એનએસઈ (નેશનલ સ્ટોક એકસચેંજ) શૅર્સનું એલોટમેન્ટ મેળવવા અસંખ્ય લોકો ઉત્સુક હશે. એનો ઈંઙઘ આવતી કાલે સોમવારે (21 સપ્ટેમ્બરે) બંધ થઈ જશે, એ પહેલાં કેટલીક વાત જાણીને સમજી લેવી જોઈએ.
જયેશ ચિતલિયા
સૌપ્રથમ બધાએ જાણી લેવું જોઈએ કે આ ઈસ્યૂ મારફત એનએસઈને કોઈ ફંડ મળવાનું નથી. એકસચેંજ તેના સંસ્થાકીય રોકાણકારોના શૅર્સને પબ્લિક માટે ઓફર કર્યા છે, જેથી ફંડ આ સંસ્થાઓને ફાળે જશે. કમાશે પણ આ સંસ્થાઓ જ, પરંતુ એક લિસ્ટેડ કંપની બન્યા બાદ એનએસઈમાં રોકાણ કરવા માટે નાના-મોટા રોકાણકારો આવતા જશે અને ટે્રડર્સ પણ સક્રિય બનશે. પરિણામે એનએસઈની પારદર્શકતા અને જવાબદારી વધશે. એનાં શૅર્સ સતત ડિવિડંડ આપે અને તેના ભાવમાં વૃદ્ધિ થતી રહે એવી વિશાળ રોકાણકાર વર્ગની અપેક્ષા પણ વધશે. જેને પૂર્ણ કરવા અને પોતાના વિકાસ માટે એકસચેંજે સતત બિઝનેસ વધારવા-આવક અને નફો વધારવા સક્રિય રહેવું જોઈશે. હવે તેની પરીક્ષા જાહેરમાં થશે. અલબત્ત, એનએસઈ એક સજજ અને સક્ષમ કંપની છે, પણ તેને રોકાણકારોએ સમય આપવો પડશે.
એક પત્રકાર પરિષદમાં એકસચેંજનું સફળ ટ્રાન્સફોર્મેશન કરનાર મેનેજિંગ ડિરેકટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે એક્સચેન્જની અગ્રતા એક નિયમનકારની ભૂમિકા નિભાવવાની રહેશે અને ત્યારબાદ તે કમર્શિયલ એન્ટીટી-કંપની તરીકેની. હવે પછી એનએસઇ બિઝનેસ માટે વધુ વિકલ્પો તરફ ધ્યાન વધારશે એમ જણવાતા આશિષકુમાર ચૌહાણે ઉમર્યુ હતું કે એકસચેંજ કોમોડિટીઝ, કરન્સી, ઈટીએફ અને ઇજીઆર જેવી પ્રોડકટસની વૃદ્ધિની તકો ચકાસી રહ્યું છે, જેથી આવકના સ્ત્રોતોમાં વિવિધતા આવે.
નવાં સાધનો મારફત આવક પર ફોકસ
અત્યાર સુધી એકસચેંજની મોટાભાગની આવક ટ્રાન્ઝેક્શન ફીમાંથી આવતી રહી છે. તેમાં વૈવિધ્ય લાવવા માટે ઇલેક્ટ્રિસિટી ફ્યુચર્સ, ઇજીઆર અને કોમોડિટીઝ જેવાં નવાં નાણાકીય સાધનો અજમાવાઈ રહ્યા છે. આની સફળતાને આધારે માત્ર ટ્રાન્ઝેક્શન ચાર્જિસ પરની એકસચેંજની નિર્ભરતા ઘટશે. એક્સચેન્જના ડેટા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં તેની કુલ આવકમાં ટ્રાન્ઝેક્શન ચાર્જનો હિસ્સો 79 ટકા રહ્યો હતો. જોકે આવકનાં નવાં સ્ત્રોતો ઝડપથી વધી રહ્યાં છે. નોંધનીય વાત એ પણ ખરી કે એનએસઈના લિસ્ટિંગનો લાભ બીએસઈને પણ ભરપૂર મળશે.
વેલ્યુએશન કેવા બદલાશે?
એનએસઇની ઓફર ફોર સેલ 21 સપ્ટેમ્બર સુધી રહેશે, પ્રાઇસ બેન્ડ શૅરદીઠ રૂ.1700 થી 1785 છે, એકસચેંજ આ ઓફર માર્ગે રૂ. 22,561.5 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખે છે. આમાં એનએસઈને કોઈ ફંડ મળતું નથી, પણ આ ઓફર અને લિસ્ટિંગને પગલે એકસચેંજનું વેલ્યુએશન નકકી થશે. પ્રાઇસ બેન્ડની ઉપલી મર્યાદા એટલે કે રૂ.1785ના ભાવને ગણતરીમાં લઈએ તો આ વેલ્યુએશન રૂ. 4.42 લાખ કરોડનું રહેશે.
