રવિવારની સવાર દિલ્હી-NCRના રહેવાસીઓ માટે એક ખુશનુમા અને રાહત ભરી સવાર લઇને આવી. સવાર સવારમાં દિલ્હી-નોઇડા અને ગાઝિયાબાદથી લઇને ગુરુગ્રામ સુધી હવામાને અચાનક મૂડ બદલ્યો અને કાળા ડિબાંગ વાદળોની સાથે મુશળધાર વરસાદ શરુ થઇ ગયો.
'રેની સન્ડે' ના આ વરસાદથી જ્યાં લોકોને ઉકળાટ ભરી ગરમીથી મોટી રાહત મળી તો અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે રાહદારીઓ અને વાહનચાલકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.
રવિવાર વહેલી સવારથી જ દિલ્હીના અલગ-અલગ હિસ્સાઓમાં જોરદાર પવનો સાથે વરસાદનો દોર શરૂ થઈ ગયો હતો. પૂર્વ અને ઉત્તર-પૂર્વ દિલ્હીના આનંદ વિહાર, દિલશાદ ગાર્ડન, સીમાપુરી અને ઈસ્ટ વિનોદ નગર જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. નોઈડા અને આસપાસના ક્ષેત્રોમાં પણ સવાર-સવારમાં મૂશળધાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા.
મોસમ વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, 23 ઓગસ્ટે દિલ્હી-એનસીઆરમાં આકાશમાં સામાન્ય રીતે વાદળ છવાયેલા રહેશે. સવારથી બપોર વચ્ચે કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 33°C થી 35°C અને લઘુત્તમ તાપમાન 24°C થી 26°C ની વચ્ચે રહેવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના અનેક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ જારી કર્યું છે. IMD મુજબ, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કિનારાના પ્રદેશમાં ઉત્તર બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવના છે. તેની અસરથી ઓડિશા અને છત્તીસગઢમાં કેટલાક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બિહાર અને ઝારખંડથી લઈને અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ સુધી વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
મોટાભાગની જગ્યાઓ પર લઘુત્તમ તાપમાન સામાન્ય આસપાસ રહેશે, જ્યારે મહત્તમ તાપમાન પણ અનેક જગ્યાઓ પર સામાન્ય આસપાસ રહેવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે પણ દિલ્હીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દરમિયાન, છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી-એનસીઆરમાં વરસાદનો દોર ચાલુ છે. શનિવારે પણ વહેલી સવારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ બાદ વાતાવરણ આહ્લાદક બની ગયું હતું. આવનારા દિવસોમાં પણ વરસાદ ચાલુ રહી શકે છે. વળી, રવિવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં વાવાઝોડા અને ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ વરસ્યો છે.