Sun Aug 23 2026

Logo

મિજાજ મસ્તી: પ્રીત, પિયુ ને પશુ: હવે ‘ઘેટાં થેરપી’ પણ... !

2026-08-23 07:59:04
Author: Sanjay Chhel
Article Image

સંજય છેલ

ચાર્લી ચેપ્લિનની ફિલ્મ ‘મોર્ડન ટાઈમ્સ’નું એક યાદગાર દૃશ્ય : ઘેટાં અને ફેકટરીમાંથી બહાર આવતા મજૂરો.! 

ટાઇટલ્સ: 

દરેકમાં એક પશુ વસે છે, કોઈકમાં બે! (છેલવાણી)

1989ની આસપાસ હું ‘ગુજરાતીની શ્રેષ્ઠવાર્તાઓ’ નામની સિરિયલમાં આસિસ્ટન્ટ-કમ- સહલેખક તરીકે ફાંફાં મારતો હતો, જેના નિર્માતા-નિર્દેશક બિનગુજરાતી હતા ને ગુજરાતી સાહિત્ય સાથે નહાવા-નિચોવવાનો સંબંધ નહોતો. એ સિરિયલના શીર્ષકગીતમાં એક લાઈન હતી: આમાં છે અબોલ પશુઓની વાર્તા. હવે એ ગીતમાં ‘અબોલ પશુ’વાળી લાઈન વખતે પડદા પર ગુજરાતીના મહાન લેખકોના ફોટા મૂકેલા!

મેં નિર્દેશકને સમજાવ્યું, ‘સર, આવું ન રાખો. આમાં તો ગુજરાતીના મહાન લેખકો ‘અબોલ પશુઓ’ છે-એવું લાગશે!’

-તો નિર્દેશકે કહ્યું, ‘એક્ઝટલી! દરેક કલાકાર-લેખક, અબોલપશુ જેવો ભોળો કે નિષ્પાપ જ હોય છે!’

સદ્નસીબે એ સિરિયલ ક્યારેય ટી.વી. પર આવી જ નહીં ને આપણા મહાન લેખકોનું અપમાન થતું બચી ગયું.

જોકે, ‘અબોલ પશુઓ’ કમાલના હોય છે ને એમના પરનો પ્રેમ તો એમના કરતાંય કમાલનો હોય છે.

થોડા વખત પહેલાં ઈંગ્લેંડમાં મિલી જોન્સન નામની ક્ધયાએ ‘કેવિન’ નામનું ઘેટું ઉછેર્યું. એ રેસ્ટોરાંમાં, ગાર્ડનમાં કે બેડરૂમમાં પણ એ ઘેટાંને સાથેને સાથે જ રાખે. એટલું જ નહીં, સેકંડરી સ્કૂલનું સર્ટિફિકેટ લેવા સ્ટેજ પર ગઈ ત્યારે પણ પેલા ઘેટાંને ડર કે સંકોચ રાખ્યા વગર સાથે લઈ ગઈ! ઘેટાંથી મિલીને માનસિક શાંતિ અને હૂંફ મળે છે. મિલી માટે આ ઘેટાં થેરપી છે! કેવિનભાઈને (ઘેટાંને) મિલી સાથે રહીને શું લાગણી થતી હશે એની ખબર નથી પણ ગમતું જ હશે, નહીંતર મિલી સાથે એ ‘મિલીજુલી’ ને રહે ખરો ?

આજકાલ ‘થેરપી’ને નામે કંઈ પણ શક્ય છે. ઘણા તાંબાંના વાસણમાં હથોડી મારી એના સાઉન્ડથી શાંતિ મેળવે તો કેટલાક છીછરાં પાણીમાં પગ પલાળીને તરતી માછલીઓની ગલીપચીથી થેરપી લે છે. પેલી મિલી તો ઘેટાંને થેરપી માને છે, પણ એ જ બ્રિટનમાં વ્હીલહેમીના નામની સ્ત્રીએ 220 વાર જાતજાતના પુરુષો સાથે ડેટિંગ કે પ્રેમસંબંધો વગેરે ટ્રાય કરી જોયા પણ ક્યાંય મેળ ના પડતા,આખરે પાળેલા કૂતરા હેન્રી સાથે લગ્ન કરી લીધા!

વ્હીલહેમીનાનું કહેવું છે: ‘નોકરી છૂટી જાય. માંદગી આવે કે પૂર આવે. હેન્રી હંમેશાં એને સાથે આપે છે. વળી એ શ્વાન-પતિને એ સ્કોટિશમાં ‘રાજાજી’ કહે છે! ઉપરાંત વ્હીલહેમીના એક વેબસાઈટ દ્વારા પાલતુ પશુઓ સાથે પરણવાની પ્રેરણાના પાઠ પણ પીરસે છે....વાહ પ્યાર, ‘પપ્પી’ સે ‘પપી’ તક!

ઇન્ટરવલ

જાનવર તો બેવજહ હી બદનામ હૈ,
ઈન્સાન સે ઝયાદા કોઈ ખૂંખાર નહીં
 (અજ્ઞાત)

ઘેટાંઓ માત્ર પ્રાણી નથી, એક આખી સાઇકોલોજી છે. 1990માં હું એક ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. મારે રોજ સવારે હિમાચલ પ્રદેશના હિલ-સ્ટેશન કુલુની પહાડી પરથી રોજ 100-200 ઘેટાં ટ્રકમાં લાદીને શૂટિંગમાં લાવવાં પડતાં. વહેલી સવારની હાડધ્રુજાવતી ટાઢમાં ઘેટાંઓને એકસાથે ટ્રકમાં ચઢાવતી વખતે સમજાયું કે બધાં ઘેટાંઓનું એક જ મગજ હોય છે! જેમ એક કરે, તેમ બધાં કરે.

