.
જૂઈ પાર્થ
રવિવારનો દિવસ, સાંજે પાંચ વાગ્યા હતા. કોમલબહેન અને ગૌરાંગભાઈ ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયાં.
કોમલબહેને પંજાબી સુટ બાજુ પર મૂકી પેન્ટ-ટોપ પહેર્યા અને ગૌરાંગભાઈએ ટીશર્ટ ને શોર્ટ્સ. બંનેનાં ઉત્સાહનો પાર નહતો. અરે, આખું ઘર રિનોવેટ કરાવ્યું હતું, આજે એમનો દીકરો નિમય પાંચ વર્ષે ભણીને અમેરિકાથી પાછો આવવાનો હતો! નિમયની ફ્લાઈટ સાંજે સાત વાગ્યે લેન્ડ થવાની હતી. કોમલબહેન અને ગૌરાંગભાઈ સાડા છ સુધીમાં તો એરપોર્ટ પહોંચી ગયાં. આટલા સમય બાદ દીકરાને જોવા માટે બંને અધીરા હતાં. એમણે નિમયનું પ્લેન ઉતરતાં જોયું. સામાન લઈ, ઈમિગ્રેશન પતાવી પિસ્તાળીસ મિનિટ પછી નિમય બહાર આવ્યો. માતા પિતાને પગે લાગી આશીર્વાદ લીધા. ગૌરાંગભાઈને ભેટ્યો અને કોમલબહેન તો દીકરા નિમયને જોયા જ કરે ઘડીકમાં માથે હાથ ફેરવે તો ઘડીકમાં હથેળી પર! કોમલબહેનની આંખમાં એમનું માતૃ વાત્સલ્ય છલકાઈ રહ્યું હતું.
સામાન ગાડીમાં મૂકી ત્રણેય ઘેર પહોંચ્યા. હાલ રિનોવેટ થયેલું ઘર ઝગારા મારી રહ્યું હતું, અને ઉપરથી લાઈટોથી શણગાર્યું હતું. ફ્રેશ થઈને ત્રણેય ડાઇનિંગ ટેબલ પર જમવાં બેઠા. કોમલબહેન નિમયને ભાવે એવી ગરમાગરમ ભાખરી બનાવી લાવ્યા. જમતી વખતે વાતવાતમાં કોમલબહેન બોલી ગયાં કે નિમય બેટા, તારા માટે બે-ત્રણ છોકરી ધ્યાનમાં રાખી છે. આવતા અઠવાડિયે મીટિગ ગોઠવીને એક પસંદ કરી લઈએ. આ વર્ષે લગ્ન અને આવતા વર્ષે બાળક આવી જાય એટલે પછી અમાં મન તમાં બાળક મોટું કરવામાં પરોવાઈ જાય અને તમે બંને તમારી રીતે થોડું જીવી શકો.
નિમય હજી તો બે કલાક પહેલા જ આવ્યો અને તરત જ લગ્ન અને બાળકોની વાત એને ના ગમી. એ પાંચ વર્ષ ત્યાં એકલો રહ્યો હતો. પોતાનાં સાચા ખોટા નિર્ણયો જાતે લીધા હતાં અને એનાં જીવનનો આટલો મોટો નિર્ણય ઉતાવળમાં લઈ લેવાનો? એને વાત ગળે ના ઉતરી. નિમયે વાત બીજી તરફ વાળવાનો પ્રયત્ન કર્યો, પણ કોમલબહેને વાત પકડી રાખી. છેવટે નિમયે આવતાની સાથે જ એનાં માતા -પિતાને કહેવું પડ્યું કે એ દસ દિવસ માટે જ ઈન્ડિયા આવ્યો છે. અમેરિકામાં એને ઊંચા પગારની કાયમી નોકરી મળી ગઈ છે. એને ત્યાંની એક છોકરી ગમે છે, એનું નામ નીતિ છે અને છેલ્લા છ મહિનાથી એ લોકો લીવઈનમાં સાથે જ રહે છે અને બંનેએ ખરીદવા માટે એક ઘર પણ જોઈ રાખ્યું છે. માતા- પિતા લગ્નમાં હાજર રહી શકે એટલે એ એમને લઈ જવા જ આવ્યો હતો.
