Tue Sep 01 2026

Logo

ઓડિશાના કિનારે કાર્ગો જહાજ ડૂબ્યું, 24 મેમ્બર હતા સવાર, 22 હજુ લાપતા

2026-08-23 09:05:03
Author: Mumbai Samachar Team
ઓડિશાના કિનારે  કાર્ગો જહાજ ડૂબ્યું, 24 મેમ્બર હતા સવાર, 22 હજુ લાપતા

ઓડિશાના દરિયાકીનારે બંગાળની ખાડીમાં પનામાના ઝંડાવાળુ એક માલવાહક જહાજ MV ઓશન વિનર શનિવારે સંપર્ક તૂટ્યા બાદ ડૂબી ગયું. જહાજમાં 24 ક્રૂ મેમ્બર સવાર હતા. તેમાં 20 ચીની નાગરિક, મ્યાનમારના 3 નાગરિક અને બાંગ્લાદેશના એક નાગરિકનો સમાવેશ થાય છે. ભારતીય કોસ્ટગાર્ડે અત્યાર સુધી બે લોકોને બચાવી લીધા છે. જ્યારે બાકી ક્રૂ સભ્યોની શોધખોળ ચાલુ છે. 

ભારતીય કોસ્ટગાર્ડના જણાવ્યા અનુસાર જહાજ ડૂબતા પહેલા MV ઓશન વિનરથી સંપર્ક તૂટવાની જાણકારી મળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે જહાજ ઓડિશાના પારાદીપ કિનારાથી અંદાજે 240 સમુદ્રી માઇલ દૂર ડૂબ્યું.

આ જહાજ 20 ઓગસ્ટની રાતે ઓડિશાના પારાદીપ કિનારાથી રવાના થયું હતું અને સિંગાપુર જઇ રહ્યું હતું. શરુઆતમાં કેટલા ક્રૂ સદસ્યોને બચાવાયા તેને લઇને સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. જો કે બાદમાં કોસ્ટગાર્ડે પુષ્ટી કરી કે બે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.  

બચાવ અભિયાન ચાલુ છે

જહાજનો સંપર્ક તૂટવા અને તેના ડુબ્યા બાદ ભારતીય કોસ્ટગાર્ડ અને ભારતીય નેવીએ સંયુક્ત બચાવ અભિયાન શરુ કર્યું. આસપાસના અન્ય જહાજોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને લાપતા ક્રૂ મેમ્બરની શોધમાં મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે. બચાવ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ બાકી ક્રૂ મેમ્બરની શોધ કરવી અને તેમની સ્થિતિની જાણકારી પ્રાપ્ત કરવાનું છે. જહાજ કઇ પરિસ્થિતિમાં ડૂબ્યુ તેના સાચા કારણની હજુ સુધી ખબર નથી પડી.

કોસ્ટગાર્ડના જણાવ્યા અનુસાર MV ઓશન વિનરમાં કુલ 24 ક્રૂ મેમ્બર સવાર હતા. પારાદીપથી અંદાજે 240 દરિયાઇ માઇલ દૂર જહાજ ડૂબ્યા બાદ કોસ્ટગાર્ડ, નેવી અને આસપાસના જહાજ બચાવ અભિયાનમાં જોડાયા છે. અત્યાર સુધી બે લોકોને બચાવી લેવાયા છે. જ્યારે બાકીના ક્રૂ મેમ્બરની શોધ ચાલુ છે. જહાજ ડૂબવાની પરિસ્થિતિઓ અને લાપતા લોકોની સ્થિતિને લઇને આગળની જાણકારીની રાહ જોવાઇ રહી છે.