Thu Nov 19 2026

Logo

ઝબાન સંભાલ કે: અગિયારા ગણી જવાની કહેવત કથા

2026-11-01 10:14:00
Author: Henry Shashtri
ઝબાન સંભાલ કે: અગિયારા ગણી જવાની કહેવત કથા

 

- હેન્રી શાસ્ત્રી

આજે પહેલી નવેમ્બર અને અંગ્રેજી મહિના અનુસાર આજથી અગિયારમા મહિનાનો પ્રારંભ થયો છે. ગુજરાતી ભાષા અને લોકજીવનમાં અગિયાર સંખ્યા સરસ રીતે વણાઈ ગઈ છે. બે અંકના જોડાણ સાથે તૈયાર થતી 10 પછી બીજી સંખ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં 11 નંબરને ખૂબ જ શુકનિયાળ માનવામાં આવતો હોવાથી શુભ પ્રસંગે ચાંદલો અથવા દાન કરતી વખતે 10 ને બદલે 11, 50 ને બદલે 51 કે 100 ને બદલે 101 રૂપિયા આપવાની પરંપરા છે. ગણિતની દ્રષ્ટિએ 11 એક એવી સંખ્યા છે જેને સરખા ભાગે વહેંચી શકાતી નથી. આપણે કોઈને 11 કે 101 રૂપિયા આપીએ છીએ ત્યારે તેનો અર્થ એ થાય છે કે આ સંબંધ કે સ્નેહ ક્યારેય તૂટશે નહીં - વહેંચાશે નહીં અને હંમેશાં અખંડ રહેશે. અગિયાર સંખ્યા સાથે એક મજેદાર કથા જોડાયેલી છે. આપણી ભાષામાં એક રૂઢિપ્રયોગ છે ‘અગિયારા ગણી જવા’. ભાગી છૂટવું, નાસી જવું કે પોબારા ગણી જવા એ એનો અર્થ છે. હિન્દીમાં ‘નૌ દો ગ્યારહ હોના’ પ્રયોગ જાણીતો છે. આનો અર્થ પણ નાસી છૂટવું એવો જ થાય છે.

પ્રાચીન સમયમાં એક નગરમાં એક બુદ્ધિશાળી અને ચતુર ચોર રહેતો હતો. આ ચોરની લાક્ષણિકતા એ હતી કે ગમે તેવી કડક સુરક્ષામાંથી પણ ચોરી કરીને ભાગી જવામાં એને ફાવટ હતી. ક્યારેય એ પકડાતો નહીં. જોકે, નવ દિવસ ચોરના હોય તો એક દિવસ પોલીસનો પણ આવે જ ને. એ ન્યાયે એક દિવસ મોટી હવેલીમાં ચોરી કરવા ઘુસ્યો હતો, પણ એની ગણતરી ઊંધી વળી અને એ રંગેહાથ ઝડપાઈ ગયો. હવેલીના માલિકે તેને દોરડાથી મુશ્કેટાટ બાંધી દીધો અને તાબડતોબ નગરના રાજાના સૈનિકોને બોલાવવા માટે માણસ મોકલી આપ્યો જેથી ચોરને તંત્રને હવાલે કરી શકાય અને એને સજા મળે. ચોરને બાંધીને રાખ્યો હતો ત્યાં તકેદારી રાખવા બે સૈનિકોને ખડે પગે ઊભા રાખ્યા હતા. ચોર એ વાત સુપેરે જાણતો હતો કે જો સૈનિક આવી એને રાજાને હવાલે કરી દેશે તો દરબારમાં એને આકરામાં આકરી સજા કરવામાં આવશે. આ તકલીફમાંથી કઈ રીતે ઉગરી શકાય એ દિશામાં તેણે બુદ્ધિ દોડાવી. એક વિચાર મનમાં ઝબક્યો. પહેલા તો તેણે ચોકી કરતા સૈનિકોને વાતચીતમાં પરોવી દીધા અને તેમને સમજાવ્યા કે ‘આખી રાત જાગીને મારો પહેરો કરી તમે થાકી ગયા હશો. તમને મોજ આવે અને થાક પણ ઊતરી જાય એ માટે હું તમને ગણિતનો એક અદ્ભુત જાદુ શીખવાડું. તેનાથી તમારો સમય પણ પસાર થઈ જશે અને થાક પણ ઊતરી જશે.’