જોકે તેની સામે મોટો પડકાર ડેરિવેટિવ્ઝ ટે્રડિગની આવક જાળવી રાખવાનો પણ છે અને નવાં આવકનાં સાધનો ઊભાં કરવાનો પણ છે. તેનો પ્રયાસ વધુ રોકાણકારોને ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં લાવવાનો પણ રહેશે. તે રિટેલ-નાના રોકાણકારોને વધુ નિયંત્રિત રીતે ડેરિવેટિવ્ઝનો લાભ લેવામાં મદદ મળી શકે એવો પ્રયાસ કરશે. રોકાણકારોનું જોખમ ઘટે અને અવેરનેસ વધે એ પણ તેનો એક ઉદેશ રહેશે. એનએસઈ એકસચેંજ ટે્રડેડ ફંડ (ઇટીએફ)ના વિકાસની ઊંચી શકયતા જોઈ રહ્યું હોવાથી તેને વિકસાવવાનો પ્રયાસ કરશે. આપણા દેશમાં ઇટીએફ ઉદ્યોગનું કદ ખૂબ જ નાનું હોવાથી, ફાઇનાન્સીએલાઇઝેશન વધવાની સાથે તેમાં પણ વિસ્તરણનો ભરપૂર અવકાશ હોવાનું નિષ્ણાતો માને છે.
ગોલ્ડ માર્કેટ પર જોર
એનએસઇએ ફિઝિકલ ગોલ્ડને પ્રમાણિત એક્સચેન્જ-ટે્રડેડ ફોર્મેટમાં લાવવાના ઉદ્દેશ્ય સાથે ઇજીઆર (ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ) શરૂ કર્યા છે. આ પ્રોડકટ શુદ્ધતા, પ્રમાણિકતા અને પારદર્શકતા સંબંધી વિશ્વાસ ઊભો કરે છે અને સોનાના વેપારની કાર્યક્ષમતામાં પણ સુધારો કરે છે. એક્સચેન્જ ઇજીઆરનો ઉપયોગ કોલેટરલ તરીકે અને સિક્યોરિટીઝ ધિરાણ લેવામાં પણ થઇ શકે તેવી સંભાવના છે. અલબત્ત, આ વિષયમાં સોના પરના જીએસટીની સમસ્યાનો ઉકેલ શોધવો જરૂરી છે, જો આ મામલો સ્પષ્ટ થાય તો સોનાની બજારનું કદ વધુ મોટું બની શકે છે.
આગામી દાયકામાં આવી રહેલા કેટલાક ફેરફાર
આશિષકુમારના મતે ટેકનોલોજી તો સતત વિકસતી રહેશે. બજારના ફેસિલિટેટર તરીકે અમે એક એક્સચેન્જ તરીકે મૂળત: રોકાણકાર વર્ગ અને વેપાર સાહસિકો વચ્ચે એક વિશ્વાસનું વાતાવરણ સર્જીએ છીએ. આગામી સમયમાં ઘણા બધા ટેકનોલોજિકલ, રેગ્યુલેટરી, કંપ્લાયન્સના ફેરફારો એમ અનેક બાબતોમાં પરિવર્તનો જોવા મળશે, જેમાં મોટા ભાગની કામગીરી આપોઆપ (ઓટોમેશન મારફત) થતી હશે. એનએસઇનું મેનેજમેન્ટ માને છે કે દેશમાં ફાઈનાન્સિયલ માર્કેટના વિકાસની અઢળક સંભાવના રહેલી છે, જેમાં એનએસઈ મહત્ત્વની ભૂમિકા ભજવવાનો વિશ્વાસ ધરાવે છે. આમ તો આ કંપની (એનએસઈ) હાલ દેશનું નંબર વન એકસચેંજ છે, અનેકવિધ સીમચિન્હો તેના નામે નોંધાઇ ગયા છે. ડેરિવેટિવ્ઝ ટે્રડિગ વોલ્યુમથી લઈ માર્કેટ કેપ અને ટર્નઓવરથી લઈ ગ્લોબલ ફલક સુધી એનએસઈની વિકાસ ગાથા જાણીતી છે.
બાકી એનએસઈના ઈન્વેસ્ટર્સ અવેરનેસ કેમ્પેઈનમાં વપરાતા શબ્દો : `સોચ-સમજકર ઈન્વેસ્ટ કરના'.નો પ્રયોગ કરીને કહીએ તો હાલ એનએસઈના ભૂતકાળ કરતા તેના વર્તમાન અને ભાવિ તરફ જોવાનો સમય આવી ગયો છે.
NSE વિશે જાણવા જેવું
એનએસઈનો શૅર બીએસઈ પર લિસ્ટેડ થવાનો હોવાથી તેના સોદાઓનો લાભ બીએસઈને મળશે. અલબત્ત, એનએસઈની એન્ટ્રી સાથે બીએસઈની ટોચની દસ વેલ્યુએબલ કંપનીઓમાં એનએસઈનું સ્થાન હશે. વિશ્વમાં હાલ લિસ્ટેડ એકસચેંજીસમાં બીએસઈ, લંડન સ્ટોક એકસચેંજ, નાસદાક, ન્યુયોર્ક સ્ટોક એકસચેંજ, ઈન્ટરકોન્ટિનેન્ટલ એકસચેંજ, જપાન એકસચેંજ ગ્રૂપ, હોંગકોંગ એકસચેંજ, ટીએમએકસ કેનેડાનો સમાવેશ થાય છે. એમાં હવે એનએસઈ ઉમેરાશે.
એનએસઈની ઓફર અને લિસ્ટિંગ સાથે ભારતીય મૂડીબજારમાં ઈતિહાસનું નવું પ્રકરણ શરૂ થશે. જેમને એલોટમેન્ટ ન મળે તેમણે આ શૅર સમય જોઈ બજારમાંથી લાંબા ગાળા માટે લઈ રાખવામાં પણ શાણપણ રહેશે.