Sun Oct 04 2026

Logo

મસ્ત રામની મસ્તી : વિસર્જનથી કેમ નારાજ છે ગણપતિ બાપા?

2026-09-27 10:08:00
Author: Milan Trivedi
મસ્ત રામની મસ્તી : વિસર્જનથી કેમ નારાજ છે ગણપતિ બાપા?

 

 

 

- મિલન ત્રિવેદી

 

દર વર્ષે ભાદરવા મહિનામાં ગણેશ ઉત્સવ આવે છે, ત્યારે ચારેય બાજુ ધામધૂમ, ઢોલ-નગારા, ડીજેનો ઘોંઘાટ અને રોશનીનો ઝગમગાટ છવાઈ જાય છે, પણ આ બધી ધમાલ વચ્ચે એક વાત ઉપર આપણે ક્યારેય ધ્યાન આપ્યું છે? દસ દિવસ સુધી જે ગણપતિ બાપાની આપણે પાટલે બેસાડીને પૂજા-અર્ચના કરી, લાડુ ધરાવ્યા, ને ગરબા ગાયા, એ બાપા વિસર્જનના દિવસે વિદાય લેતી વખતે ખરેખર ખુશ હોય છે કે નારાજ?

 

જો આજે બાપા પોતે માઈક હાથમાં લઈને બોલી શકતા હોત, તો ચોક્કસ કહેત: `અરે ભાઈ! મારો વાંક શું? તમે મને માટીમાંથી બનાવો છો, દસ દિવસ પૂજો છો અને પછી 'ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તૂ જલ્દી આ' ના નારા લગાવીને પાણીમાં પધરાવી દો છો. પણ જરા થોભો! તમારે ઘરે મહેમાન આવે અને રોકાય જેને તમે પ્રેમપૂર્વ બોલાવ્યા હોય પછી જ્યારે થોડા દિવસ થાય અને તમે તેને વાજતે ગાજતે રેલવે સ્ટેશન મૂકવા જાવ તો તેના મનમાં શું છાપ ઊભી થાય? મારી મૂર્તિનું વિસર્જન કરવા નદી-તળાવ સુધી લંબાઓ છો એના કરતાં તમારી અંદર અને સમાજમાં જે અસલી `કચરો' ભરાઈ પડ્યો છે, એનું વિસર્જન કેમ નથી કરતા?'

 

બાપાની આ નારાજગી એકદમ વાજબી છે. આપણે દર વર્ષે મૂર્તિઓ તો નદીમાં પધરાવી આવીએ છીએ, પણ સમાજને કોરી ખાતા દૂષણોને સાચવી સાચવીને તિજોરીમાં કે મગજના ખૂણે મૂકી રાખીએ છીએ. 

 

ચાલો, આજે ગણેશજીની કલમે જ સમજીએ કે ખરેખર કઈ કઈ વસ્તુઓનું વિસર્જન કરવાની તાકીદે જરૂર છે! એ સમજાવે છે : 

`માં વિસર્જન કરવાની જગ્યાએ અભિમાન અને અહમ્નું વિસર્જન કરો. આજના યુગમાં માણસ પાસે બંગલો, ગાડી કે બૅન્ક બેલેન્સ થોડું વધી જાય, એટલે એની છાતી અઢી ફૂટ બહાર આવી જાય છે. `હું કોણ છું તું જાણે છે?' આ વાક્ય તો આપણા સમાજનો રાષ્ટ્રીય નારો બની ગયો છે! `અરે માનવ!, તું જે કાયા પર આટલો અહંકાર કરે છે, એ પણ એક દિવસ માટીમાં જ ભળવાની છે. મારી માટીની મૂર્તિનું વિસર્જન કરો છો, પણ તમારા મગજમાં ચડી ગયેલા `હું પણા'ના અભિમાનનું વિસર્જન ક્યારે કરશો?' જો માણસ પોતાના અહંકારને તાપી કે નર્મદામાં પધરાવી દે તો અડધા ઝઘડા તો ત્યાં જ પૂરા થઈ જાય.

