મુંબઈ: ભાઈંદરના ઈન્દ્રલોક વિસ્તારમાં આવેલી તપોવન વિદ્યાલયમાં ડબ્બામાં મેથીનું શાક લાવવાના કારણે એક વિદ્યાર્થી પાસેથી રૂ.50 દંડ વસૂલવામાં આવ્યો હોવાની ફરિયાદ સામે આવી છે. એટલું જ નહીં, વિદ્યાર્થીને શાળાની કેન્ટીનમાંથી અન્ય ભોજન આપવામાં આવ્યું હતું અને તેની ડાયરીમાં ‘ડબ્બામાં લીલી મેથી લાવવાની પરવાનગી નથી’ એવી નોંધ પણ કરવામાં આવી હતો. આ મામલો સામે આવ્યા બાદ ચર્ચા શરૂ થઈ છે.
મળતી માહિતી મુજબ, શાળામાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ફરિયાદ કરનાર મનસેના પદાધિકારી રોબર્ટ ડીસોઝાના જણાવ્યા પ્રમાણે, પ્રવેશ સમયે વાલીઓને બાળકોના ડબ્બામાં માંસાહારી ખોરાક તેમજ જમીનની અંદર ઊગતી કેટલીક શાકભાજી ન મોકલવા અંગે જણાવવામાં આવે છે. જોકે, મેથીની ભાજી લાવનાર વિદ્યાર્થી પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
આ ફરિયાદ બાદ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગે તપોવન વિદ્યાલયને કારણદર્શક નોટિસ ફટકારી છે. શિક્ષણ અધિકારી સુલભા વટારેએ નોટિસની પુષ્ટિ કરી છે. નોટિસમાં જણાવાયું છે કે શાળાઓ વિદ્યાર્થીઓના ખોરાક પર આવી રીતે પ્રતિબંધ લાદી શકતી નથી અને ચોક્કસ ખાદ્યપદાર્થ લાવવા બદલ દંડ વસૂલવો ગંભીર બાબત છે.
શિક્ષણ વિભાગે શાળા પાસેથી આ સમગ્ર મામલે ખુલાસો માંગ્યો છે. ઉપલબ્ધ અહેવાલો મુજબ, શાળાને 21 સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો અને જવાબ ન અપાય તો આગળની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. બીજી તરફ, શાળા સંચાલનનો પક્ષ જાણવા માટે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ મુદ્દે તેમનો કોઈ જ પ્રતિસાદ મળી શક્યો નહોતો.
આ ઘટના મીરા રોડની સેવન સ્કવેર શાળામાં પર્યુષણ દરમિયાન વિદ્યાર્થીઓના ડબ્બામાં ડુંગળી, લસણ અને અન્ય કેટલાક ખાદ્યપદાર્થો ન લાવવા અંગે આપવામાં આવેલા પરિપત્રના વિવાદના થોડા દિવસો બાદ સામે આવી છે. તે શાળાને પણ નોટિસ ફટકારવામાં આવી હતી અને બાદમાં પરિપત્ર પાછું ખેંચું લેવાયું હતું. હવે ભાઈંદરની તપોવન વિદ્યાલયના મેથીના મામલામાં શિક્ષણ વિભાગના નોટિસ બાદ શાળાનો ખુલાસો શું આવે છે તેના પર નજર છે.