વલો કચ્છ - ગિરિરાજ
ઈન્ટરનેટને પૂછ્યું કે એવા વૈશ્વિક ભૂકંપની નોંધ આપો કે જેમાં ભૂસ્તરીય ઊથલપાથલ જ નહીં સ્વરૂપ જ બદલાઈ ગયું હોય. તો 4 તારાજીભર્યા ભૂકંપની યાદીમાં એક 1819નું કચ્છના ભૂકંપનું નામ આવ્યું. પહેલાં એ સિવાયના ત્રણેયને ટૂંકમાં જાણી લઈએ. અમેરિકાના ઇતિહાસમાં આવેલા સૌથી શક્તિશાળી ભૂકંપ પૈકી એકે મિસિસિપી નદીનો પ્રવાહ જ બદલી નાખ્યો; જમીન બેસી જવાને કારણે એટલી મોટી ખાાઈઓ અને સરોવરો બન્યાં કે મિસિસિપી નદી થોડા સમય માટે ઊંધી વહેતી થઈ ગઈ હોય અને નવાં જ જળાશયો (જેવા કે રીલફૂટ લેક) સર્જાયાં, જેનાથી આખો ભૌગોલિક વિસ્તાર અલગ જ દેખાવા લાગ્યો હતો (1811-1812 ન્યૂ મેડ્રિડ ભૂકંપ- યુનાઇટેડ સ્ટેટ્સ), એ સિવાય વિશ્વનો સૌથી મોટો 1960નો વાલ્દિવિયા ભૂકંપ, તેણે પૃથ્વીના પોપડાને હલાવીને જમીન અને સમુદ્રના તળિયાને કાયમ માટે બદલી નાખ્યા. કિનારાના કેટલાક વિસ્તારો 30 ફૂટ જેટલા ઊંચા આવી ગયા, તો કેટલાંક જંગલો અને ઘરો સમુદ્રના પાણીમાં કાયમ માટે ડૂબી ગયાં. ત્યાંના કુદરતી પહાડો અને તટીય રેખાઓનું સ્વરૂપ બદલાઈ ગયું. છેલ્લે 2011નો જાપાન તોહોકુ ભૂકંપ અને સુનામી કે જેમાં જમીનનો મોટો હિસ્સો દરિયા તરફ સરકી ગયો અને નીચો બેસી ગયો, જેના કારણે કિનારાના ઘણા વસાહતી વિસ્તારો કાયમ માટે સમુદ્રના પાણી નીચે જતા રહ્યા અને નકશામાંથી જાણે નામશેષ થઈ ગયા.
19મી સદીના સૌથી પ્રભાવશાળી ભૂસ્તરશાસ્ત્રીઓમાંના એક એવા સર ચાર્લ્સ લાયેલ (14 નવેમ્બર 1497 22 ફેબ્રુઆરી 1875), પૃથ્વીના ઇતિહાસને વૈજ્ઞાનિક અને તાર્કિક ધોરણે સમજાવવામાં મહત્ત્વની ભૂમિકા તેમણે જ ભજવી હતી. તેમણે લખેલું"Principles of Geology' પુસ્તક ત્રણ ભાગમાં પ્રકાશિત થયું હતું, જેમાં તેમણે પૃથ્વીની સપાટી પર ભૂકંપ, જ્વાળામુખી અને ધોવાણ જેવી કુદરતી પ્રક્રિયાઓ દ્વારા લાંબા ગાળે થતા ફેરફારોને વૈજ્ઞાનિક રીતે સાબિત કર્યા હતા. કચ્છના 1819ના ભૂકંપ અને ‘અલ્લાહબંધ’ની નોંધ તેમણે આ જ પુસ્તકના બીજા વૉલ્યુમમાં વિશેષરૂપે લીધી હતી.
16 જૂન 1819ના રોજ કચ્છ પ્રદેશમાં ધરતી એટલી ભયાનક રીતે ધ્રૂજી ઊઠી કે તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર અંદાજે 7.8થી 8.2 જેટલી આંકવામાં આવી. આ ભૂકંપ માત્ર મકાનો કે જાનમાલને નુકસાન પહોંચાડીને અટક્યો નહીં, પરંતુ તેણે પૃથ્વીની આખી સપાટીનો ભૌગોલિક આકાર જ બદલી નાખ્યો. આ ભૂકંપનું સૌથી આશ્ચર્યજનક પરિણામ હતું ‘અલ્લાહબંધ’નું અચાનક નિર્માણ. આ એવી ઘટના હતી, જેણે દુનિયાભરના ભૂસ્તરશાસ્ત્રીઓને આવી ભૂસ્તરશાસ્ત્રીય પરિવર્તનનું એક જીવંત અને પ્રત્યક્ષ ઉદાહરણ ગણાવ્યું.