 

ભ્રષ્ટાચારનું મસમોટું વિસર્જન કરો. આપણા દેશમાં ભ્રષ્ટાચાર એ સિસ્ટમનો એવો `પ્રસાદ' બની ગયો છે, જે વગર માગ્યે દરેક ટેબલ નીચેથી વહેંચાય છે! સરકારી ઓફિસ હોય, રોડ-રસ્તાના કોન્ટ્રાક્ટ હોય કે સામાન્ય કામ, રોકડા ના મૂકો ત્યાં સુધી ફાઈલ આગળ ખસતી નથી. ચમત્કાર જુઓ! ભ્રષ્ટાચાર કરનારો અધિકારી પણ ગણેશ ઉત્સવમાં તગડું દાન આપીને મોટો ભક્ત હોવાનો આડંબર કરે છે! ત્યારે બાપા મનોમન વિચારતા હશે, `મારા નામે આપેલા પાપના પૈસાથી હું ખુશ નથી થતો. એના કરતાં કામ કરાવવા માટે જે લાંચ લો છો, એ ભ્રષ્ટાચારની વૃત્તિનું વિસર્જન કરો તો મારો દેશ ખરેખર મહાન બને.'

 

વૈમનસ્ય અને ઝેરી રાજકારણ સાથે જીવતા લોકોએ તે વૃત્તિનું વિસર્જન કરવાની જરૂર છે.

 

  આજના ડિજિટલ યુગમાં માણસ માણસથી દૂર થતો જાય છે. જાતિ, ધર્મ, જ્ઞાતિ અને રાજકારણના નામે જે વૈમનસ્ય (વેરભાવ) ફેલાવવામાં આવે છે, એનું ઝેર સમાજના ધિરમાં ભળી ગયું છે. ફેસબુક અને વોટ્સએપના ગ્રૂપમાં વાત-વાતમાં લોકો એકબીજાનું ગળું કાપવા તૈયાર થઈ જાય છે. હું પૂછું છું, `દસ દિવસ મારા મંડપમાં તો બધી જાતિના લોકો એકસાથે આરતી ગાઓ છો, તો પછી મંડપ બહાર નીકળતા જ આ વેરભાવનો દાવ કેમ શરૂ થઈ જાય છે?' આ વૈમનસ્યનું વિસર્જન કર્યા વગર સમાજમાં શાંતિ શક્ય જ નથી.

 

સોશિયલ મીડિયાનો `દેખાડો' બંધ કરો.

 

આજકાલ ગણેશ ઉત્સવ શ્રદ્ધાનો ઓછો અને `રીલ્સ' તથા `સેલ્ફી'નો વધુ બની ગયો છે. મારી સામે હાથ જોડવા કરતાં કેમેરા સામે મોઢું રાખવામાં લોકોને વધુ રસ છે. `સેલ્ફી વિથ બાપ્પા,1000 લાઈક્સ!' પણ અસલ જીવનમાં ગાયને રોટલી ના નાખવી હોય કે વૃદ્ધ મા-બાપની સેવા ના કરવી હોય. આ પોકળ દેખાડા અને દંભનું વિસર્જન કરવું અત્યંત જરૂરી છે. શ્રદ્ધા મનમાં હોવી જોઈએ, ઇન્સ્ટાગ્રામના સ્ટેટસમાં નહીં!

 

હું જોઉં છું કે લોકોમાં ઈર્ષ્યા અને સરખામણીની માનસિકતા વધતી જાય છે. પડોશીના ઘરે મોટું ટીવી આવ્યું એટલે આપણા ઘરમાં ભૂકંપ! સગા-સંબંધામાં કોઈ આગળ વધી ગયું, એટલે પેટમાં બળતરા! આ ઈર્ષ્યાની માનસિકતાએ માણસનું સુખ-ચેન છીનવી લીધું છે. માં પેટ મોટું છે, કારણ હું જગતની બધી વાતો અને દુખોને પચાવી જાણું છું. આપણે નાનું હૃદય રાખીને પડોશીની પ્રગતિ જોઈને બળ્યા કરીએ છીએ. આ ઈર્ષ્યા અને સરખામણીરૂપી કચરાને નદીમાં વહાવી દેવાનો સમય આવી ગયો છે.

