Tue Sep 29 2026

Logo

વૈશ્વિક સ્તરે ભારતની મોટી જીત, UNSCમાં કાયમી સભ્યપદને 4 દેશોનું મહત્ત્વનું સમર્થન

Newyork   2026-09-22 07:43:00
Author: Mumbai Samachar Team
વૈશ્વિક સ્તરે ભારતની મોટી જીત, UNSCમાં કાયમી સભ્યપદને 4 દેશોનું મહત્ત્વનું સમર્થન

UNSCમાં ભારતની એન્ટ્રી માટે વધ્યું સમર્થન, 4 યુરોપિયન દેશોના સમર્થન પાછળ શું છે કારણ?

ન્યૂયોર્કઃ સંયુક્ત સુરક્ષા પરિષદમાં સ્થાયી સીટ માટે ભારતે કરેલા પ્રયાસોને મોટી સફળતા મળી છે. મધ્ય યુરોપના ચાર દેશને ભારતના સ્થાયી સભ્ય સામે સમર્થન મળ્યું છે. આ બેઠકમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર ઉપસ્થિત રહ્યા અને ભારતીય પદનું પ્રતિનિધિત્વ કર્યું. યુરોપના હંગેરી, પોલેન્ડ, સ્લોવેકિયા અને ચેક રીપબ્લિકે ભારતનું સમર્થન કરીને સહમતી દર્શાવી છે. અમેરિકાના મહાનગર ન્યૂયોર્ક શહેરમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં એસ. જયશંકરે ભારત તરફથી પોતાની વાત રજૂ કરી હતી. યુરોપના ચાર દેશો સાથે અમેરિકાની ધરતી પર આ પહેલી બેઠક છે. પહેલીવાર ભારત V4 ગ્રૂપના રાષ્ટ્રો સાથેની ખાસ બેઠકમાં હાજર છે. 

કાયમી સદસ્યતા સામે સમર્થન
આ પહેલા યુરોપના દેશ ફ્રાંસે પણ આ સભ્યપદ સામે ભારતનું સમર્થન કર્યું હતું. એ પછી બ્રિટને પણ આ સમગ્ર ગ્રૂપના વિસ્તાર અને ભારતને એમાં સમાવી લેવા માટે તરફદારી કરી હતી, ભારતના લાંબા સમયના સાથી દેશ રશિયાએ પણ આ બાબતે ભારતને સમર્થન આપ્યું છે. દરમિયાન, અમેરિકાએ પણ સિદ્ધાંતિક રીતે ભારતની કાયમી સદસ્યતા માટે સમર્થન વ્યક્ત કર્યું છે. ભારત બ્રાઝિલ, જર્મની અને જાપાનની સાથે G4 જૂથનો હિસ્સો છે. આ ચારેય દેશો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના વિસ્તરણની હિમાયત કરે છે અને કાયમી સદસ્યતા માટે એકબીજાના દાવાને સમર્થન આપે છે. ભારત છેલ્લા કેટલાય સમયથી એ પહેલ કરી રહ્યો હતો કે, સંયુક્ત રાષ્ટ્રના સુરક્ષા પરિષદના ફોર્મેટમાં કેટલાક ફેરફાર કરવામાં આવે. આ ફેરફાર પાછળના કારણોની પણ ભારતે ચર્ચા કરી હતી. આ સમગ્ર સફળતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પછીની જે તે રાષ્ટ્રની ભારત પ્રત્યેની સમર્થતા દર્શાવે છે. 

ભારતનો તર્ક શું?
ભારતે એવો તર્ક રજૂ કર્યો હતો કે, વર્ષ 1945માં સુરક્ષા પરિષદ બેઠકની રચના કર્યા બાદ ખાસ એમાં કોઈ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા નથી પણ આ દરમિયાન અને આટલા વર્ષો પછી દુનિયા ઘણી રીતે બદલી ચૂકી છે. સુરક્ષા પરિષદમાં એ વિસ્તાર, દેશ કે નવા પ્રાંત અંગે ખાસ કોઈ ઉલ્લેખ નથી તેમજ એમનું કોઈ પ્રતિનિધિત્વ પણ નથી. આવા રાષ્ટ્રોની વસ્તી, અર્થવ્યવસ્થા તથા પ્રભાવને ધ્યાને લેતા આ ફેરફાર અનિવાર્ય છે. ભારતના વિદેશમંત્રી જયશંકર સાથે મુલાકાત કર્યા બાદ સ્લોવેકિયાના વિદેશમંત્રી જુરાજ બ્લાનારે જણાવ્યું હતું કે, V4 દેશના ગ્રૂપ તરીકે આપણે સૌ એ વાતથી તો સહમત છીએ કે, ગ્લોબલ સાઉથ અને હિન્દ પેસિફિક મહાસાગરના વિસ્તારોમાં આવતા રાષ્ટ્ર ઊભરતી એક મહાશક્તિ બાદ હવે ભારતને પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય તરીકે સામેલ થઈ જવું જોઈએ. આ માટે અમે સહમતી જાહેરક કરીએ છીએ. વિદેશમંત્રી તરીકે જયશંકરની આ પ્રથમ બેઠક છે જેમાં સુરક્ષાના મુદ્દે કેટલીક ચર્ચા થઈ છે. 

આ વિષયો પર ચર્ચા થઈ
વિદેશ મંત્રીઓની વાર્ષિક બેઠકો સહિત ગાઢ રાજકીય સહયોગ, વાર્ષિક બિઝનેસ ફોરમ સહિત ઊંડો આર્થિક સહયોગ, ટેકનોલોજી, નવા અભિગમ, રીસર્ચ અને અક્ષરજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે ભાગીદારીને મજબૂત બનાવવી, રક્ષણ ક્ષેત્રના સહયોગને નવી ગતિ આપવી, સાંસ્કૃતિક સહયોગ અને લોકો વચ્ચેના સંપર્કોને વધુ સુદ્રઢ કરવા, બહુપક્ષીયતાને સમર્થન આપવા માટે સાથે મળીને કામ કરવું જેવા મોટા અને દરેક દેશ માટે મહત્ત્વના હોય એવા આ મુદ્દાની ચર્ચા પ્રથમ બેઠકમાં થઈ છે. ખાસ વાત એ પણ નોંધવા જેવી છે કે, જે ચારેય દેશ સહમત થયા છે ત્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખાસ મુલાકાત પણ લઈ ચૂક્યા છે. બીજી તરફ આ સફળતા એવા સમયે મળી છે જ્યારે ભારતમાં બ્રિકસના આયોજન પછી અમેરિકાની ધરતી પર સુરક્ષાને લઈને દુનિયાના મોટા રાષ્ટ્રની બેઠક થઈ. ખાસ કરીને યુરોપના દેશે ભારત પર ભરોસો વ્યક્ત કર્યો એને મોટી સફળતા માનવામાં આવે છે.