Thu Nov 19 2026

Logo

થાણે, પુણે, હિંગોલી અને બીડની કોર્ટને બૉમ્બથી ઉડાવવાની ધમકીથી ગભરાટ

2026-11-02 17:49:29
Author: Yogesh C. Patel
થાણે, પુણે, હિંગોલી અને બીડની કોર્ટને બૉમ્બથી ઉડાવવાની ધમકીથી ગભરાટ

થાણે: થાણે, પુણે, હિંગોલી અને બીડની ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળતાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કોર્ટ પરિસર ખાલી કરાવીને સઘન તપાસ કરવામાં આવતાં કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નહોતી, પરંતુ સતર્કતા ખાતર પોલીસે કોર્ટોની સુરક્ષાવ્યવસ્થા વધારી દીધી હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ સોમવારની બપોરે થાણેની સેશન્સ કોર્ટની ઑફિસમાં એક મેઈલ આવ્યો હતો, જેમાં બપોરે 3.30 વાગ્યે બૉમ્બધડાકાની કથિત ધમકી આપવામાં આવી હતી.


ધમકીભર્યા ઈ-મેઈલની માહિતી મળતાં જ થાણે નગર પોલીસની ટીમ કોર્ટમાં પહોંચી હતી અને કોર્ટ પરિસર ખાલી કરાવ્યો હતો. જજીસ, એડ્વોકેટ્સ અને અન્ય સ્ટાફના સભ્યોને સુરક્ષિત રીતે કોમ્પ્લેક્સની બહાર કાઢવામાં આવ્યા હતા. ડૉગ સ્ક્વોડ અને બીડીડીએસની ટીમ પણ તપાસ માટે પહોંચી હતી. જોકે આખા કોમ્પ્લેક્સમાં બારીકાઈથી તપાસ કર્યા છતાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પુણેના શિવાજીનગર ખાતે આવેલી સેશન્સ કોર્ટના પ્રશાસનને પણ બૉમ્બની ધમકી મળી હતી. પ્રશાસનને મળેલા ઈ-મેઈલમાં કોર્ટ પરિસરમાં બૉમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હોવાની ધમકી આપવામાં આવી હતી. પુણે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કોર્ટને ખાલી કરાવી હતી. બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ)ને પણ બોલાવવામાં આવી હતી. મોડી સાંજ સુધી ચાલેલી તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ સાંપડી નહોતી, એમ પુણે પોલીસે જણાવ્યું હતું.

એ જ રીતે સોમવારની સવારે કોર્ટ ખૂલતાં સાથે મરાઠવાડા રિજનમાં આવેલી હિંગોલી કોર્ટને બ્લાસ્ટની ધમકી આપતો મેઈલ આવ્યો હતો. કોર્ટના સ્ટાફ દ્વારા તરત જ આ અંગે પોલીસને જાણ કરાઈ હતી. તપાસ બાદ કોર્ટમાં કંઈ હાથ ન લાગતાં બ્લાસ્ટની વાત અફવા હોવાનું પોલીસે જણાવ્યું હતું. જોકે હિંગોલીના સાયબર ક્રાઈમ યુનિટે ઈ-મેઈલે ક્યાંથી આવ્યો તેને ટ્રેસ કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

આવા જ પ્રકારનો મેઈલ મરાઠવાડાની બીડ કોર્ટને 11.52 વાગ્યે આવ્યો હતો, જેમાં બપોરે 3.11 વાગ્યે બૉમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. ધમકીને પગલે કોર્ટ ખાલી કરાવી પોલીસ, ડૉગસ્ક્વોડ અને બીડીડીએસે તપાસ કરી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચ પણ આ મામલે તપાસમાં લાગી હતી. સાયબર ટીમ્સ મેઈલ આવ્યો તે આઈપી એડ્રેસની તપાસ કરી રહી છે, એવું એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સમીર શેખે જણાવ્યું હતું. (પીટીઆઈ)