સતત ખડે પગે પહેરો કરતા બંને સૈનિકો ખૂબ કંટાળી ગયા હતા અને ખાસ્સો થાક પણ તેમને લાગ્યો હતો. એટલે હળવા થવા તેમણે ચોરને પૂછ્યું કે ‘સારું, બતાવ શું જાદુ છે?’ સૈનિકો વાતમાં આવી ગયાની જાણ થતા ચોરે કહ્યું કે ‘જુઓ, આ મારી પાસે 9 (નવ) છે (બે હાથની આંગળીઓથી નવ દેખાડ્યા) અને તમારી પાસે 2 (બે - તેમના બંને અંગૂઠા સામે આંગળી ચીંધી) છે. જો આપણે નવ અને બે ને ભેગા કરીએ તો કેટલા થાય?’ સૈનિકોએ ગણતરી કરી મોટેથી બોલ્યા ‘નવ ને બે અગિયાર!’ સૈનિકોના મોઢામાંથી ‘અગિયાર’શબ્દ નીકળતાવેંત ચોરે ચતુરાઈથી દોરડું છોડી દીધું અને તરત જ ત્યાંથી કૂદકો મારીને અંધારામાં ગાયબ થઈ ગયો. સૈનિકો મોઢું વકાસી જોતા જ રહી ગયા. રાજાના અન્ય માણસો ચોરને તાબામાં લેવા આવ્યા અને પૂછ્યું કે ચોર ક્યાં ગયો? ત્યારે પેલા ચોકીદારોએ ભોળપણમાં જવાબ આપ્યો કે ‘અમે તો બસ નવ અને બે ની ગણતરી કરતા હતા અને ચોર નવ બે અગિયાર થઈ ગયો. એ સમયથી લોકભાષામાં કોઈની નજર ચૂકવીને એકદમ નાસી જવાના કે સટકી જવાના સંદર્ભમાં ‘નવ બે અગિયાર થવું’ કે ‘અગિયારા ગણી જવા’ રૂઢિપ્રયોગ પ્રચલિત થયો.

ભાષા  વૈભવ 
પોબારા ગણવા ને ચોપાટની રમત   

અગિયારા ગણી જવા રૂઢિપ્રયોગનો એક અર્થ પોબારા ગણી જવો પણ થાય છે. પોબારા શબ્દ દ્યુત / ચોપાટમાંથી ઊતરી આવ્યો છે. ‘મહાભારત’ની કથામાં ચોપાટની રમતમાં પાંડવો કેવી રીતે સર્વસ્વ ગુમાવી દીધું હતું અને મામા શકુનિ દ્યુતની રમતમાં કેવા નિપુણ હતા અને એમના પાસા કેવા પોબાર પડ્યા હતા એ પ્રસંગથી ‘મુંબઈ સમાચાર’ના વાચકો વાકેફ હશે. પોબાર પડવા એટલે શું? ચોપાટ કે દ્યુત (જુગાર)ની રમતમાં પાસા ફેંકતી વખતે ચોક્કસ અંક આવે તેને પોબાર પડ્યા કહેવાય. રમતમાં આ સૌથી મોટો અને જીતાડનારો દાવ ગણાય છે. શકુનિ જ્યારે પણ દ્રૌપદી વસ્ત્રાહરણ અને દ્યુત ક્રીડા વખતે પાસા ફેંકતો ત્યારે ઈચ્છીત અંક લાવી શકતો હતો. એની આ આવડત (કે  લુચ્ચાઈ?)ને કારણે કૌરવોની જીત થઈ અને પાંડવો સર્વસ્વ હારી ગયા  હતા. ચોપાટ કે ત્રણ પાસાની રમતમાં જ્યારે કોઈ ખેલાડી પાસા ફેંકે અને તેમાં બે પાસામાં ‘છ-છ’ (બાર) અને ત્રીજા પાસામાં એક (પો) એમ કુલ તેર દાણાનો દાવ આવે, તેને ‘પો-બાર’ કે ‘પોબારા’ કહેવાય છે. આ દાવ રમતમાં સૌથી શ્રેષ્ઠ અને જીત અપાવનારો માનવામાં આવે છે, તેથી તેનો એક અર્થ ફતેહ કે સફળતા પણ થાય છે. રમતમાં પોબારા પડતાં જ ખેલાડી પોતાની જીત નિશ્ર્ચિત સમજીને ઝડપથી આગળ વધે છે. એના પરથી ગુજરાતી ભાષામાં ‘પોબારા ગણી જવું’ કે ‘પોબારા ભણવા’ એવો રૂઢિપ્રયોગ પ્રચલિત થયો, જેનો અર્થ ઝડપથી નાસી છૂટવું અથવા ભાગી જવું થાય છે. પો એટલે પુણ્યાંક, વધાઈનો અંક, કોડીના દાવમાં 10, 25 અને 30 જેવા દાણા ઉપર ગણાતો એક વધારે દાણો, દાવનો મુબારકબાદીનો વધારાનો એક અંક એવા અર્થ આપવામાં આવ્યા છે.

ભીમ અગિયારસનો ઉદભવ 

વર્ષ દરમિયાન આવતી વિવિધ અગિયારસોમાં ભીમ અગિયારસની કથા ખૂબ જાણીતી છે. આ અગિયારસ નિર્જળા એકાદશી તરીકે પણ ઓળખાય છે. એ કહેવતના ઉદભવ સાથે એક નાનકડી કથા જોડાયેલી છે. પાંડવ ભાઈઓમાં ભીમને અન્ન માટે અનન્ય પ્રીતિ હતી એ ભૂખ્યા નહોતા રહી શકતા અને એને ખોરાક પણ બહુ જોઈતો હતો. ભીમની ખાવાની ક્ષમતા અંગે બકાસુરની કથા જાણીતી છે. વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે મહર્ષિ વ્યાસે તેમને જેઠ મહિનાની આ અગિયારસે પાણી પીધા વિના (નિર્જળ) ઉપવાસ કરવા કહ્યું. ભીમ માટે આ મોટો પડકાર હતો, પણ સંયમ જાળવી આ વ્રત પૂરું કર્યું, ત્યારથી આ દિવસ ભીમ અગિયારસ તરીકે ઓળખાય છે.