આ વાત સાંભળીને ગૌરાંગભાઈ - કોમલબહેનને આઘાત લાગ્યો. ગૌરાંગભાઈએ બિઝનેસ નિમયને સોંપીને નિવૃત્તિનો પ્લાન બનાવ્યો હતો અને કોમલબહેનને સપરિવાર એક છત નીચે રહેવું હતું, પરંતુ નિમયનાં એક નિર્ણયથી આ કશું શક્ય નહોતું. ગૌરાંગભાઈ - કોમલબહેનને એમ કે નિમય હંમેશાં માટે ઈન્ડિયા પાછો આવી ગયો છે, પણ નિમયની ગણતરી અલગ હતી. બે દિવસ સુધી ઘરમાં અકળ મૌન રહ્યું. છેવટે ગૌરાંગભાઈએ નિમયને કહ્યું કે જીવનનાં આ તબક્કે અમાં અમેરિકા આવવું મુશ્કેલ લાગે છે. તું ખુશીથી તારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરી લે. અમારા આશીર્વાદ તમારા બંનેની સાથે છે. કોમલબહેન પણ હળવા મને બોલ્યા કે અનુકૂળતા હોય તો નીતિને એનાં પરિવાર સાથે અહીં બોલાવી લે. લગ્ન કરી અઠવાડિયું આપણે બધા સાથે રહીએ અને પછી તમે પાછા જતા રહેજો!
નિમયને એની મમ્મીનો આ પ્રસ્તાવ ગમ્યો અને એ મુજબ જ કર્યું.
આ પરિસ્થિતિ હવે લગભગ ત્રણ પેઢીએ જોઈ છે એમ કહી શકાય. તેમ છતાં આજે પણ પ્રશ્નો અને અપેક્ષાઓ એમ ને એમ હોય એવું લાગે છે. એક જ પરિવાર હોવા છતાં બે ભાગ પડી જાય છે. એક છે મા-બાપનો પક્ષ અને બીજો છે સંતાનનો પક્ષ. દરેક પેઢીની સમસ્યાઓ બદલાતી રહે છે. વિચારો, વાતાવરણ, વર્તન, ભાષા, શિક્ષણ બધું જ બદલાતું રહે છે, પરંતુ બે પેઢી અલગ હોવાથી બંનેની વિચારધારામાં અંતર હોવું સ્વાભાવિક છે. સમજણ દાખવીને કઈ પેઢી આ અંતર ઘટાડવાનો કેટલો પ્રયત્ન કરે છે, સંબંધની મીઠાશનો આધાર એના પર રહેલો છે. બેય પેઢીને લાગે છે કે અમે તમારા માટે આટલું કર્યું : મા-બાપને થાય કે આટલાં વર્ષો અમે કર્યું એટલે હવે તમારો વારો, ત્યારે બીજી પેઢીને સ્વતંત્રતા જોઈએ છે. એમને એમની રીતે જીવવું છે. એક છત નીચે રહેતા લોકોનું આકાશ એક જ હોય એ જરૂરી નથી.
દીકરો વ્યવસાયમાં પોતાનો ચીલો ચાતરે અને એવું બને કે દીકરી લગ્ન ના પણ કરે. એક ઘરમાં રહેતા લોકો દિલથી જોડાયેલા હોય એવું ના પણ બને. પેઢી બદલાય એ પ્રમાણે સંબંધોની વ્યાખ્યા પણ બદલાય, અપેક્ષાઓનાં માપદંડ બદલાય, વિશ્વાસ ને વિચારો પણ બદલાય.
જે પ્રશ્નો તમે તમારા મા-બાપને પૂછ્યા હશે એ પ્રશ્નો તમને તમારા સંતાનો પૂછશે જ. જે જવાબ તમે તમારા માતા-પિતાને આપ્યા હશે એવા અથવા એનાથી પણ આકરા જવાબ કદાચ તમારા બાળકો તમને આપશે. જે પેઢી સમજણ પૂર્વક બીજી પેઢીને સાનુકૂળ થાય છે જીત અંતે એની છે. અહીંયા મુદ્દો અહંનો નથી જ. ફક્ત બે પેઢી વચ્ચેનું સાયુજ્ય સાધીને સંબંધો જળવાય એનું છે. વિરોધ પક્ષમાં બેસી જવાથી દલીલો જીતી શકાય દિલ નહીં. અને વાત જ્યારે પરિવારની આવે ત્યારે સમજીને દલીલ હારીને સંબંધ જીતવામાં જ મજા છે!
આ વિશે બોલો, તમે શું કહો છો?