Sun Aug 23 2026

Logo

સજ્જન કુમારને 'રોલ મોડેલ' કહેવા પર શીખોનો રોષ, રાહુલ ગાંધીના આવાસ બહાર હલ્લાબોલ

2026-08-22 18:19:37
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: આજે નવી દિલ્હી ખાતે આવેલા કોંગ્રેસના સાંસદ અને લોકસભાના સાંસદ રાહુલ ગાંધીના નિવાસસ્થાન બહાર 1984ના શીખ વિરોધી રમખાણોથી અસરગ્રસ્ત પરિવારો અને શીખ આગેવાનોએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું.  પ્રદર્શનકારીઓએ કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા પૂર્વ પાર્ટી નેતા સજ્જન કુમારને ‘હીરો’ અને ‘રોલ મોડેલ’ ગણાવતાં નિવેદનો સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પાસે આ નિવેદનો અંગે સ્પષ્ટતા સાથે માફીની માંગ કરી હતી. દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (DSGMC)ના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. 

વિરોધ પ્રદર્શનને કારણે રાહુલ ગાંધીના નિવાસસ્થાનની બહાર ભારે પોલીસ બેરિકેડિંગ ગોઠવી દેવામાં આવ્યા હતા. DSGMCના નેતાઓએ સવાલ કર્યો હતો કે શું કોંગ્રેસ પાર્ટી સજ્જન કુમાર અંગે કરવામાં આવેલા નિવેદનોને સમર્થન આપે છે. સજ્જન કુમાર 1984ના શીખ વિરોધી રમખાણો સાથે જોડાયેલા એક કેસમાં દોષિત ઠર્યા હતા. DSGMC નેતાએ કહ્યું કે 42 વર્ષ બાદ આ પ્રકારના નિવેદનોથી રમખાણોથી અસરગ્રસ્ત પરિવારોના ઘા ફરી તાજા થયા છે અને તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતાઓને નિવેદનો અંગે જવાબ આપવા તથા માફી માંગવા અપીલ કરી હતી.

આ વિવાદ કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાના નિવેદન બાદ શરૂ થયો છે. સજ્જન કુમારના ગુરુવારે નિધન બાદ હુડ્ડાએ તેમને દેશના રાજકીય ક્ષેત્રનું મોટું નુકસાન ગણાવતાં કહ્યું હતું કે તેઓ દેશભરમાં ‘રોલ મોડેલ’ તરીકે ટાંકવામાં આવે છે. આ નિવેદન બાદ પંજાબ કોંગ્રેસના કેટલાક નેતાઓએ હુડ્ડાના નિવેદનથી અંતર જાળવ્યું હતું. કોંગ્રેસ સાંસદ ગુરજીત સિંહ ઔજલાએ કહ્યું હતું કે સજ્જન કુમારે કરેલા કૃત્યો માટે તેમને સજા મળી હતી અને પાર્ટી રમખાણોના પીડિતોની સાથે છે.

પંજાબ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રાજ કુમાર વર્કાએ પણ કહ્યું હતું કે સજ્જન કુમારનું જીવન વિવાદોથી ભરેલું રહ્યું હતું અને પંજાબ તથા પંજાબીઓની લાગણીઓને ધ્યાનમાં રાખવી જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે હિંસાથી અસરગ્રસ્ત નિર્દોષ લોકોના સમર્થનમાં ઊભા રહેવું પાર્ટીની પ્રથમ પ્રાથમિકતા છે. બીજી તરફ, DSGMCએ કોંગ્રેસ પાસે સજ્જન કુમાર અંગેના ‘હીરો’ અને ‘રોલ મોડેલ’ જેવા શબ્દપ્રયોગ અંગે સ્પષ્ટતા માંગતાં કહ્યું છે કે 1984ના રમખાણોથી પીડિત પરિવારોની લાગણીઓને અવગણી શકાય નહીં.