પુણે: દિવાળીના તહેવારની તૈયારીઓ વચ્ચે મહારાષ્ટ્રના પુણે શહેર અને ઉપનગરીય વિસ્તારોમાં મોડી રાત્રે પડેલા અનરાધાર વરસાદે નાગરિકો અને વેપારીઓની હાલત કફોડી કરી દીધી છે. રવિવારે મોડી રાતથી શરૂ થયેલા ગાજવીજ સાથેના મુશળધાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો, ગલીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી વાતાવરણ આવું જ રહેશે.
મળતી માહિતી અનુસાર સોમવારે સવારે પણ વરસાદી ઝાપટાં ચાલુ રહેતાં નોકરી-ધંધે જતાં લોકોને રેઇનકોટ અને છત્રીઓ સાથે નીકળવાની ફરજ પડી હતી. સૌથી મોટો ફટકો દિવાળી નિમિત્તે ફુટપાથ અને બજારોમાં દુકાનો સજાવીને બેઠેલા નાના વેપારીઓને પડ્યો છે, જેમનો હજારો રૂપિયાનો સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
રાતે શરૂ થયેલો વરસાદ સવાર સુધી ચાલ્યો, બજારોમાં પાણી ઘૂસ્યા
ગઈકાલે એટલે કે રવિવારે પહેલી નવેમ્બરના રાતે 8.30 વાગ્યાથી વરસાદના ઝાપટાં શરૂ થયા હતા. ત્યારબાદ મધરાતે 12 વાગ્યાની આસપાસ વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો, જે વહેલી સવાર સુધી અવિરત ચાલુ રહ્યો હતો. દિવાળી નિમિત્તે મહાત્મા ફૂલે મંડઈ, શનિપાર, હુતાત્મા બાબુ ગેનુ ચોક, રવિવાર પેઠની બોહરી આળી અને મોતી ચોક વિસ્તારોમાં રંગોળી, પૂજા સામગ્રી, આકાશ કંદિલ અને રોશની-લાઇટિંગની કામચલાઉ દુકાનો ઊભી કરવામાં આવી હતી. રાતોરાત પાણી ભરાઈ જતાં મોટાભાગનો સામાન પલળીને બરબાદ થઈ ગયો હતો.
ટ્રાફિક સિગ્નલ ઠપ્પ થતાં વાહનવ્યવહાર ખોરવાયો
સવારે પડેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક મહત્વના ટ્રાફિક સિગ્નલો બંધ પડી ગયા હતા, જેના લીધે મુખ્ય રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, દિવાળીના કારણે પહેલેથી જ રોડ પર ખરીદી માટે લોકોની ભીડ હતી, તેમાં પાણી ભરાવાથી વાહનોની ગતિ સાવ ધીમી પડી ગઈ હતી.
વૃક્ષો ધરાશાયી, હવામાન વિભાગે જાહેર કરી બે દિવસની ચેતવણી
અતિભારે પવન અને વરસાદથી ખડકી બજાર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં મોટાં વૃક્ષો અને ડાળીઓ તૂટી પડવાની ઘટનાઓ બની હતી. ફાયર બ્રિગેડની ટીમે રસ્તાઓ પર પડેલાં વૃક્ષો હટાવીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પુણે વેધશાળાએ આગામી 48 કલાક સુધી પુણે શહેર અને આસપાસના ઘાટ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા ગાજવીજ સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની ચેતવણી આપી છે.