ભૂકંપની ભૂગર્ભીય તાકાત એટલી પ્રચંડ હતી કે ટેક્ટોનિક પ્લેટોની અચાનક હિલચાલથી જમીનનો એક વિશાળ પટ્ટો (અંદાજે 90 કિલોમીટર લાંબો અને 16 કિલોમીટર પહોળો) અચાનક 5થી 10 ફૂટ ઊંચો થઈ ગયો. આ કુદરતી ઊંચાણવાળા ભાગને કારણે સિંધુ નદીની શાખાઓનો કુદરતી પ્રવાહ અચાનક રોકાઈ ગયો અને ત્યાં એક વિશાળ દીવાલ જેવી કુદરતી રચના બની ગઈ. સ્થાનિક લોકોએ આ ચમત્કારિક ભૌગોલિક રચનાને ‘અલ્લાહબંધ’ નામ આપ્યું, કારણ કે તેણે એક જ રાતમાં સિંધુ નદીના પાણીને રોકીને એક તરફ મોટું સરોવર સર્જ્યું તો બીજી તરફ downstream ના વિસ્તારોમાં પાણી માટે હાહાકાર મચાવી દીધો. ભૂકંપને લીધે સિંધુ નદીનો પ્રવાહ બદલાયો. પહેલાં સિંધુ નદીની એક મુખ્ય શાખા (પુરાણ નદી) કચ્છના લખપત પાસે થઈને સમુદ્રમાં મળતી હતી. અલ્લાહબંધના નિર્માણને કારણે આ પ્રવાહ અટકી ગયો, જેના કારણે લખપત બંદર નિર્જન થઈ ગયું અને ચોખાની ખેતીનો નાશ થયો.
ભૂકંપને કારણે દક્ષિણે જમીન દબાઈ ગઈ હતી, ભૂકંપ પહેલાં સિંદરી એક કિલ્લો અને ચોકી હતી. ભૂકંપ આવ્યો ત્યારે અલ્લાહબંધવાળો ભાગ ઉપર ઉઠ્યો, પણ સિંદરી કિલ્લો તે જગ્યાની જમીનમાં નીચે બેસી ગયો. પરિણામે, કિલ્લાની આસપાસ સમુદ્રનું પાણી ભરાઈ ગયું.
કિલ્લાના રક્ષકો જીવ બચાવવા માટે કિલ્લાના સૌથી ઉપરના બુર્જ પર ચડી ગયા હતા અને તેમને હોડીઓ દ્વારા બચાવવામાં આવ્યા હતા. આ ઘટના આમ તો કોઈ રોમાંચક વાર્તાથી કમ નથી. જ્યાં સમુદ્રના પાણી ભરાતા એક વિશાળ ખારા પાણીનું સરોવર બન્યું, જેને ‘સિંદરી લેક’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટનાને કારણે કચ્છનું રણ વધુ ક્ષારીય બન્યું અને આખું ભૌગોલિક માળખું ખેતીલાયક જમીનમાંથી રણમાં ફેરવાઈ ગયું.
તે સમયગાળામાં યુરોપમાં વિજ્ઞાન જગત પૃથ્વીના ઇતિહાસને સમજવાની નવી થિયરીઓ શોધી રહ્યું હતું. બ્રિટિશ ભૂસ્તરશાસ્ત્રી સર ચાર્લ્સ લાયેલ પૃથ્વીના નિર્માણ પાછળના નિયમો સમજાવવા માટે ‘એકરૂપતાવાદ’નો સિદ્ધાંત સ્થાપિત કરી રહ્યા હતા. લાયેલે પોતાના લેખમાં ખૂબ જ મહત્ત્વના મુદ્દાઓ સ્પષ્ટ કર્યા હતા જેમકે, તેમણે દુનિયાને સમજાવ્યું કે પૃથ્વી સ્થિર નથી, પરંતુ ભૂકંપ અને જ્વાળામુખી જેવી આંતરિક શક્તિઓ તેને સતત આકાર આપી રહી છે. તે સમયના વૈજ્ઞાનિકો માનતા હતા કે ભૂકંપ માત્ર વિનાશ કરે છે, પરંતુ લાયેલે અલ્લાહબંધનું ઉદાહરણ આપીને દુનિયાને બતાવ્યું કે ભૂકંપ જેવી કુદરતી ઘટનાઓ પૃથ્વી પર ‘બંધ’ કે પર્વત જેવી નવી ભૌગોલિક રચનાઓનું સર્જન પણ કરી શકે છે.
તે સમયે કચ્છમાં બ્રિટિશ એજન્ટ તરીકે ફરજ બજાવતા કૅપ્ટન મેકમર્ડોએ આ ઘટનાના સાક્ષી તરીકે એક લેખ ‘ઝફિક્ષતફભશિંજ્ઞક્ષત જ્ઞર વિંય કશયિંફિિુ જજ્ઞભશયિું જ્ઞર ઇજ્ઞળબફુ’ માં પ્રકાશિત થયો હતો. ઈ.સ. 1826થી 1829 દરમિયાન કચ્છની મુલાકાત લેનાર પ્રવાસી અને લેખક એલેક્ઝાન્ડર બર્ન્સે પણ આના પર અવલોકન કરીને નોંધ લખેલી છે. તેમણે આ બંધની ઊંચાઈ અને લંબાઈ માપીને તેના નકશાઓ પણ તૈયાર કર્યા હતા.
એ ઘટના માત્ર એક ભૂગોળ બદલતી આપત્તિ નહોતી, પણ તે કાળના લેખકો અને દસ્તાવેજકારો માટે ઇતિહાસને કંડારવાની એક મોટી કસોટી હતી. જો તે સમયના મુસાફરો, ઇતિહાસકારો અને અધિકારીઓએ તે તારાજી અને ભૂમિના ફેરફારોને કલમબદ્ધ ન કર્યા હોત તો કદાચ આપણને ખબર જ ન પડત કે પ્રકૃતિ કેવી રીતે રાતોરાત નકશો બદલી નાખે છે. આ ઘટના સાબિત કરે છે કે ભૂકંપ જેવી આપત્તિઓ ભલે સમૃદ્ધિ અને નગરોને તોડી નાખે, પરંતુ જો સાચું દસ્તાવેજીકરણ ન થાય તો આપત્તિનો અસલી ઇતિહાસ સમયના પ્રવાહમાં કાયમ માટે દબાઈ જાય છે.