- નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)
જ્યારે કોઈ સ્થાવર મિલકતમાં સગીરનો હિત-હિસ્સો સમાયેલો હોય તેવા સંજોગોમાં સગીરના હિતની તબદીલીના લખાણો કરતા અગાઉ કોર્ટની પૂર્વપરવાનગી મેળવવી જરૂરી છે. જો કોઈ સ્થાવર મિલકતમાં કોઈ સગીરનો વણવહેંચાયેલો હિસ્સો સમાયેલો હોય, તેવી મિલકતનું સગીરના કુદરતી વાલી સગીરનું હિત જોખમમાં મુકાય તે રીતે અને તેવા વેચાણ વ્યવહાર અંગે સક્ષમ કોર્ટ પાસેથી સગીર વતી પરવાનગી મેળવ્યા વિના કરી દેવામાં આવે તો તેવું વેચાણ મૂળથી જ રદબાતલ ઠરે છે. તેવું વેચાણ સગીરને બંધનકર્તા રહેતું નથી. આવા દરેક કિસ્સામાં ભવિષ્યમાં તકરારો-દાવાદુવીના પ્રકરણો ઉપસ્થિત થવાની શકયતાઓ સંભાવનાઓ રહેલી હોય છે.
જ્યારે સગીરના હિસ્સાનું વેચાણ કરવા સંબંધી પરવાનગી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવે ત્યારે નામદાર કોર્ટ દ્વારા હિન્દુ સગીરત્વ અને વાલીપણા અધિનિયમની જોગવાઈઓ તથા તેવી અરજીના અનુરૂપ હકીકતો આધારિત દરેક પ્રકારના પાસાઓ કાળજીપૂર્વક ધ્યાને લેવામાં આવે છે. કોર્ટને જો સ્થાવર મિલકતમાં રહેલ સગીરના હિતનું વેચાણ કરવું એ માત્ર સગીરની જરૂરિયાતના અથવા સગીરના દેખીતા ફાયદા માટે હોય તેવા જ કિસ્સામાં તેવી પરવાનગી મંજૂર કરશે.
મિલકતોનો વેચાણ ફેરબદલીના વ્યવહાર થાય અને તે સમયે જો સગીરનું હિત તેવી મિલકતોમાં રહેલું હોય તો ખરીદનાર દ્વારા તેવા સગીરોના હિતના વેચાણ અંગે કોર્ટનું હુકમનામું મેળવવાનો આગ્રહ રાખે છે. કેટલાક સંજોગોમાં કોર્ટ તરફથી આવા વેચાણની પરવાનગી આપવામાં આવતી નથી.
સહીયારી મિલકતોમાં સગીરનું હિત હોય તો પણ પુખ્તવયના સહમાલિકો તે મિલકતમાંથી વાજબી ફાયદો મેળવવા કાયદેસરનો અધિકાર ધરાવે છે. નામદાર વરિષ્ઠ કોર્ટ દ્વારા નિર્ણીત કરવામાં આવેલ છે કે ફકત સગીરનો હિસ્સો હોવાથી અને અમુક સંજોગોને ધ્યાનમાં રાખી પુખ્તવયની વ્યકિત દ્વારા થયેલ વેચાણ વ્યવહારને અટકાવવો જોઈએ નહીં કે મર્યાદિત કરવો જોઈએ નહીં.
માનનીય સુપ્રીમ કેસમાં ઠરાવેલ છે કે કોર્ટે માત્ર પ્રશ્ન હેઠળનું સગીર બાળક જ નહીં, પરંતુ પુખ્તવયના સહમાલિકો પણ તે મિલકતમાંથી વાજબી ફાયદો મેળવવા કાયદેસરનો અધિકાર ધરાવે છે. સગીરની ઉપસ્થિતિએ પુખ્તવયના સહમાલિકોની મિલકતના સંબંધમાં ઉત્પાદક કે આર્થિક રીતે લાભદાયી વ્યવહારોમાં દાખલ થવાની ક્ષમતાને ખોટી રીતે મર્યાદિત કરવી જોઈએ નહીં. કોર્ટનું કામ આ હિતોનું કાળજીપૂર્વક સમાયોજન કરવાનું છે કે જેથી કરીને પુખ્તવયના સહિતના તમામ સહિયારી મિલકતનો એવી રીતે ઉપયોગ કરવા સક્ષમ બની રહે કે જેથી સગીરનું હિત જોખમાય નહીં.
(સંદર્ભ: ગીતાબેન અનિલભાઈ ઓડેદરા તે સગીર દીપ્તિબેન અનિલભાઈ ઓડેદરાની માતા અને કુદરતી વાલી તરીકે નામદાર ગુજરાત હાઈકોર્ટ)