 

 પર્યાવરણનું નુકસાન અને પ્લાસ્ટિકનો કચરો જોઈ અને મારો જીવ બળે છે.

 

 આપણે પીઓપી (POP) ની મૂર્તિઓ બનાવીને જળચરોનો જીવ લઈએ છીએ, કેમિકલવાળા રંગોથી પાણી ઝેરી કરીએ છીએ અને ઉત્સવ પૂરો થયા પછી પ્લાસ્ટિકના ઝભલાં અને નકામો કચરો નદી કિનારે છોડી આવીએ છીએ. જે ઈશ્વરે આ સુંદર પ્રકૃતિ બનાવી, એ જ ઈશ્વરના નામે આપણે પ્રકૃતિનો વિનાશ કરીએ છીએ! `મને માટીમાં જન્માવો અને માટીમાં જ મેળવો. પર્યાવરણને નુકસાન પહોંચાડતી તમારી આ અજ્ઞાનતાનું વિસર્જન કરો.'

 

હવે ક્યારે જાગીશું?

 

ગણેશ ઉત્સવ એ માત્ર ઢોલ ધમાકા કરવાનો કે ડીજેના તાલે નાચવાનો તહેવાર નથી. એ તો આત્મચિંતનનું પર્વ છે. બુદ્ધિના દાતા ગણપતિ બાપા આપણને સદ્બુદ્ધિ આપવા આવે છે, પણ આપણે દર વર્ષે બાપાની મૂર્તિનું તો વિસર્જન કરી દઈએ છીએ, પરંતુ આપણા દુર્ગુણોને બરાબર સાચવી રાખીએ છીએ.

 

જો ખરેખર બાપાને પ્રસન્ન કરવા હોય અને વિદાય વખતે એમના ચહેરા પર સાચી મુસ્કુરાહટ જોવી હોય તો હવેથી  કઈંક બાપાને ગમે તેવું કરવું પડશે.

 

અહંકારનું વિસર્જન કરો અને નમ્રતા અપનાવો, ભ્રષ્ટાચારનું વિસર્જન કરો અને પ્રામાણિકતાથી જીવવાનો સંકલ્પ લો. વેરભાવનું વિસર્જન કરો અને પ્રેમ-ભાઈચારો ફેલાવો, કચરા અને પ્રદૂષણનું વિસર્જન કરો અને પ્રકૃતિનું જતન કરો.

 

જે દિવસે આપણે આપણા મનની અંદર રહેલા આ રાક્ષસોનું વિસર્જન કરીશું તે દિવસે સાચા અર્થમાં `ગણેશ ઉત્સવ' ઉજવાયો ગણાશે. બાપા પણ ખુશ થઈને આશીર્વાદ આપશે અને વિદાય લેતી વખતે કહેશે: 

 

`હા, હવે મારો માનવ ખરેખર બુદ્ધિશાળી બન્યો છે!'

 

બાકી, જો મૂર્તિઓ જ પધરાવ્યા કરીશું અને મનના પાપ સાચવી રાખીશું, તો બાપા આવતા વર્ષે પણ નારાજ થઈને જ વિદાય લેશે, અને આપણે ખાલી `મોરિયા મોરિયા'ના પોકળ નારા લગાવતા રહી જઈશું! 

 

વિચારવાયુ

 

ગણપતિ બાપા નાના હોય, મોટા હોય, પ્રસિદ્ધ હોય કે ન હોય. આશીર્વાદ હૃદયના ભાવ પ્રમાણે જ આપે.