અભિમન્યુ મોદી
યુરોપના કોઈ ભવ્ય મ્યુઝિયમમાં પિન-ડ્રૉપ શાંતિ હોય. દીવાલ પર વિન્સેન્ટ વાન ગોગનું જગવિખ્યાત ચિત્ર પસનફ્લાવર્સ’ (સૂરજમુખી) લટકતું હોય. દર્શકો એ પીળા રંગની ઉદાસી અને સુંદરતાને મનમાં ઉતારી રહ્યા હોય... અને અચાનક વીસેક વર્ષનો કોઈ યુવાન ધસી આવે અને એ દોઢસો વર્ષ જૂના અમૂલ્ય ચિત્ર પર ટામેટાંનો લાલઘૂમ સૂપ ફેંકી દે!
આ કોઈ કલ્પના નથી, પણ છેલ્લા કેટલાક સમયથી વિશ્વનાં નામાંકિત મ્યુઝિયમોમાં બની રહેલી એક વરવી વાસ્તવિકતા છે. મોનાલિસાથી લઈને વાન ગોગની અદ્વિતીય કલાકૃતિઓ પર પર્યાવરણ બચાવવાની ઝુંબેશ ચલાવતા યુવાનો રંગ અને સૂપ ફેંકીને વિરોધ નોંધાવી રહ્યા છે. એક કળારસિક તરીકે આ દૃશ્ય જોતાં જ આપણા હૃદયના ધબકારા ચૂકી જવાય છે. આપણને થાય કે આ કેવી ક્રૂરતા? કોઈ મહાન સર્જકના આત્મા સરીખા ચિત્ર કે સર્જન પર આવો હુમલો કેમ? પણ જ્યારે એ યુવાનોના હાથમાં રહેલાં પોસ્ટર અને તેમની ચીસો સાંભળીએ છીએ ત્યારે એક એવી દલીલ સામે આવે છે જે આપણને અંદરથી હચમચાવી મૂકે છે. ચિત્ર પર સૂપ ફેંક્યા પછી એ યુવાન પૂછે છે : ‘કળાનું મૂલ્ય વધુ છે કે જીવનનું? શું તમને આ કૅનવાસ પર દોરાયેલા સૂરજમુખીનાં ફૂલો પૃથ્વી પર ઊગતા અસલી સૂરજમુખી કરતાં વધુ વહાલાં છે? જો આખી પૃથ્વી જ ગ્લોબલ વૉર્મિંગમાં બળીને ખાખ થઈ જશે તો આવાં મ્યુઝિયમ જોવા કોણ બચશે?’
આ કોઈ તોફાની તત્ત્વોેની ગુનાહિત માનસિકતા નથી, પણ વિનાશના આરે ઊભેલી પૃથ્વીને બચાવવા માગતી નવી પેઢીનો એક ભયાવહ ચિત્કાર છે. તે બધા દુનિયાને એ ઢોંગ માટે જગાડવા માગે છે કે જ્યાં માણસ કાગળ પર દોરેલી નદીઓને કાચની પેટીમાં સાચવે છે, પણ અસલી નદીઓમાં ઝેર ઠાલવતો રહે છે. તે જાણે છે કે કળા પર હુમલો કરવાથી આખી દુનિયાનું ધ્યાન ખેંચાશે.
આમ છતાં, સિક્કાની બીજી બાજુ એટલી જ પીડાદાયક છે. કળા એ માત્ર શણગારની વસ્તુ નથી. કોઈ પણ મહાન કલાકૃતિ એ માનવજાતનાં હજારો વર્ષના ઉત્ક્રાંતિ અને સંવેદનાત્મક વિકાસનો સૌથી પવિત્ર દસ્તાવેજ છે. જ્યારે વાન ગોગે એ ચિત્ર બનાવ્યું હશે ત્યારે તેણે પોતાના આત્માની તમામ પીડાઓ એ પીળા રંગમાં ઘૂંટી હશે. કળા એ પૃથ્વી પર માણસ હોવાનો એકમાત્ર એવો પુરાવો છે જે આપણને અન્ય પ્રાણીઓથી અલગ પાડે છે. જો પૃથ્વીને બચાવવાના નામે આપણે માનવજાતના આ મહાન સાંસ્કૃતિક વારસાને જ ખંડિત કરી નાખીશું તો આપણે બચાવીશું શું? શું માત્ર શ્વાસ લેતા જીવતા માંસના લોચા? એક કળાકાર માટે તેની કૃતિ પર ફેંકાયેલો રંગ એ માત્ર કૅનવાસ પરનો ડાઘ નથી, પણ માનવતાના ચહેરા પર પડેલી થપ્પડ છે. કળાને નષ્ટ કરીને ક્યારેય જીવનની રક્ષા ન થઈ શકે, કારણ કે કળા જ તો જીવનને જીવવા જેવું બનાવે છે.
આ આખો ઘટનાક્રમ આપણને એક એવા વૈચારિક ત્રિભેટે લાવીને ઊભા રાખી દે છે, જ્યાં બંને પક્ષ પોતાની જગ્યાએ નિ:શંકપણે સાચા છે. આ કોઈ રાજકીય કે આર્થિક લડાઈ નથી.
આ માનવજાતના પભૌતિક અસ્તિત્વ’ અને પસાંસ્કૃતિક અસ્તિત્વ’ વચ્ચેનો એક જટિલ સંઘર્ષ છે. પેલો પર્યાવરણવાદી યુવાન કહે છે કે જો ઘર જ સળગી રહ્યું હોય તો દીવાલ પર લટકતાં સુંદર ચિત્રો બચાવવાનો કોઈ અર્થ નથી. જ્યારે કલાકાર કહે છે કે જો ઘરમાં કોઈ સુંદરતા જ ન બચે તો એવા ખાલીખમ ઘરમાં જીવવાનો પણ શું અર્થ?
આ વિવાદમાં સાચું કોણ અને ખોટું કોણ તેનો ચુકાદો આપવો કદાચ અશક્ય છે, પરંતુ આ ઘટનાઓ આપણા સમયની સૌથી મોટી કરુણતાની સાક્ષી પૂરે છે. માનવજાતે વિકાસની એવી કેવી આંધળી દોટ મૂકી છે કે આજે આપણી જ નવી પેઢીને બેમાંથી કોઈ એક વસ્તુ પસંદ કરવાની નોબત આવી છે ક્યાં તો પૃથ્વી બચાવો, ક્યાં તો પૃથ્વીનું સૌંદર્ય બચાવો! કદાચ એ ચિત્રો પર ફેંકાયેલો લાલ રંગ એ માત્ર કોઈ કૃતિને ખરાબ કરવાનો પ્રયાસ નથી, પણ આવનારા વિનાશક ભવિષ્યની આગોતરી ચેતવણી છે. સમય આવી ગયો છે કે આપણે કૅનવાસ પર ચિતરાયેલા સૂરજમુખીની સાથે સાથે, માટીમાં ઊગતા સૂરજમુખીની પણ એટલી જ કાળજી લઈએ, નહીંતર એક દિવસ એવો આવશે જ્યારે આપણી પાસે લાખોની કિંમતનાં ચિત્રો લટકાવેલાં મ્યુઝિયમો તો હશે, પણ તેને જોવા માટે પૃથ્વી પર કોઈ માણસ નહીં બચ્યો હોય.