Fri Sep 04 2026

Logo

ચંડોળા તળાવ વિસ્થાપિતોનો વિરોધ, 6 મહિના વીતવા છતાં મકાન ન મળતા એએમસી કચેરીએ હોબાળો

2026-09-03 21:11:20
Author: Vimal Prajapati
ચંડોળા તળાવ વિસ્થાપિતોનો વિરોધ, 6 મહિના વીતવા છતાં મકાન ન મળતા એએમસી કચેરીએ હોબાળો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ શહેરમાં આવેલા ચંડોળા તળાવ વિસ્તાર ખાતે એપ્રિલ અને મે 2026માં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન ચંડોળા તળાવ વિસ્તારમાં કાચા-પાકા મકાનો સહિત અને દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન ભારતીય નાગરિકોના મકાનો પણ દૂર કરવામાં આવ્યાં હતાં. જો કે, તેમના ભારતીય હોવાના પુરાવા હોવાથી તેમને બીજા મકાન ફાળવવા માટે મનપા દ્વારા ફોર્મ ભરાવવામાં આવ્યાં હતાં. જે પ્રક્રિયાને 6 મહિના થઈ ગયાં હોવા છતાં પણ કોઈ ઘર ફાળવવામાં ના આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.

સાબરમચી રિવરફ્રન્ટ હાઉસ ખાતે વિરોધ પ્રદર્શન

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આજે અમદાવાદ મનપાના પૂર્વ વિપક્ષના નેતા અને દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણની આગેવાનીમાં ચંડોળા તળાવના 200થી વધારે લોકોએ સાબરમચી રિવરફ્રન્ટ હાઉસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન મનપા વિરૂદ્ધ નારા પણ લગાવવામાં આવ્યાં હતાં. આ દરમિયાન મકાન ફાળવણી અથવા મકાન ન ફાળવે ત્યાં સુધી 10 હજાર ભાડું આપવામાં આવે તેવી લોકોએ માંગણી કરી છે.

કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણે કરી રજૂઆત

આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણની આગેવાનીમાં લોકો કચેરી નીચે બેસી રહ્યા હતા. શહેઝાદખાન પઠાણ સહિત વિસ્થાપિતોએ મનપા કમિશનરને રજૂઆત કરી હતી. શહેઝાદખાન પઠાણે રજૂઆત કરી કે, જો આ લોકોને મકાન ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી તે લોકો ફરી ચંડોળા તળાવ વિસ્તારમાં રહેવા જશે! આ સાથે જો મકાનો નહી આપવામાં આવે તો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશું તેવી ચીમકી પણ આપી છે.

મનપા કમિશનર બંછાનિધિ પાનીએ શું કહ્યું?

આ સમગ્ર મામલે મનપાનું કહ્યું કે, અત્યારે મકાનોની ફાળવણી માટે પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આ માટે મંજૂરી લેવામાં સમય લાગી રહ્યો છે. આ મકાનો કઈ જગ્યાએ બનાવવામાં આવે તેની માટે મનપા દ્વારા જગ્યા શોધવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ આ મકાન માટે જે લોકોએ 7500 રૂપિયા ભર્યા છે તે તેમના જ છે અને તેમને જ મળવાના છે તેવું મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.