Mon Sep 07 2026

Logo

દ્વારકામાં  શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવની આસ્થા ભેર ઉજવણી થશે, શ્રદ્ધાળુઓ ઉમટ્યા

2026-09-03 19:25:46
Author: Chandrakant Kanoja
દ્વારકામાં  શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવની આસ્થા ભેર ઉજવણી થશે, શ્રદ્ધાળુઓ ઉમટ્યા

દ્વારકા : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવની શુક્રવારે આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે. જેના પગલે દ્વારકામાં જગતમંદિરને રંગબેરંગી અને કલાત્મક રોશનીથી શણગારવામાં આવ્યું છે. જન્માષ્ટમીની રાત્રે 12:00 વાગ્યે મંદિરના દ્વાર ખુલતા જ ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી શરૂ થશે.

 2,000 પોલીસ જવાનો અને હોમગાર્ડ તૈનાત

તેમજ લાખો ભક્તોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને અંદાજે 2,000 પોલીસ જવાનો અને હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે તથા ડ્રોન સર્વેલન્સ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત  કીર્તિસ્તંભથી છપ્પન સીડી સુધી વિશેષ બેરિકેડિંગ કરાયું છે અને દર્શન માટે આવન-જાવનની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 

 દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર 

આ ઉપરાંત કૃષ્ણ  જન્મોત્સવ પ્રસંગે દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે કાન્હા વિચાર મંચ દ્વારા શોભાયાત્રા, મટકી ફોડ અને રાસોત્સવ જેવા ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

ગોમતી ઘાટ પર એનડીઆરએફની ટીમ તૈનાત

આ ઉપરાંત ભક્તોની સુરક્ષા માટે ગોમતી ઘાટ પર એનડીઆરએફની ટીમ તૈનાત કરવા આવી છે. તેમજ આરોગ્ય, પાણી અને ટ્રાફિકનું આયોજન કરાયું છે. મંદિર  પરિસરમાં ભીડ નિયંત્રણ માટે એલઇડી સ્ક્રીન દ્વારા દર્શનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. દ્વારકાધીશ મંદિરે દર્શનાર્થે આવતા યાત્રિકો માટે સામાન ઘર, પીવાનું પાણી અને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.