માંગને પહોંચી વળવા માટે પાકિસ્તાનથી લવાશે ખાંડ?
નવી દિલ્હીઃ છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં તોતિંગ વધારો થયો છે. તા.20 જુલાઈ, 2026 ના રોજ ખાંડનો ભાવ ₹48.18 પ્રતિ કિલો હતો, જે 20 ઓગસ્ટ સુધીમાં વધીને ₹55.70 પ્રતિ કિલો થઈ ગયો - જે આશરે 15.6% નો વધારો દર્શાવે છે. આ ભાવમાં આ વધારા વચ્ચે, સરકારે ઇથેનોલ સંબંધિત પ્રશ્નોના જવાબમાં સ્પષ્ટપણે કહ્યું છે કે શેરડીમાંથી ઇથેનોલનું ઉત્પાદન ખાંડના ખર્ચમાં વધારો થવાનું કારણ નથી.આ ભાવ વધારો એવા સમયે થયો છે જ્યારે ગુજરાતમાં તહેવારોની મૌસમ શરૂ થવાની છે. સાતમ-આઠમના મેળા આવી રહ્યા છે તો બીજી તરફ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. આવા સમયે ગૃહિણીનું બજેટ ખાંડે ખોરવ્યું છે. આની સીધી અસર મીઠાઈઓ પર થઈ રહી છે. રક્ષાબંધન પહેલા જ મિષ્ઠાનનો સ્વાદ કડવો થઈ ગયો છે. મીઠાઈ ખાવા વધારે પૈસા ચૂકવવા પડી શકે છે.
મંત્રાલયની સ્પષ્ટતા
આ વિષય પર ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તાજેતરના ભાવ વધારા માટે ખાંડના ઇથેનોલ ઉત્પાદન માટે ડાયવર્ઝનને જવાબદાર ગણવું ખોટું છે. સરકારી આંકડા દર્શાવે છે કે 2022-23માં ઇથેનોલ માટે ડાયવર્ઝન કરાયેલી ખાંડનો હિસ્સો આશરે 12% હતો અને ત્યારથી તે ઘટીને લગભગ 9% થઈ ગયો છે.આ દરમિયાન, દેશમાં ઉત્પાદિત ઇથેનોલનો લગભગ ત્રણ-ચતુર્થાંશ ભાગ હવે અનાજમાંથી મેળવવામાં આવે છે,
ખાસ કરીને મકાઈમાંથી. પરિણામે, સરકારનું કહેવું છે કે ખાંડના ભાવમાં હાલના વધારાનું કારણ ઇથેનોલ નથી. આ ખાંડમાં થયેલા ભાવ વધારા પાથળનું કારણ આપતા સરકારે કહ્યું કે, સ્થાનિક ખાંડનું ઉત્પાદન અંદાજ કરતાં ઓછું, તહેવારોની મોસમ પહેલા માંગમાં વધારો,ભારે વરસાદ અને હવામાન પરિસ્થિતિઓને કારણે શેરડીના પાકને નુકસાન, રેડ રોટ અને ટોપ બોરર જેવા રોગો, વૈશ્વિક સ્તરે ખાંડનો પુરવઠો ઓછો, કેટલીક મિલો અને વેપારીઓ દ્વારા સંગ્રહખોરી અને અટકળો ગણાવી છે.
કેટલું ઉત્પાદન થવાનો અંદાજ
ચાલુ સિઝનમાં ખાંડનું ઉત્પાદન આશરે 306 લાખ ટન (LMT) થવાનો અંદાજ છે, જ્યારે શેરડી ઉત્પાદક રાજ્યોએ શરૂઆતમાં 343 LMT ની આસપાસ ખાંડનું ઉત્પાદન કરવાનો અંદાજ મૂક્યો હતો. તેમ છતાં સરકારનું કહેવું છે કે, ઓક્ટોબરમાં નવી પિલાણ સિઝન શરૂ થાય ત્યાં સુધી સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતો સ્ટોક છે. ખાંડના ઊંચા ભાવ ફક્ત ભારત માટે જ સમસ્યા નથી. ખાંડની ખાધ 33 LMT ની આસપાસ રહેવાનો અંદાજ છે. હવામાન સંબંધિત ચિંતાઓએ પણ પુરવઠાના અંદાજને અસર કરી છે. આંતરરાષ્ટ્રીય ખાંડના ભાવ 30 જૂનના રોજ પ્રતિ ટન 474 ડોલરથી વધીને 20 ઓગસ્ટના રોજ પ્રતિ ટન 552 ડોલર થયા - જે બે મહિનાથી ઓછા સમયમાં 16% થી વધુનો વધારો છે.
સરકારે સંગ્રહખોરીને રોકવા અને પુરવઠાની અછતને રોકવા માટે ઘણા પગલાં લીધાં છે, જેમ કે:તા.1 ઓગસ્ટથી 30 નવેમ્બર, 2026 સુધી ખાંડના વેપારીઓ પર 400 ટનની સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે. તા.1 સપ્ટેમ્બરથી, જથ્થાબંધ ખરીદદારોને 15 દિવસથી વધુ વપરાશ માટે ખાંડનો સ્ટોક રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
પાકિસ્તાનને કેમ આશા જાગી
કેન્દ્ર અને રાજ્યની ટીમો મિલોમાં ખાંડના સ્ટોકનું ભૌતિક નિરીક્ષણ કરી રહી છે. સ્થાનિક પુરવઠો વધારવા માટે 10 LMT કાચી ખાંડની ડ્યુટી-મુક્ત આયાતની મંજૂરી આપવામાં આવી છે. મિલોને 15 ઓક્ટોબર, 2026 થી પિલાણ કામગીરી શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે; આનાથી ઓક્ટોબરનું ઉત્પાદન 10 LMT થી વધુ થઈ શકે છે, જે સામાન્ય 3-4 LMT થી વધુ છે.ભારત સરકારે ખાંડની વધી રહેલી કિંમતને કાબુમાં કરવા માટે ખાંડ પરની આયાત કિંમત દૂર કરી દીધી છે.
દિલ્હી સરકારના આ નિર્ણય બાદ પાડીશી દેશ પાકિસ્તાનમાં રહેલા શુગર મિલના માલિકોની આશા વધી છે. તેમણે પાકિસ્તાન સરકાર સાથે વાતચીત કરવાનું શરૂ કરી દીધું છે. આ શુગર મિલના માલિકોનું એવું કહેવું છે કે, કોઈપણ રીતે પાકિસ્તામાં તૈયાર થયેલી ખાંડને ભારત રવાના કરવામાં આવે છે. આ માટે ભારતમાં નિકાસ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે. હકીકત એ છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે વ્યાપારી સંબંધ પણ પૂરા થઈ ગયા છે. તેમ છતા પાકિસ્તાનના શુગરમિલ માલિકોને આશા જાગી છે. આ વેપારીએ ભારતમાં એક મોટા માર્કેટને જોઈ રહ્યા છે.