Thu Oct 08 2026

Logo

પરેશ ધાનાણીના ભાઈએ યુવકને માથામાં કિટલી મારી કર્યો લોહીલુહાણ, કેટલા ટાંકા આવ્યા ?

2026-09-22 12:20:00
Author: Mayur Patel
પરેશ ધાનાણીના ભાઈએ યુવકને માથામાં કિટલી મારી કર્યો લોહીલુહાણ, કેટલા ટાંકા આવ્યા ?

અમરેલીઃ અમરેલી શહેરમાં મોડી રાત્રે હિંસક અથડામણની એક ચકચારી ઘટના સામે આવી હતી. અમરેલી સાવરકુંડલા બાયપાસ રોડ પર આવેલી રાજચામુંડા પાનની દુકાન પાસે પરેશ ધાનાણીના પિતરાઈ ભાઈ અને શહેર કૉંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી અને ધર્મકુમાર જોશીપુરા નામના યુવક વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી, જેમાં સંદીપ ધાનાણીએ આવેશમાં આવીને નજીકમાં પડેલા ચાના કીટલા વડે ધર્મકુમાર પર હુમલો કરી દીધો હતો.

9 ટાંકા આવ્યા

ચાની ભારે કીટલી સીધી માથાના ભાગે વાગતાં ધર્મકુમાર જોશીપુરા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. આસપાસના લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાબડતોબ સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેમને માથાના ભાગે ગંભીર ઈજા હોવાથી ૯ ટાંકા લીધા હતા.

પાનની દુકાને થયેલી આ બબાલ અને મારામારીના સમગ્ર દ્રશ્યો નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા હતા. ઘટનાની જાણ થતાં જ અમરેલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને ત્યારબાદ હૉસ્પિટલ પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદ અને તબીબી અહેવાલના આધારે અમરેલી પોલીસ સ્ટેશનમાં શહેર કૉંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી સામે મારામારી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આરોપી સંદીપ ધાનાણી ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પિતરાઈ ભાઈ હોવાથી આ મામલો સમગ્ર પંથકમાં ભારે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ જપ્ત કરીને આગળની કાયદેસરની તપાસ તેજ કરી હતી.