Sun Sep 06 2026

Logo

વરસાદ નહીં, પણ હીટવેવને લીધે ફૂટબૉલનું મેદાન ખરાબ થઈ ગયું! મૅચ બીજે રાખવામાં આવી

Paris   2026-08-20 19:30:11
Author: Ajay Motiwala
વરસાદ નહીં, પણ હીટવેવને લીધે ફૂટબૉલનું મેદાન ખરાબ થઈ ગયું! મૅચ બીજે રાખવામાં આવી

પૅરિસઃ ક્રિકેટમાં તેમ જ ફૂટબૉલ સહિતની આઉટડૉર રમત માટેનું મેદાન સામાન્ય રીતે વરસાદને કારણે ખરાબ થઈ જાય તો ત્યાં રમાનારી મૅચ અન્યત્ર મેદાન પર રાખવામાં આવતી હોય છે, પણ પૅરિસમાં એવું બન્યું છે જે માનવું થોડું કઠિન છે.

ફ્રેન્ચ લીગમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન પૅરિસ સેન્ટ-જર્મેઇન (PSG)ની પ્રારંભિક મૅચ રવિવારે પાર્ક ડેસ પ્રિન્સેસ નામના સ્ટેડિયમના મેદાન પર રમાવાની હતી. જોકે અસહ્ય ગરમીના પ્રકોપને કારણે આ મેદાન રમવાલાયક ન હોવાથી રવિવારની મૅચ અન્ય ગ્રાઉન્ડ પર રમાશે. આ મૅચ પીએસજી અને રેન ક્લબની ટીમ વચ્ચે રમાશે અને મૅચ હવે રેનના ગ્રાઉન્ડ પર રમાશે.

યુરોપમાં હીટવેવ (HEATWAVE) ચાલે છે. ખાસ કરીને ફ્રાન્સમાં કાળઝાળ ગરમી હોવાથી પાર્ક ડેસ પ્રિન્સેસ ગ્રાઉન્ડને ખૂબ નુકસાન થયું છે. મેદાન એટલી હદે ખરાબ થઈ ગયું છે કે એના પર મૅચ રમી શકાય એમ નથી. ખાસ કરીને ખેલાડીઓની એના પર સલામતી ન હોવાનું જણાવાયું છે. મેદાન ખરાબ થઈ જતાં ખેલાડીઓ પડી જવાથી તેમને ગંભીર ઈજા થવાની સંભાવના છે.

મૅચને ત્રણ જ દિવસ બાકી છે એવામાં એનું સ્થળ અન્યત્ર નક્કી થઈ જતાં પાર્ક ડેસ પ્રિન્સેસ સ્ટેડિયમ માટે ટિકિટો ખરીદનારા પ્રેક્ષકોને રિફંડ આપવામાં આવશે અને રેનના સ્ટેડિયમની મૅચ માટે ટિકિટોનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું મનાય છે.