઢતીમાં અનામત આપવા અંગે પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ, ભારત સરકારની સૂચનાઓ તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા સંબંધિત ચુકાદાઓનો સઘન અભ્યાસ કરશે. આ ઉપરાંત સમિતિ દેશના અન્ય રાજ્ય સરકારોની દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા અંગેની નીતિ અને જોગવાઈઓનો પણ તુલનાત્મક અભ્યાસ કરશે.

દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા માટે યોગ્ય નીતિ શું હોઈ શકે અને તેના અમલ માટે કયા પગલાં જરૂરી રહેશે; તે અંગે સમિતિ વિગતવાર ભલામણો રજૂ કરશે. અન્ય રાજ્યોની નીતિઓ, કાયદાકીય જોગવાઈઓ અને અદાલતી ચુકાદાઓના આધારે બઢતીમાં અનામતની ટકાવારી સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે અભ્યાસ કરવામાં આવશે. સમિતિને જરૂરી જણાય ત્યારે કોઈપણ વિભાગ કે કચેરી પાસેથી જરૂરી માહિતી અને અભિપ્રાય મેળવવાની સત્તા પણ આપવામાં આવી છે. સમિતિની કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી સમયમર્યાદા મુજબ આગળ વધશે.

દિવ્યાંગ કર્મયોગીઓના સશક્તિકરણ અને સમાન તકના હેતુને વધુ મજબૂત બનાવતી આ પહેલ ગુજરાત સરકારની સમાવેશી અને સંવેદનશીલ વહીવટી વિચારસરણીને ઉજાગર કરે છે. હવે સમિતિના અભ્યાસ અને ભલામણો બાદ બઢતીમાં અનામત અંગેની યોગ્ય નીતિ માટે મહત્વપૂર્ણ નિર્ણયનો માર્ગ વધુ સ્પષ્ટ બનશે.