10 લાખ ટન કાચી ખાંડની આયાતને મંજૂરીના અહેવાલ છતાં એનવાયબીઓટી પર કાચી ખાંડના વાયદામાં ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ સ્થાનિકમાં ખાંડની એકતરફી તેજીને નાથવા માટે ગઈકાલે કેન્દ્ર સરકારે કાચી ખાંડની આયાતને મંજૂરી આપી હોવાના નિર્દેશો છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં મથકો પાછળ તેજીનો અન્ડરટોન જળવાઈ રહેતાં હાજરમાં ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. 558થી 650ની અને નાકા ડિલિવરી ધોરણે ક્વિન્ટલે રૂ. 550થી 600ની આગઝરતી તેજી આગળ ધપી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે સરકારે અગાઉ ડીલરો અને ટ્રેડરો પર સ્ટોક મર્યાદા લાદવાના પગલાં લીધા બાદ બલ્ક અથવા તો ઔદ્યોગિક વપરાશકારો પર સ્ટોક મર્યાદા લાદી હોવા છતાં સરકારને ભાવવધારો અંકુશમાં લેવા માટે નિષ્ફળતા મળી છે.
ખાંડના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત બ્રાઝિલ પછી બીજો ક્રમાંક ધરાવે છે અને જ્યારે પણ ભારતમાં ખાંડની આયાત માટે મંજૂરી આપવામાં આવે ત્યારે સામાન્યપણે વૈશ્વિક બજારમાં ખાંડના ભાવમાં વધારો આવતો હોય છે. જોકે, ગઈકાલે સરકારે 10 લાખ ટન કાચી ખાંડની આયાતને મંજૂરી આપી હોવાના અહેવાલો વહેતા થયા હોવા છતાં ન્યૂયોર્ક બોર્ડ ઑફ ટ્રેડ પર કાચી ખાંડના ઑક્ટોબર વાયદામાં ભાવ સત્ર દરમિયાન ચાર ટકા ઉછળીને ઉપરમાં 18.26 ડૉલર સુધી ક્વૉટ થયા બાદ અંતે આગલા બંધ સામે 0.03 ટકાના ઘટાડા સાથે 17.52 ડૉલરની સપાટીએ બંધ રહ્યા હતા. આમ એકંદરે વાયદામાં ભાવ ઘટીને બંધ આવ્યા હોવાથી બજાર વર્તુળોનું માનવું છે કે વૈશ્વિક સ્તરે કાચી ખાંડનો પર્યાપ્ત પુરવઠો છે.
દરમિયાન આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. તેમ જ મથકો પાછળ હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના ભાવ ક્વિન્ટલે રૂ. 558થી 600 વધીને રૂ. 6350થી 6452 અને મિડિયમ ગે્રડની ખાંડના ભાવ ક્વિન્ટલે રૂ. 620થી 650 વધીને રૂ. 6500થી 6662 આસપાસ ગુણવત્તાનુસાર રહ્યા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહી હોવા છતાં મથકો પાછળ સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 600 અને ઉપલા મથાળેથી રૂ. 590 વધીને રૂ. 6300થી 6350 અને મિડિયમ ગે્રડની ખાંડના ભાવ નીચલા મથાળેથી રૂ. 600 અને ઉપલા મથાળેથી રૂ. 550 વધીને રૂ. 6400થી 6450ના મથાળે રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.