- સંધ્યા સિંહ
ક્યારેક રસોડામાં કોઈ નવી વાનગી બનાવવી એ પોતાની રીતે જ એક મોટી ઘટના ગણાતી. પાડોશના ભાભીએ કંઈક નવું બનાવ્યું, સગાં-સંબંધીઓ પાસેથી કોઈ ખાસ રેસિપી મળી, માતાએ કોઈ જૂના રસોઈયા પાસેથી તેની રીત શીખી અથવા તો રવિવારે બજારમાંથી કોઈ નવી શાકભાજી આવી ગઈ. બસ, આટલું જ કાફી હતું. આજે કહાની બદલાઈ ગઈ છે. સવારે મોબાઈલ ખોલતાં જ કોઈ વસ્તુ તવા પર શેકાઈ રહી હોય છે, કોઈ કડાઈમાં ચીઝ ઓગાળી રહ્યું હોય છે તો કોઈ બે મિનિટમાં એવી ડિશ તૈયાર કરી દે છે જેને જોઈને લાગે છે કે અત્યાર સુધી આપણને રસોઈ બનાવતા આવડતું જ નહોતું.
સોશ્યલ મીડિયાએ આપણા રસોડાને એક રીતે 24 કલાક ખુલ્લું રહેતું ડિજિટલ કુકિગ શો બનાવી દીધું છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ, યુટ્યૂબ શોર્ટ્સ, ફેસબુક વીડિયો અને અન્ય પ્લેટફોર્મ્સ પર રેસિપીઝનો એવો બોમ્બમારો થાય છે કે દરરોજ કોઈ નવો સ્વાદ આપણી સામે દસ્તક આપે છે.
સવાલ એ છે કે શું આ રેસિપીએ ખરેખર આપણા ખાનપાનને બદલી નાખ્યું છે? જવાબ છે ઘણે અંશે હા. સૌથી મોટો બદલાવ કદાચ એ આવ્યો છે કે હવે નવી ડિશની શોધ માટે કોઈ પુસ્તક કે અનુભવી વ્યક્તિની જરૂર નથી પડતી. મોબાઈલની સ્ક્રીન જ આપણી રેસિપી બુક છે. પહેલાં લોકો નક્કી કરતા હતા કે આજે શું બનાવવું અને પછી તેની રીત શોધતા હતા. હવે અવારનવાર ઊલટું થાય છે. રીલ સામે આવે છે અને તે નક્કી કરે છે કે આજે શું બનશે.
આ જ કારણ છે કે એવી ઘણી વસ્તુઓ કે જે ક્યારેય ઘરના રસોડામાં મુશ્કેલીથી જોવા મળતી હતી, તે અચાનક લોકપ્રિય થઈ જાય છે. કોઈ દિવસે મિલેટ્સની રેસિપી વાયરલ થાય છે, તો પછીના દિવસે કોરિયન નૂડલ્સ, ત્યાર પછી કોઈ દેશી ફ્યુઝન અને પછી પાંચ મિનિટમાં બનતો નાસ્તો. એક રેસિપી વાયરલ થઈ નથી કે હજારો ઘરોમાં તેના પ્રયોગો શરૂ થઈ જાય છે. આ સોશ્યલ મીડિયાએ સ્વાદની આપણી વ્યાખ્યાને પણ વિસ્તૃત કરી છે. પહેલાં ભોજનનો સ્વાદ ઘણે અંશે સ્થાનિક સંસ્કૃતિ અને પસંદગીથી નક્કી થતો હતો. હવે દિલ્હીમાં બેઠેલી વ્યક્તિ દક્ષિણ ભારતીય, બંગાળી, ગુજરાતી કે કાશ્મીરી વાનગીઓ જ નહીં, પણ દુનિયાના અલગ-અલગ ભાગોની વાનગીઓથી પણ સરળતાથી પરિચિત થઈ શકે છે. કોઈ નાનાં શહેરનાં રસોડામાં પણ હવે પિઝાથી લઈને પાસ્તા અને મોમોઝથી લઈને જાપાની શૈલીની વાનગીઓ સુધીના પ્રયોગો થવા લાગ્યા છે.
પરંતુ સોશ્યલ મીડિયાના રસોડાએ માત્ર વિદેશી સ્વાદો જ નથી બદલ્યા. રસપ્રદ વાત એ છે કે તેણે જૂની ભારતીય વાનગીઓની વાપસી પણ કરાવી છે. દાદી-નાનીના સમયના મિલેટ્સ, સત્તુ, બાજરાનો રોટલો, જવ, પરંપરાગત પીણાં, દેશી ચટણી અને પ્રાદેશિક વાનગીઓ પણ હવે નવા અંદાજમાં સોશ્યલ મીડિયા પર જોવા મળી રહી છે. જે ખોરાકને ક્યારેય પછાતપણાની નિશાની માનવામાં આવતો હતો, તે જ હવે `ટે્રડિશનલ', `ઓથેન્ટિક' અને `હેલ્ધી' બનીને નવી પેઢી સામે પાછો ફરી રહ્યો છે. અહીં સોશ્યલ મીડિયાની એક મોટી હકારાત્મક અસર જોવા મળે છે. ઘણા યુવાનોએ કદાચ પહેલીવાર એ જાણ્યું કે ભારતીય રસોડું માત્ર દાળ-ભાત અને રોટલી-શાક સુધી સીમિત નથી. દરેક વિસ્તાર પાસે પોતાનું અદ્ ુત ખાદ્ય વિશ્વ છે. ડિજિટલ માધ્યમે એ વિશ્વને ઘરના રસોડા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.