એ પછી મેં ઘેટાંના ભરવાડનો કોટ ને ટોપી ઉછીની લીધી. હવે ઘેટાંઓ વરસો જૂના ભરવાડને છોડીને મારી પાછળ પાછળ એક લાઇનમાં ચાલવા માંડ્યા ને પછી એકસાથે લાઈનમાં, ટ્રક પર હું એમને ચઢાવતો. હીરો- હીરોઈન સાથે ગીતના શૂટિંગમાં પણ ઘેટાંઓ મને અનુસરીને અભિનયના અજવાળાં પાથરતાં.

જોકે માણસોમાંય આવી જ ઘેટાંવૃત્તિ હોય છે. કોમી રમખાણોમાં એક માણસ પત્થર ઉપાડે કે પછી બીજો, ત્રીજો પછી ચોથો ને પછી આખી ભીડ પત્થરમારો કરવા માંડે. અમુકને તો દંગાનું કારણ પણ ખબર ન હોય! એક જણ સવાર સવારમાં વોટ્સ-એપમાં સમાચાર વાંચે કે ‘કમ્પ્યૂટરની શોધ ભારતના કોઈ વૈજ્ઞાનિક અશોકચંદે કરેલી ને એ શોધ દરમિયાન એમને એટલા બધા ‘શોક’ લાગ્યા કે પછીથી શોકની અસર જ બંધ થઈ ગઈ-એટલે એમનું નામ ‘અ-શોક  પડી ગયું! ’ 

બસ થઈ રહ્યું. આ વાંચતાં જ બધા એકબીજાને તરત જ આ સનસનીખેજ ખબર મોકલવા માંડશે, જેમાં અનેક  ભણેલાગણેલા હોંશીલાઓ પણ હશે!

કારણ?

પેલી મિલીની જેમ આપણે સૌ પણ એક અદૃશ્ય ‘ઘેટાંવૃત્તિ’ સાથે, પોતપોતાનાં અદૃશ્ય ઘેટાને વળગીને જીવીએ છીએ. ઘેટું, માન્યતા નામનું. ઘેટું, વિચારધારાનું. ઘેટું, ઘેટું, ભૂતકાળનું. ઘેટું. જૂના તૂટેલા સંબંધોનું. ઘેટું. જડ-માન્યતાઓ ને પાખંડનું. સૌની પાસે એક ઘેટું છે અથવા ઘણા લોકો ઘેટાંઓના ઝૂંડની જેમ જ જીવી રહ્યા છે.

આપણી આ ‘ધેટાંવૃત્તિ’ની વાત દુનિયાના પાવરફુલ લોકો બરાબર જાણે છે. એ લોકો આપણને ઘેટાંની જેમ જ હાંકે છે. કોઈ નવો સેલ-ફોન, કોઈ નવી અફવા કે કોઈ નવો વિવાદ આપણી ‘ઘેટાંવૃત્તિ’ પર થોપીને. હિટલરે લાખો જર્મનોના મનમાં એક નફરત ઠસાવીને ઘેટાંની જેમ હાંક રાખ્યા કે ‘યહૂદીઓ આપણા દુશ્મનો છે. નરાધમો છે. એમને મારવા જ રહ્યા!’ બસ, પછી તો બધા જર્મનોનાં દિમાગ ઘેટાંઓનાં ટોળાંની જેમ એક થઈને હિટલરની પાછળને પાછળ ચાલ્યા. 40 લાખ યહુદીઓને ઝેરી ગેસમાં ગૂંગળાવીને મારી નાખીને, એમનાં હાડકાંમાંથી સાબુ બનાવી નાખવા સુધીની એ પ્રજા ઘેટાંવૃત્તિમાં દોરાતી જ ગઈ!

 એ સમયે વિખ્યાત હાસ્યલેખક પી. જી. વૂડહાઉસને યહૂદી હોવાને લીધે ધર્માંધ નાઝીઓએ એમને હિટલરવિરોધી માનીને જેલમાં નાખેલા. ત્યાં ગરમ પાણીમાં માચીસની કાંડીઓ બોળીને ખાવું પડતું. એક જ ઓરડામાં ભીડસાથે ગોંધાઈ રહેવું પડતું. વર્લ્ડ-વોર પત્યા પછી વૂડહાઉસ જેલમાંથી છૂટયા ત્યારે પત્રકારે પૂછ્યું : ‘આટઆટલા અન્યાય અને અત્યાચાર બાદ તમને જર્મનોઓ પર નફરત નથી થતી?’

ત્યારે વૂડહાઉસે કહેલું; ‘ના. હું હોલસેલમાં આખી કોમને નફરત નથી કરી શકતો.’

 આવા કોઈક જે વિરલા હોય છે જે નફરતની ઘેટાંવૃત્તિથી બચીને વિચારી કે જીવી શકે છે.

ઍન્ડ ટાઇટલ

આદમ: તને પ્રાણીઓ ગમે?
ઇવ: તું ગમે જ છેને?