પટના: બિહારના જમુઇમાં 19 સપ્ટેમ્બરના રોજ સગીર બાળકીની જાહેરમાં છેડછાડ કરનારા બે મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જેમાં પોલીસ સાથે અથડામણમાં એક આરોપીને પગમાં ગોળી વાગી છે. જ્યારે બીજો આરોપીના પગમાં ગંભીર ઇજા થઈ છે. આ બંને આરોપીઓના નામ નંદન યાદવ અને હરેરામ યાદવ છે.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ 19 સપ્ટેમ્બરના રોજ જમુઈના પહાડી માંડવા વિસ્તારમાં એક સગીરા કોચિંગ ક્લાસ પછી મિત્ર સાથે 'રીલ' બનાવવા ગઈ હતી. આ દરમિયાન કેટલાક ઉપદ્રવીઓએ સગીરા સાથે છેડછાડ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
દારૂ અને રેતીની ગેરકાયદે હેરાફેરીમાં સામેલ
આ અંગે મળતી માહિતી મુજબ, આરોપી નંદન યાદવ અને હરેરામ યાદવ જમુઈના પ્રતાપપુર ગામના રહેવાસી છે અને તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને દારૂ અને રેતીની ગેરકાયદે હેરાફેરીમાં સામેલ છે.
અગાઉ પણ આવા ગુનાઓ આચરી ચૂક્યા
તેમજ તેઓ અગાઉ પણ આવા ગુનાઓ આચરી ચૂક્યા છે. નંદને અગાઉ પણ આવી જ રીતે બે છોકરીઓનું અપહરણ કર્યું હતું. આ છોકરીઓ સાથે અશ્લીલ હરકતો કરતો હોય તેવા વીડિયો બનાવતો અને પછી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરતો હતો.
પોતાને કિંગ ઓફ યાદવ તરીકે ઓળખાવે છે
આરોપી નંદન યાદવ સોશિયલ મીડિયા પર પોતાને કિંગ ઓફ યાદવ તરીકે ઓળખાવે છે. એક વીડિયોમાં તે એક યુવતી સાથે અશોભનીય વર્તન કરતો જોવા મળે છે. જ્યારે બીજા વીડિયોમાં તે તેના સાથીદારો સાથે દારૂ પીતો દેખાય છે. આ બધું એવા સમયે થયું છે જ્યારે બિહારમાં દારૂબંધી અમલમાં છે.