પરંતુ ચિત્રની બીજી બાજુ પણ છે. રીલ્સની દુનિયામાં ખોરાક અવારનવાર સ્વાદ કરતાં દૃશ્ય અનુભવ વધુ બની જાય છે. પનીર ખેંચાતું દેખાવું જોઈએ, ચોકલેટ વહેતી હોવી જોઈએ, ચીઝ ઓગળવું જોઈએ અને પરોઠાનું પડ કેમેરાની સામે ખૂલવું જોઈએ. મતલબ એ કે ખાવાનું હવે માત્ર ખાવાની વસ્તુ નથી, જોવાની અને બતાવવાની વસ્તુ પણ બની ગયું છે. અહીંથી જ ખાનપાનની ટેવો પર સોશ્યલ મીડિયાનો પ્રભાવ થોડો જટિલ બની જાય છે. આકર્ષક વીડિયો આપણને એવી વસ્તુઓ બનાવવા માટે પ્રેરે છે જે આપણે સામાન્ય સંજોગોમાં કદાચ ન બનાવીએ. વધુ પડતું ચીઝ, વધુ પડતો સોસ, વધુ પડતું માખણ, ડીપ ફ્રાય કે અત્યંત મીઠા પ્રયોગો જોવામાં ખૂબ જ આકર્ષક લાગી શકે છે. સમસ્યા રેસિપીમાં નથી, પરંતુ એ માની લેવામાં છે કે જે સ્ક્રીન પર સુંદર અને સ્વાદિષ્ટ દેખાઈ રહ્યું છે, તે રોજિંદા ભોજન માટે પણ એટલું જ યોગ્ય છે.
સોશ્યલ મીડિયાએ ઘરમાં રસોઈ બનાવવાની ઇચ્છાને પણ વધારી છે. ઘણા લોકો તૈયાર ખાવાનું મંગાવવાને બદલે રીલ્સ જોઈને પોતે જ પ્રયોગો કરવા લાગ્યા છે. યુવાનો પણ રસોડામાં હાથ અજમાવી રહ્યા છે. ક્યારેક `મને રસોઈ બનાવતા નથી આવડતી' કહેવાતી વ્યક્તિ પણ મોબાઈલ સામે રાખીને નવી ડિશ તૈયાર કરી લે છે. આ બદલાવ ખાસ કરીને એવા લોકો માટે મહત્ત્વપૂર્ણ છે કે જેમની પાસે પરંપરાગત રીતે રસોઈ શીખવાની તક નહોતી. બીજી તરફ, રેસિપીઝની આ બહુમતીએ એક નવું દબાણ પણ ઊભું કર્યું છે. દરરોજ કંઈક નવું બનાવવાનું દબાણ. સાદા દાળ, શાક અને રોટલી ક્યારેક આપણને ખૂબ સાધારણ લાગવા માંડે છે. સોશ્યલ મીડિયા સતત એવો અહેસાસ કરાવે છે કે આપણી થાળીમાં કંઈક નવું, અનોખું અને આકર્ષક હોવું જોઈએ. ભોજનમાં વિવિધતા હોવી સારી વાત છે, પરંતુ રોજિંદા નવા સ્વાદની શોધ પરંપરાગત અને સાદા ભોજનના મહત્ત્વને ઓછું ન કરી દેવી જોઈએ.
સૌથી મોટો ફેરફાર કદાચ આપણી ખાદ્ય કલ્પનામાં આવ્યો છે. હવે ભોજન માત્ર ભૂખ સંતોષવાનું સાધન નથી રહ્યું. તે મનોરંજન છે, પ્રયોગ છે, ક્નટેન્ટ છે અને ક્યારેક ઓળખનો એક ભાગ પણ છે. લોકો પોતાના બનાવેલા ભોજનના ફોટા અને વીડિયો શેર કરે છે, એટલે કે રસોડામાંથી નીકળેલી થાળી હવે સીધી સોશ્યલ મીડિયાની દુનિયામાં પહોંચી રહી છે. આની અસર બજાર પર પણ પડી છે. કોઈ સામગ્રી કે ડિશ વાયરલ થતાં જ તેની માંગ વધી શકે છે. એવામાં સોશ્યલ મીડિયા માત્ર આપણી પસંદગી જ નથી બદલી રહ્યું, પરંતુ એ પણ પ્રભાવિત કરી રહ્યું છે કે આપણે બજારમાંથી શું ખરીદીએ છીએ. છતાં પણ આ આખી વાર્તામાં સૌથી મહત્ત્વની વાત કદાચ એ જ છે કે રેસિપી જોઈને ખોરાક બદલવો ખોટો નથી, પરંતુ રેસિપીને પોતાની જરૂરિયાત મુજબ બદલવી જરૂરી છે. સોશિયલ મીડિયા આપણને નવા સ્વાદથી પરિચિત કરાવી શકે છે, પરંતુ આપણી થાળીનો અંતિમ નિર્ણય તો આપણી જરૂરિયાત, સ્વાસ્થ્ય, ઋતુ, સ્થાનિક ઉપલબ્ધતા અને પારિવારિક પસંદગીથી જ થવો જોઈએ.